અબતક, રાજકોટ
જર, જમીન અને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂ કહેવત મુજબ કોટડાસાંગાણીના વાદીપરા ગામે કૌટુંમ્બીક દીયર સાથેના આડા સંબંધમાં આડખીલીરૂપ બનતા પતિનું પૂર્વયોજીત કાવત્રુ રચી હત્યા કરવામાં આવી હતી બે દિવસ પહેલા બનેલી ઘટનાનો પોલીસે ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી મૃતક યુવકની પત્ની અને પિતરાઇ ભાઇની પોલીસે ધરપકડ કરી હતી.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકાના વાદીપરા ગામે રહેતા અને ખેતી કરતાં અલ્પેશ મોહન બારૈયા (ઉ.વ.35) નામના યુવાનની ગત તા. 18-9 ને શનિવારે રાત્રે આઠેક વાગ્યે વાદીપરા ગામની સીમમાંથી લાશ મળી હતી.
બે દિ’ પહેલા બનેલી ઘટનાની પોલીસે ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલાયો:
હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પત્નિ અને દીયરની ધરપકડ
આ ઘટના અંગે મૃતકના પરિવારજનોએ હત્યાની શંકા વ્યકત કરતા પોલીસે સઘન તપાસ હાથ ધરતા અલ્પેશનું અકસ્માતમાં ઇજાના કારણે નહીં પરંતુ માથા પર બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું.
આ અંગે પોલીસે મૃતક યુવાનના પિતા મોહનભાઇ ચનાભાઇ બારૈયા (ઉ.વ.65) ની ફરીયાદ પરથી રાજેશ મનસુખ બારૈયા અને મૃતકની પત્ની શિલ્પાબેન અલ્પેશ બારૈયા સાથે પૂર્વયોજીત કાવત્રુ રચી હત્યા કરવા અંગેનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.
પોલીસની તપાસમાં મૃતક અલ્પેશ પ્રથમ લગ્ન બાદ પત્નીનું અવસાન થતા શાળી શિલ્પા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાળી શિલ્પાને આરોપી રાજેશ બારૈયા સાથે પ્રેમસંબંધ બંધાતા બન્ને ફોનમાં અવાર નવાર વાતચીત કરતા હતા જેની જાણ અલ્પેશને થઇ જતાં પોતાના પિતરાઇ ભાઇ રાજેશ સાથે ઝઘડા થવા લાગ્યા હતા.બે દિવસ પહેલા અલ્પેશ બારૈયા રાત્રે પિતાને વાડીએ ટીફીન આપી ઘર તરફ જવા નીકળ્યો હતો ત્યારે અગાઉથી ઘડેલા પ્લાન મુજબ આરોપી રાજેશ રસ્તામાં ઉભો રહી ગયો હતો અને અલ્પેશને રોકી માથામાં મોઢા પર બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી અકસ્માત થયો છે તેમ રોડ પર બાઇક સાથે લાશ મુકી નાશી ગયો હતો.
આ ઘટનાનો પોલીસે ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી બન્નેની ધરપકડ કરી વિશેષ તપાસ પી.એસ.આઇ. વી.પી. કનારા ચલાવી રહ્યા છે.