ખાનગી યુનિવર્સિટીઓએ ઓનલાઇન માર્કશીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનું શરૂ કરતાં સરકારી કોલેજના ભોગે ખાનગી યુનિવર્સિટીઓની બેઠકો ફુલ થઇ જાય તેવી સ્થિતિ ઉભી થઇ
રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં પ્રવેશ માટે પહેલી વખત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. આ રજિસ્ટ્રેશમાં માર્કશીટ આવ્યા પછી ફી ભરવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીઓએ ઓનલાઇન માર્કશીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનું શરૂ કરતાં સરકારી કોલેજના ભોગે ખાનગી યુનિવર્સિટીઓની બેઠકો ફુલ થઇ જાય તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. તાકીદે યુનિવર્સીટી અને કોલેજોમાં હેલ્પ ડેસ્ક શરૂ થાય તે માટે વિધાર્થી સંગઠનોએ માંગ કરી છે.ધો.12નું પરિણામ આવ્યા બાદ જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓ પોતાની સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં સ્વતંત્ર રીતે પ્રવેશ પ્રક્રિયા કરતી હતી. ચાલુ વર્ષે તમામ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ગત 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિ એવી છે કે, વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી રહ્યા છે, પરંતુ માર્કશીટ આવી ન હોવાથી આગળની કોઇ પ્રક્રિયા થતી નથી. હાલમાં ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ આગળની કાર્યવાહી કયારે શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે શહેરમાં અને રાજયમાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓએ હાલમાં જુદા જુદા કોર્સમાં ઓનલાઇન માર્કશીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનું શરૂ કરી દીધું છે. હાલમાં શહેરની અનેક ખાનગી યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન માર્કશીટના આધારે પ્રવેશ લઇ રહ્યા છે. સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશના વિલંબના કારણે જે વિદ્યાર્થીઓને ખાનગી કોલેજો કે યુનિવર્સિટીઓની ફી પોષાતી નથી તેવા વાલીઓ પણ આર્થિકભારણ સહન કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી રહ્યા છે.એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વહેલીતકે પ્રવેશની પ્રક્રિયાને લગતી કાર્યવાહી શરૂ થાય અને સમિતિ અને હેલ્પસેન્ટર પરથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું શરૂ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
સરકારી યુનિવર્સિટીઓમાં તાકીદે પ્રવેશ હેલ્પ ડેસ્ક શરૂ કરવા માંગ
રાજ્યમાં ધો.12નું પરિણામ જાહેર થયા બાદ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ માર્કેટીંગ શરૂ કરીને વિદ્યાર્થીઓ પાસે માર્કશીટ ન હોય તો પણ પ્રવેશ ક્ધફર્મ કરવાનું શરૂ કરી દીધું હતુ. જેની સામે સરકારી યુનિવર્સિટીઓમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું નક્કી કર્યા બાદ હજુ રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજોમાં પ્રવેશ પણ મેળવી લીધા છે ત્યારે સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે હજુ લાંબો સમય રાહ જોવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.