ડિફેન્સ યુથ ફિએસ્ટામાં વાઘા બોર્ડર પરેડ, નાડા બેટ પ્રદર્શન, નેવી દ્વારા મશાલ માર્ચ, નેવી બેન્ડ, ૫૦૦થી વધુ વર્કિંગ પ્રોજેકટનું વિશેષ આકર્ષણ
રાજકોટના જાણીતા જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયુટ દ્વારા આગામી તા.૨૪ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ભવ્યાતિભવ્ય ડિફેન્સ યુથ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. નો યોર ડિફેન્સ ફોર્સીસ થીમ આધારીત ૫૦૦થી વધુ વર્કિંગ પ્રોજેકટ સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે. જેમાં આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફ, એનસીસી, સીઆરપીએફ અને રાજકોટ પોલીસ દ્વારા વિવિધ શસ્ત્ર સરંજામનું ભવ્ય પ્રદર્શન ગોઠવવામાં આવશે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતસિંહ વસાવા તેમજ ડિફેન્સ ફોર્સના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ તકે જીનીયસ સ્કૂલના ડી.વી.મહેતાએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની ૬૦૦થી વધુ સ્કુલોને ડિફેન્સ ફિએસ્ટામાં આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં વાઘા બોર્ડરની પરેડ, નાડા બેટ પ્રદર્શન, નેવી દ્વારા મશાલ માર્ચ અને નેવી બેન્ડ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશભક્તિ માત્ર ૧૫મી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરી પુરતી નથી. તાજેતરમાં જ પુલવામા શહિદ થયેલા જવાનોની યાદમાં દેશભરમાં શોકનો માહોલ હતો ત્યારે આપણા દેશની ડિફેન્સ ટીમની જે ક્ષમતા છે તેને દર્શાવતો અનોખો કાર્યક્રમને લઈને આવ્યા છીએ. જેમાં ચાર વર્ષથી લઈ ૨૪ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ પોતાના વિવિધ પ્રોજેકટો ડિફેન્સને લઈ પ્રદર્શની કરશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઓટો એન્જીનીયરીંગનું હબ છે ત્યારે આપણે ભલે સબમરીન ન બનાવી શકીએ પરંતુ તેના અમુક પાર્ટસ તો બનાવી જ શકીએ તેટલા સક્ષમ છીએ.
આ કાર્યક્રમનું આયોજન ૩૬૦ ડિગ્રીએ કરવામાં આવ્યો છે જેથી સંપૂર્ણપણે દેશભક્તિની ભાવના લોકોમાં જાગૃત થાય અને લોકો આપણી ડિફેન્સ સીસ્ટમને જાણે. લોકોની માન્સીકતા છે કે આર્મીમાં રહેલા તમામ લોકો બોર્ડરે તૈનાત હોય છે પરંતુ વાસ્તવમાં ૧૦ થી ૧૫ ટકા આર્મી જ બોર્ડર પર હોય છે બાકીના લોકો ડિફેન્સને લઈ પ્લાનીંગ માટે બેઈઝ કેમ્પમાં હોય છે. ડિફેન્સ એટલે સંપૂર્ણપણે ફિટ અને ખુશ માણસ.
કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે કે આજની યુવા પેઢીને ખાસ તો દિકરીઓને ડિફેન્સને લઈ કેટલીક તકો છે તેમાં જાગૃતિ આવે. ગુજરાત સતત વિકાસના માર્ગ કંડારી રહ્યું છે ત્યારે શું દિકરીઓ માટે સૈન્ય સ્કૂલનું નિર્માણ ન થઈ શકે ? આ વાઘા બોર્ડર પરેડની આબેહુબ પ્રતિકૃતિ અને સમગ્ર પ્રક્રિયાઓ જીનિયસ ઈંગ્લીસ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટની જનતાને ‘ડિફેન્સ યુથ ફીએસ્ટા-૨૦૧૯’ દરમ્યાન જોવાનો અને માણવાનો લાહવો મળશે.
વાઘા બોર્ડર પર જે રીતની ગોઠવણ છે તે જ પ્રકારની આબેહુબ ગોઠવણ રેસકોર્સ પર ફિડેન્સ યુથ ફિએસ્ટાના ગ્રાઉન્ડ પર તૈયાર કરવામાં આવી છે. આ માટે ઉદ્ઘાટન સ્થળ પાસે ઓરીજનલ વાઘા બોર્ડર જેવી જ બેઠક વ્યવસ્થા અને સેટઅપ બનાવવામાં આવ્યું છે. ભારતીય સૌસેનાના નેવી બેન્ડ એ સમગ્ર એશીયામાં શ્રેષ્ઠ બેન્ડ તરીકે પ્રખ્યાત છે. નેવી બેન્ડના મ્યુઝીશીયનોને દેશના અન-અધિકૃત એમ્બેસેડર માનવામાં આવે છે.
આ બેન્ડને માણવું એ એક લાહવો છે. ડિફેન્સ યુથ ફિએસ્ટામાં રાજકોટની જનતાને આ નેવી બેન્ડનો લાભ મળવાનો છે. સાથે સાથે આ પ્રદર્શનમાં નેવી દ્વારા મશાલ માર્ચ પણ યોજવામાં આવનાર છે. જેમાં નેવીના જવાનો હાથમાં સળગતી મશાલ સાથે માર્ચ કરશે તથા સર્વે પ્રેક્ષકોને અચંબીત કરી દે તેવા કાર્યક્રમો રજૂ કરશે.
સમગ્ર ઈવેન્ટના સફળ આયોજનમાં જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, સીઈઓ ડિમ્પલબેન મહેતા, કેપ્ટન, જયદેવ જોષી (રીટાયર્ડ), ગાર્ડી વિદ્યાપીઠના વાઈસ ચેરમેન કિરણ શાહના માર્ગદર્શનમાં ગાર્ડી એન્જીનીયરીંગ વિભાગના પ્રિન્સીપાલ સિધ્ધાર્થ જાડેજા તેમજ રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટ જય મહેતા અને સિદીપ મહેતાની રાહબારીમાં કાજલ શુકલ, શ્રીકાંત તન્ના, પ્રજ્ઞા દવે, વિપુલ ધનવા, દર્શન પરીખ, દ્રષ્ટી ઓઝા, મનિન્દર કેશપ, બંસી ભુત, હિના દોશીની ટીમ સાથે તમામ સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.