અકસ્માતમાં ઘવાયા બાદ સારવાર માટે હોસ્પિટલે દાખલ કરાયા હતા
પરિવારજનોએ કોરોનાથી મૃત્યુ થયું નથી તેવા આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવા ના પાડતા તંત્રમાં દોડધામ
જામજોધપુરના ભાજપના એક નગરસેવક સ્કૂટર પરથી સ્લીપ થયા પછી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સારવાર દરમ્યાન તેઓને અચાનક જ કોરોના પોઝિટિવ જાહેર કરી કોરોના વોર્ડમાં મોકલી દેવામાં આવ્યા હતાં જયાં તેઓનું આજે સવારે મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ કોરોનાથી મૃત્યુ થયું જ નથી તેવા આક્ષેપ કરી મૃતદેહનું અન્યત્ર પીએમ કરાવવા અન્યથા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા દોડધામ મચી ગઈ છે. આ બાબતની શેઠવડાળા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસનો કાફલો પણ દોડયો છે.
જામજોધપુર શહેરમાં રહેતા અને ભારતીય જનતાપક્ષના જુના કાર્યકર તેમજ હાલમાં જામજોધપુર શહેરના વોર્ડ નં.૩ માં કોર્પોરેટર તરીકે રહેલા ગોવિંદભાઈ કરશનભાઈ પરમાર (ઉ.વ.૫૧) આઠેક દિવસ પહેલા તા.૨૬ ના દિને પોતાના એકટીવા સ્કૂટરમાં ધ્રાફા નજીકથી જતાં હતા ત્યારે કોઈ કારણથી સ્કૂટર સ્લીપ થઈ જતાં ફંગોળાઈ ગયા હતાં. સારવાર માટે સ્થાનિક દવાખાનેથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગોવિંદભાઈને દાખલ કરવામાં આવ્યા હતાં.
આ પ્રૌઢને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા પછી સારવાર આપી ગોવિંદભાઈને તા.૨૭ ના દિને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થતાં આ દર્દીને કોરોના વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. વાહન સ્લીપ થતાં ઘવાયેલા ગોવિંદભાઈને અચાનક જ કોરોના હોવાનું જણાવાતા તેમનો પરિવાર પણ હતપ્રભ બન્યો હતો પરંતુ તેની સારવાર જરૃરી હોય ગોવિંદભાઈને કોરોના વોર્ડમાં રાખવામાં આવ્યા હતાં. તે દરમ્યાન ગઈકાલે રાત્રે ગોવિંદભાઈએ પોતાના પુત્રને મોબાઈલ પર કોલ કરી મને અહીંથી લઈ જાવ, નહીંતર આ લોકો મને મારી નાખશે તેવી આદ્ર અરજ પણ કરી હતી. તે પછી આજે સવારે જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં ગોવિંદભાઈનું મૃત્યુ નિપજયાનું જાહેર થયું હતુ અને તે બાબતની જાણ તેમના પરિવારને ફોન મારફતે કરવામાં આવતા જી.જી. હોસ્પિટલમાં આ વ્યકિતઓ દોડી આવ્યા હતાં.
મચી ગયેલી અફડાતફડી વચ્ચે મૃતકના પરિવારજનોએ ગોવિંદભાઈનું મૃત્યુ કોરોનાના કારણે થયું જ નથી તેવો આક્ષેપ કરી ઘટતી તપાસ કરવા માંગણી કરી મૃતદેહનું અન્યત્ર સ્થળે પીએમ કરાવવાની માંગણી કરી છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે જેના પગલે હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ ગોવિંદભાઈને જો કોરોના હતો તો આટલા દિવસ સુધી તંત્રને કેમ ખબર ન પડી અને બે દિવસ પહેલાં જ કેમ અચાનક કોરોના પોઝિટિવ જાહેર કરી ગોવિંદભાઈને કોરોના વોર્ડમાં મોકલી દેવામાં આવ્યા? તેવો સવાલ પૂછી મૃતદેહને પીએમ માટે બુલંદ માંગણી કરી છે. આ ઈજાગ્રસ્ત જયારે સારવારમાં લાવવામાં આવ્યા ત્યારે જી.જી.હોસ્પિટલ પોલીસચોકીના એ.એસ.આઈ. મગનભાઈ ચનીયારાએ તેઓનું નિવેદન નોંધી એમએલસી નોંધવાની તજવીજ કરી હતી પરંતુ ગોવિંદભાઈના પરિવારજનોએ કોઈ કેસ કરવો નથી તેમ જણાવતા એમએલસી કરવામાં આવી ન હતી અને દર્દીને ડોકટર ડી.પી. વસાવડાના વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં તે પછી ગોવિંદભાઈને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થતા તેઓ તેના ખાસ વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં જયાં તેઓનું આજે સારવારમાં મૃત્યુ થયું છે. તે પછી મચેલા હોબાળાના પગલે સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો છે અને બનાવની શેઠવડાળા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે.
