અબતક, નવી દિલ્હી
પાકિસ્તાન અભી બોલા અભી ફોક જેવી નીતિ અપનાવી રહ્યું છે. એક તરફ અફઘાનિસ્તાનમાં ભૂખમરાને પહોંચી વળવા માટે ભારતે માનવતાવાદી નિર્ણય લઈને 50 હજાર મેટ્રિક ટન ઘઉનો જથ્થો મોકલવાનો નિર્ણય લીધો હતો. તેના પરિવહન માટે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરવો પડે તેમ હોય, પાકિસ્તાને પહેલા તેની મંજૂરી આપી પણ હવે આ માટે ઇનકાર કરી દીધો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતે તેનો માનવતાવાદી મદદનો હાથ લંબાવ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાનને કદાચ આ પસંદ ન આવ્યું હોય અને તેણે ભારતની ઓફર ફગાવી દીધી છે. વાસ્તવમાં, ભારત બાઘા બોર્ડરથી અફઘાન સુધી ટ્રક દ્વારા 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ પાકિસ્તાને તેના પર પણ એક વિચિત્ર શરત લગાવી દીધી અને અફઘાન નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.
ભૂખમરાથી પીડાતા અફઘાનિસ્તાનને 50 હજાર મેટ્રિક ટન ઘઉંનો જથ્થો મોકલવા ભારત
સતત પ્રયત્નશીલ, પણ પાકિસ્તાનની આડોડાઈથી માનવતાવાદી સહાયને પણ ગ્રહણ લાગ્યું
પાકિસ્તાને ગયા અઠવાડિયે ભારતને “માનવતાવાદી હેતુઓ સિવાય” પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ઘઉં અને જીવનરક્ષક દવાઓનું પરિવહન કરવાની મંજૂરી આપવાના નિર્ણય અંગે ભારતને સત્તાવાર રીતે જાણ કરી હતી. એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે અહીંના સત્તાવાર સૂત્રોએ આક્ષેપ કર્યો હતો કે ઘઉંને અફઘાનિસ્તાનમાં પરિવહન કરવા માટે પાકિસ્તાન
“અવ્યવહારુ” વિકલ્પો સૂચવે છે. ભારત પાકિસ્તાનના માર્ગે અફઘાનિસ્તાનને ઘઉં પહોંચાડવા માટે પાકિસ્તાન સાથે પણ વાતચીત કરી રહ્યું છે.
આ બાબતથી વાકેફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન આગ્રહ કરી રહ્યું છે કે અફઘાનિસ્તાન મોકલવા માટેના ઘઉં અને દવાઓના માલને બાઘા બોર્ડરથી પાકિસ્તાની ટ્રકોમાં મોકલવામાં આવે જ્યારે ભારત તેની પોતાની ટ્રકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ’અમે અમારો મુદ્દો પુનરાવર્તિત કરીએ છીએ કે માનવતાવાદી સહયોગ માટે કોઈપણ પ્રકારની શરત હોવી જોઈએ નહીં.
પાકિસ્તાનનું પોતાની ભૂમિ ઉપર પણ નિયંત્રણ ન હોવુ એ પણ કારણભૂત
સહાય મોકલવામાં અગાઉ પાકિસ્તાન બે મુદા ઉપર ગૂંચવાયું હતું. પ્રથમ તો કે જો ભારતની સહાય માટે પોતાની ભૂમિનો ઉપયોગ થવા દયે તો વિશ્વમાં દુશ્મનની વાહ વાહ થાય. જો ભૂમિનો ઉપયોગ ન થવા દયે તો વિશ્વભરમાં આબરૂ ન રહે. આ બે મુદાની ગૂંચવણમાંથી બહાર નીકળી પાકિસ્તાને પોતાની ભૂમિનો ઉપયોગ કરવા દેવાનું નક્કી કર્યું પણ હવે પ્રશ્ન એ સર્જાયો કે આ સહાય લઈ જતા ટ્રકો જો પોતાની ભૂમિમાં લૂંટાઈ જાય કે કોઇ અઘટિત ઘટના બને તો વિશ્વભરમાં પાકિસ્તાનની છબી ખરડાઈ. આમ પાકિસ્તાનનું પોતાની ભૂમિ ઉપર કોઈ નિયંત્રણ ન હોય એ કારણ સહાયમાં રોડા નાખી રહ્યું છે.