રીતરીવાજની પરવા કર્યા વિના દિકરીને ભણાવવાની રાહ ચિંધતા મોરબીના વાલાભાઇ નાટડા
સામાજીક રીતરીવાજોની પરવા કર્યા વિના દિકરીને ભણાવી પગભર કરી કરીયાવરમાં દાગીનાના બદલે ડીગ્રી સર્ટીફીકેટ આપી વળાવવાનો એક દાખલો બોરીચા આહીર પરિવારે સમાજમાં ઉભો કર્યો છે.
જે સમાજમાં દીકરીને ઘરની બહાર નથી જવા દેવામાં આવતી, એવા બોરીચા આહીર સમાજના વાલાભાઈ મેઘાભાઈ નાટડાએ પોતાની દીકરીને સમાજના બધા રીતરિવાજો અને પ્રશ્નોની સામે અડીખમ રહી અને દીકરીને શા માટે ભણાવવી? એનો પગાર તમને ક્યાં કામ આવશે? દીકરીના શિક્ષણ પાછળ શા માટે ખર્ચ કરો છો? એવા અનેક સવાલોનો સામનો કરી, પોતે મજુરી કરી જાત મહેનતથી દીકરી દિવ્યાને શિક્ષણ અપાવ્યું. અને હજુ માટે પ્રોત્સાહિત કરીની સમાજમાં એક આગવી પહેલ કરી છે. દિવ્યાએ પોતાનો અભ્યાસ નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં કરી અને હાલ ત્યાં જ આસી.પ્રોફેસર તરીકે ની પોતાની ફરજ નિભાવે છે.
દીકરીને કરિયાવરમાં સોનાના બદલે ડિગ્રી સર્ટીફીકટ અને પ્રમાણપત્રનો અનોખો કરિયાવર આપી સમાજ માટે એક નવી પહેલ કરી છે. એમનું આ સ્તુત્ય પગલું જોઇ સમાજ પણ દીકરીને ભણાવવા માટે પ્રોત્સાહિત થાય અને દીકરીને દીકરાની જેમ ઉછેરે અને ઉત્તમ શિક્ષણ આપી આજીવન પગભર થઈ શકે એવો શિક્ષણરૂપી કરિયાવર આપવા માટે પ્રેરિત કરે છે. બીજી બાજુ દિવ્યાબેનને પોતાના પતિ સંજયભાઈ ભીમાભાઇ વિરડા પણ ખૂબ જ સપોર્ટ કરે છે તે ઘરકામ ને બદલે શિક્ષણને વધુ પ્રોત્સાહન આપે છે અને તેને આગળ વધવા માટે સતત પ્રેરણારૂપ બને છે.
તેની પાસેથી પણ સમાજને શીખવાની જરૂર છે કે પત્ની પાછળ પીઠબળ બની અને સતત ઊભા રહેવું જોઈએ. દિવ્યાના માતા પિતા અને પતિનો હંમેશા એવો આગ્રહ હોય છે કે દિવ્યા દરેક દિકરી કરતા કંઇક અલગ કરે તેના મમ્મી મંજુબેન એ આજ સુધી દિવ્યાને એક પણ ઘરકામ નહીં કરાવી અને ભણવામાં ધ્યાન આપવાનું કીધું છે. કામમાં દાડિયા નખાય ભણવામાં નહીં. આવા એના મમ્મીના વિચાર પણ સમાજથી કંઈક અલગ જ છે.