પ્રૌઢના કોરોનાથી મૃત્યુ પછી પોસ્ટમોર્ટમની પરિવારની માગણી
જામનગરના પટેલનગરમાં રહેતા એક પ્રૌઢનું કોરોના થયા પછી આજે સારવારમાં મૃત્યુ નિપજયું હતું તેમના પરિવારે પીએમ કરાવવાની માંગણી કરતા પોલીસ દોડી છે. હાલમાં આરએમએલસી કરાવાયું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મારૃં કંસારા હોલ નજીકના પટેલનગરમાં રહેતા વિક્રમસિંહ આર.જાડેજા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધને ત્રણેક દિવસથી તાવ આવતો હતો તેથી તેઓએ શહેરના લીમડાલાઈન વિસ્તારમાં એક તબીબ પાસેથી દવા લીધી હતી તેમ છતાં તાવ નહીં ઉતરતા વિક્રમસિંહને તા. ૧ ના દિને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ વ્યકિતનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો જણાઈ આવતા તેઓને કોરોના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં અને સારવાર શરૃ કરવામાં આવી હતી તે પછી આજે વિક્રમસિંહનું મૃત્યુ નિપજયું છે તેમના પરિવારે મૃતદેહનું પીએમ કરાવી આપવા તબીબો સમક્ષ માંગણી કરતા જી.જી. હોસ્પિટલ પોલીસચોકીના એએસઆઈ મગનભાઈ ચનીયારા દોડી ગયા હતાં તેઓએ આર-એમએલસીના કાગળ કર્યા છે. સામાન્ય રીતે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યકિતનું પીએમ થતું નથી હોતું પરંતુ આ કિસ્સામાં પીએમની માંગણી કરવામાં આવી હોય સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે.
૧ર પોસ્ટ ઓફિસના ૧૮૪ કર્મચારીના રેપિડ ટેસ્ટ: ત્રણ પોઝિટિવ
જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ તેમજ જુદી જુદી બાર પોસ્ટ ઓફિસના કુલ ૧૯૦ કર્મચારીઓ પૈકી ૧૮૪ કર્મચારીઓના ગઈકાલે કોવિડ ટેસ્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે પૈકી ત્રણ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાથી હોમ આઈસોલેશનમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય પોસ્ટ ઓફિસ તેમજ ખંભાળિયા ગેઈટ પોસ્ટ ઓફિસને બે દિવસ માટે બંધ રાખીને સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગઈકાલે મહાનગરપાલિકાના સહયોગથી કોવિડના રેપિડ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મુખ્ય પોસ્ટ ઓફિસના તમામ સ્ટાફ તેમજ શહેરની જુદી જુદી કુલ ૧ર જેટલી સબપોસ્ટ ઓફિસના સ્ટાફનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧૮૪ કર્મચારીઓનો રેપિડ કોરોના ટેસ્ટ કરાયો હતો. જે પૈકી ત્રણ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાઉન્ટર પર ફરજ બજાવતા એક કારકૂન, ઉપરાંત ખંભાળિયા ગેઈટ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા એક કારકૂન અને પટાવાળા કોરોના સંક્રમિત જોવા મળ્યા હતાં.
જે પ્રતેયને તાત્કાલિક અસરથી હોમ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસના ગ્રાઉન્ડમાં આવેલી તમામ ઓફિસો અને કાઉન્ટરો બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જો કે ઉપરના માળે આવેલી ઈન્ટર્નલ ઓફિસ અને પોસ્ટ ઓફિસનું વહીવટી કાર્ય અવિરત ચાલુ રખાયું છે. સાથોસાથ ગ્રાઉન્ડ ફ્લોરમાં સેનિટાઈઝરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ખંભાળિયા ગેઈટ પોસ્ટ ઓફિસને પણ સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે, તેમજ બે દિવસ માટે સંપૂર્ણપણ બંધ રાખવામાં આવી છે.
