બીછડે સભી બારી બારી
હાલ રિપબ્લીકન પાર્ટી ઈન્ડિયાના રામદાસ અઠ્ઠાવલે એક માત્ર બિનભાજપી ચહેરો
રાજકારણમાં હાલ અનેકવિધ રીતે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે ત્યારે એનડીએ કેબીનેટમાં ભગવાકરણ થયું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. પક્ષમાં હવે માત્ર બિનભાજપ ચહેરો હોય તો તે રીપબ્લીકન પાર્ટી ઈન્ડિયાના રામદાસ અઠાવલે જ રહ્યા છે ત્યારે શિવસેના સહિત અકાળી દળ અને એલટીપીના લોકો એનડીએમાંથી નિકળ્યા બાદ હવે રામદાસ અઠાવલે એનડીએ પક્ષમાં એકમાત્ર બિનભાજપ ચહેરો જોવા મળ્યો છે. ગત વર્ષે ભાજપ સાથેના તકરારમાં શિવસેનાના અરવિંદ સાંવતે પોતાનું રાજીનામું આપ્યું હતું તો બીજી તરફ અકાળી દળના હરસીમરત કોર બાદલે ખેતી વિધાયક બિલોના વિરોધમાં એનડીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી જે સમયે જયોતિરાદિત્ય સિંધીયાનો વિરોધ જોવા મળ્યો હતો તે સમયથી પક્ષોમાં ઘણા ફેરબદલ જોવા મળ્યા છે તેનાથી એનડીએ પણ બાકાત રહ્યું નથી. એનડીએની જો વાત કરવામાં આવે તો તેમાં સૌથી વધુ વજન ધરાવતું કોઈ પક્ષ હોય તો તે જેડીયુ છે પરંતુ થોડા રાજકિય કારણોસર તે સરકારના ગઠનથી અલગ રહ્યું છે. એવી જ રીતે અપના દળના સાંસદ અનુપ્રિયા પટેલ કે જે મોદી સરકારના પ્રથમ ટર્મમાં જુનિયર મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો તેને બીજી ટર્મમાં કેબિનેટ રેન્ક માટેની માંગણી કરી હતી જેને ભાજપ પક્ષ દ્વારા સ્વીકારવામાં ન આવતા તેને પણ એનડીએમાંથી રાજીનામું આપ્યું છે. હાલની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, એનડીએનું કેબિનેટ હવે ભગવાકરણ તરફ આગળ વધી રહ્યું છે અને ધીરે-ધીરે અન્ય બિનભાજપના ચહેરાઓ પક્ષમાંથી નિકળી રહ્યા છે. આ તમામની વચ્ચે રામવિલાસ પાસવાનનું દેહાંત થતાની સાથે જ હવે રામદાસ અઠાવલે જ બિનભાજપ ચહેરો તરીકે જોવા મળી રહ્યા છે.
રાજકારણમાં આવવું, આગળ વધવું, ટકવું અને લોકપ્રિય બનવું એ સંપૂર્ણપણે કુદરતના હાથમાં: રામવિલાસ પાસવાનના ‘અબતક’ના સંભારણા
દેશના રાષ્ટ્રીય રાજકીય મંચ પર દિગ્ગજ, કદાવર નેતા અને પાંચ દાયકાની લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા રામવિલાસ પાસવાન એક એવા રાજકીય નેતા તરીકે યાદ રહેશે કે તેમણે દરેક મોટા પક્ષ અને નેતાઓ સાથે સંકલનથી કામ કર્યું હોય. દિગ્ગજ નેતાની વિદાયથી દેશના રાજકારણમાં મોટી ખોટ પડી છે. રામવિલાસ પાસવાને ‘અબતક’ સાથેની વાતચીતમાં રાજકારણ અંગેની પોતાના ફિલોસોફી શેયર કરતા અમારા રિપોર્ટર મારૂત ત્રિવેદી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં આવવું, ટકવું, આગળ વધવું અને લોકપ્રિય બનવું એ સંપૂર્ણપણે કુદરતના હાથમાં છે. દરેક સમાજ સેવકે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવાની હોય છે. કુદરતનો નિયમ છે કે, કર્મનું ફળ હંમેશા મળે છે.