અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
હાઈકોર્ટના સખ્ત વલણ પછી રાજય સરકાર દ્વારા ખાનગી હોસ્પીટલોને ફાયર એન.ઓ.સી. લેવા માટે કડક સૂચના અપાઇ હોવા છતાં સુરેન્દ્રનગરની હોસ્પીટલો દ્વારા આ કામગીરી સાવ ધીમી ગતીએ ચાલતી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ શહેરની ૮૪ ખાનગી હોસ્પીટલો પૈકી ૩૩ હોસ્પીટલના સંચાલકોએ સેલ્ફ ડેકલેરેશન કરતા તેમને ફાયર એન.ઓ.સી. લેવાનું રહેતું નથી. ૯ હોસ્પીટલોને એન.ઓ.સી. અપાઈ ગયા છે. જયારે ૩૦ હોસ્પીટલોમાં ફાયર સેફટીની સુવિધાનું કામ ધીમી ગતીએ ચાલી રહયું છે. તેમજ ૧૨ હોસ્પીટલો દ્વારા આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ થયેલ ન હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ સહિતના શહેરોની ખાનગી હોસ્પીટલોમાં આગ લાગી ત્યારે ફાયર સેફટીની સુવિધાના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાઈકોર્ટે પણ આ બાબતે હોસ્પીટલના સંચાલકોની બેદરકારીની સખ્ત ઝાટકણી કાઢીને અન્ય કોઈ હોસ્પીટલમાં આવું ન બને તે માટે પગલા લેવા રાજય સરકારને તાકીદ કરી હતી. રાજય સરકાર દ્વારા તમામ ખાનગી હોસ્પીટલોને ફાયર સેફટીની સુવિધા વસાવીને સરકારી તંત્ર પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવી લેવા કડક સૂચના અપાઈ હતી.
૩૦ હોસ્પીટલોમાં વર્ક ઓર્ડર અપાયા પછી પણ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવાનું કામ ધીમીગતીએ ચાલે છે તેમાં હોસ્પીટલના સંચાલકો કરતા એજન્સીઓ વધુ જવાબદાર હોવાનું મનાય છે. એવું પણ જાણવા મળે છે કે, જિલ્લામાં માત્ર બે અજન્સીઓ દ્વારા જ ફાયર સેફટીની સુવિધાનું કામ કરવામાં આવે છે, અને આ બન્ને એજન્સીઓ પાસે દસ થી બાર હોસ્પીટલોના કામના ઓર્ડર હોવાથી એજન્સ દ્વારા બધી જજ્યાએ સમયસર કામ પુરૂ કરી શકાતું નથી પરીણામે હોસ્પીટલોને એન.ઓ.સી. મેળવવામાં વિલંબ થઈ રહયો હોવાનું મનાય છે.