સાંજે ૬ થી ૮ સુધીના ૨ કલાકમાં જ ૫॥ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી
સૌરાષ્ટ્રમાં એક તરફ મેઘરાજાની કાગડોળે વાટ જોવાઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા એકધારૂ વ્હાલ વરસાવી રહ્યાં છે. ગઈકાલે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં અનરાધાર ૬ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. આજે સવાર થી પણ દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૭ જિલ્લા ૧૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આ સાથે આજ સુધીમાં ગુજરાતમાં ૨૩.૭૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૩૦.૦૪ ટકા વરસાદ પડયો છે. તો સૌરાષ્ટ્રમાં ૧૯.૨૯ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૨.૯૦ ટકા જેટલો વરસાદ વરસ્યો છે તો ર્નો ગુજરાતમાં ૧૮.૩૨ ટકા વરસાદ પડયો છે. કચ્છમાં સૌથી ઓછો ૬.૨૭ ટકા જ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સીઝનમાં વરસાદ માટે ધોરી ગણાતા એવા અષાઢ માસમાં પણ ૧૦ દિવસ કોરા ધાકોડ જતા હવે લોકો પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક વરસાદ આપે તેવી એક પણ સીસ્ટમ હાલ સક્રિય નથી અને હજુ એક સપ્તાહ સુધી સક્રિય થાય તેવી કોઈ જ સંભાવના દેખાતી નથી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડના પારડીમાં ૧૪૧ મીમી, વાપીમાં ૮૦ મીમી અને ઉમરગામમાં ૧૬ મીમી જેટલો વરસાદ પડયો છે. આ ઉપરાંત તાપી, છોટાઉદેપુર, સુરત, નવસારી, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં હળવા ઝાપટા પડયા છે. આજે સવાર થી દક્ષિણ ગુજરાતમાં અમુક સ્ળોએ ઝાપટા પડયા હતા. સૌરાષ્ટ્રમાં પણ સવારમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું.