સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં વેક્સિન અંગે દેકારો બોલી ગયો છે. ખાસ કરીને કોવિશિલ્ડ વેક્સિનની કારમી તંગી ઉભી થવાના કારણે વેક્સિનેશનની તમામ કામગીરી ધબાય નમ: થઈ જવા પામી છે. પરિણામે અનેક લોકો વેક્સિનના વાંકે રઝડી પડ્યા છે. સોમવાર સુધીમાં પણ પરિસ્થિતિ સુધરી નથી. મનપાના અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે, રવિવારે સોમવારના વેક્સિનેશન માટે 8 હજાર ડોઝ મળ્યા હતા. મનપા પાસે 2 હજાર ડોઝનો સ્ટોક છે. 7 લાખ રાજકોટીયનને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. અત્યારે 1.5 લાખ લોકોને બીજો ડોઝ આપવાનો છે.
પરંતુ કોવિશિલ્ડનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાથી તેમનો વારો આવી શકે તેમ નથી. રાજકોટમાં દૈનિક 25 હજાર ડોઝ આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું. તેની સામે દૈનિક 8 થી 12 હજાર લોકોને જ વેક્સિન મળી હતી. નવા આવેલા મ્યુનિ.કમિશનર અમીત અરોરાએ જણાવ્યું હતું કે, અત્યારે વેક્સિનની તંગી છે પણ એ કામચલાઉ છે. સરકારે અમને ખાતરી આપી છે કે, એકાદ-બે દિવસમાં પુરતો જથ્થો મળી જશે. જો કે, માહિતગાર સુત્રો કંઈક જૂદુ જ જણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, અણધડ આયોજનના કારણે દોઢ લાખ લોકો હજુ સુધી બીજા ડોઝથી વંચિત છે.
સુરતમાં પણ વેક્સિનના ડોઝની અછતનાં કારણે હજારો લોકો બીજો ડોઝ લેવાથી વંચીત રહી ગયા છે. મહાનગરના 230 રસીકરણ કેન્દ્રો પૈકીના માત્ર 100 કેન્દ્રો અત્યારે ચાલે છે ત્યાં પણ ડોઝ ખુટી જવાની સંભાવના છે. સોમવારે 22000 લોકોને રસી આપવામાં આવી હતી. પરંતુ મર્યાદિત પુરવઠો હોવાથી બીજા કેન્દ્રો ખોલી શકાયા નથી અને બંધ કરી દેવા પડ્યા છે.