માસ્ક ધારણ ન કરનાર ચાર સામે કાર્યવાહી
જામનગરના જુદાજુદા વિસ્તારમાંથી ગઈકાલે પોલીસે માસ્ક વગર જતાં ચાર વ્યકિતને પકડી પાડ્યા હતાં. જામજોધપુરના એક આસામીએ માસ્ક અંગેનો દંડ ભરવાનો ઈન્કાર કરતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો. ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવતા ત્રણ વેપારી સામે કાર્યવાહી કરાઈ હતી.
જામનગર સહિત દેશભરમાં અનલોક-૪ અમલમાં આવ્યા પછી કેટલીક સાવચેતી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમ છતાં ગઈકાલે શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી પસાર થતા મુકેશભાઈ નાથાભાઈ ગુસા, ગિરીરાજસિંહ સંજયસિંહ જાડેજા નામના બે વ્યકિત માસ્ક પહેર્યા વગર જોવા મળતા પોલીસે બન્ને સામે ગુન્હો નોંધ્યો છે. તે ઉપરાંત ગોકુલનગર રડાર રોડ પરથી ઉદીત ચંદુભાઈ બાવાજી અને દિપક નાગજીભાઈ પરમાર નામના બે વ્યકિત પણ માસ્ક ધારણ કર્યા વગર મળી આવ્યા હતાં. જામજોધપુરના ગાંધીચોકમાંથી દેવુભા વાલાભાઈ જામ નામના આસામી માસ્ક પહેર્યા વગર નીકળતા પોલીસે તેમને દંડ ભરવા કહ્યું હતું. પરંતુ દેવુભાએ દંડ ભરવાનો ઈન્કાર કરતા તેમની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો છે.
નગરની જી. જી. હોસ્પિટલ સામે તુલસી ફરસાણ નામની દુકાન ચલાવતા ભગવાનદાસ પરસોત્તમ સિંધીએ પોતાની દુકાને આવતા ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ રખાવ્યું ન હતું અને ધરારનગર-૨ માં શહીદી ચોક પાસે તાજ હોટલ ચલાવતા રહીમ સિદીકભાઈ સાટીએ પણ સોશ્યલ ડિસ્ટન્સ રખાવ્યું ન હતું. ત્યાં જ સરકાર હોટલ ચલાવતા લાખાભાઈ નુરમામદ નોતીયાર પણ ગ્રાહકોની ભીડ જમાવીને વ્યાપાર કરતા હતાં જયારે કાલાવડ તાલુકાના ખંઢેરામાથી કાંતિભાઈ પોપટભાઈ પટેલને પોલીસે કારણવગર આંટા મારતા પકડી પાડી કાર્યવાહી કરી છે.
જી.જી.હોસ્પિટલને પીએમ કેર્સ ફંડમાંથી વધુ ૭૫ વેન્ટીલેટરની ફાળવણી
જામનગરમાં કાર્યરત સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી ગુરૃ ગોવિંદસિંઘ હોસ્પિટલ, કોવિડ-૧૯ હોસ્પિટલને પી.એમ.કેર્સ ફંડમાંથી વધુ ૭૫ વેન્ટીલેટર ફાળવવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમે આભાર વ્યક્ત કર્યો છે આ પહેલા ગત જુલાઈ માસમાં પણ પી.એમ.કેર્સ ફંડમાંથી ૫૦ વેન્ટીલેટર ફાળવાયા હતા. સમગ્ર રાષ્ટ્ર કોવિડ-૧૯ની મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે વડાપ્રધાનના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજ્જ થઈ રહ્યું છે, જેના ભાગરૃપે પી.એમ.કેર્સ ફંડમાંથી મહત્ત્વનું યોગદાન અવિરત જરૃર ઊભી થાય કે તરત વખતોવખત આપવામાં આવી રહ્યું છે. જી.જી.હોસ્પિટલમાં જામનગર જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાં દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં કોરોનાના ગંભીર દર્દીઓને અમૂક વખતે વેન્ટીલેટર પર રાખવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે જી.જી. હોસ્પિટલને કોરોના સામેના જંગમાં વધુ સજ્જ કરવા માટે અને દર્દીઓના હિત માટે પી.એમ.કેર્સ ફંડમાંથી જુલાઈ માસમાં ૫૦ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા પછી ફરીથી ૭૫ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે.