ગુજરાતની 11 યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં માત્ર બે યુનિવર્સિટીઓમાં તેનો અધકચરો અમલ થઇ શકયો છે. હજુ સુધી સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સની રચના કરવામાં આવી નથી.28 નવેમ્બર સુધીમાં દરેક ભવન અને કોલેજોને આ માહિતી પૂરી પાડવા માટે યુનિવર્સિટીઓને જણાવેલ હતું, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ કામ ડિસેમ્બર મહિનો આવી ગયો તો પણ કરી શકેલ નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે તમામ 11યુનિવર્સીટીઓને બોર્ડ ઓફ મેન્જમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવા માટે વારંવાર સૂચનાઓ આપી છતાં કોમન એક્ટનો અમલ અટવાયો
કોમન એક્ટના કારણે હાલમાં સરકારી યુનિવર્સિટીઓમાં જે સત્તામંડળો કાર્યરત હતા તે રદ કરી દેવાયા છે. જે યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટનું અસ્તિત્ત્વ હતું તે રદ કરીને તેમના સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ લાગુ કરવામાં આવ્યું છે. કોમન એક્ટ લાગુ થયા બાદ નિર્ધારિત સમયમાં દરેક યુનિવર્સિટીઓને સત્તામંડળોની રચના કરવા પણ સૂચના આપી દેવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ગુજરાત યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. આ જ રીતે એમ.એસ.યુનિવર્સિટીમાં પણ આ સત્તામંડળોની રચના કરવામાં આવી છે. જોકે, કોમન એક્ટમાં કરાયેલી જોગવાઇઓને કારણે હજુ સુધી આ બન્ને યુનિવર્સિટીઓમાં પણ પૂર્ણ રીતે સત્તામંડળોની રચના થઇ શકી નથી.
દરેક યુનિવર્સિટીઓની સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુટ-ઓર્ડિનન્સમાં જોગવાઇ કરવાનું નક્કી કરાયું હતું. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત-કેસીજી દ્વારા હજુ સુધી સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ યુનિવર્સિટીઓને મોકલવામાં આવ્યા નથી. રાજ્યમાં આગામી દિવસોમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં હાલમાં શિક્ષણ વિભાગ સહિત તમામ વિભાગો વાઈબ્રન્ટ સમિટની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે. જેના કારણે સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સની રચનાની પ્રક્રિયા વિલંબમાં પડે તેમ છે. વાઈબ્રન્ટ સમિટ પૂર્ણ થયા પછી કોમન એક્ટને લાગુ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવું મનાય છે.
કોમન એક્ટ પોલિસીના અમલના મુદ્દે અનેક દ્વિધા
રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જ તમામ યુનિવર્સિટીઓમાં નવી એજ્યુકેશન પોલિસીનો અમલ કરવામાં આવ્યો છે. હાલમાં મોટાભાગના યુનિવર્સિટીઓ કોમન એક્ટ અને નવી એજ્યુકેશન પોલિસીના મુદ્દે દ્વિધાભરી સ્થિતિ અનુભવી રહી છે. અનેક યુનિવર્સિટીઓ નવી એજ્યુકેશન પોલિસીમાં કરાયેલી જોગવાઇઓનો પુરતો અમલ કરી શકતી નથી. કેટલીક યુનિવર્સિટીઓ કોમન એક્ટમાં જે પ્રકારની વ્યવસ્થા કરી છે તે પ્રમાણે કામગીરી કરી શકે તેમ નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની નિમણુંક ન થતા અનેક કામો અટવાયા
રાજ્યની 11 યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં માત્ર બે યુનિવર્સિટીઓમાં તેનો અધકચરો અમલ થઇ શકયો છે.બોર્ડ ઓફ મેનેજમેન્ટ નિયુક્તિ ન થઈ હોવાથી ફાઇનાન્સિયલ મેટર તમામ બાંધકામોની મંજૂરી સરકારે મંજૂર કરેલી જગ્યાઓના ભરતી નિયમો સહિતના નીતિવિષયક નિર્ણયો અટકી ગયા છે.