કોરોનાના અંધકારમાં કોઈના આયુષ્યરૂપી દીવડા ન ઓલવાય એવી પ્રભુને પ્રાર્થના: એસજીવીપી, મેમનગર ગુરુકુળમાં ઉજવાયું પ્રકાશ પર્વ
ગુરુકુલના શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા મેમનગર ગુરુકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ એસજીવીપી ગુરુકુલ સહિત તેની તમામ શાખા રીબડા ગુરુકુલ અને દ્રોણેશ્વર ગુરુકુલમાં શિસ્ત અને સંયમ રીતે દિપમાળાઓ પ્રગટાવી પ્રકાશપર્વ ઉજવવામાં આવ્યું હતું. એસજીવીપી ગુરુકુલમાં નાના દિવડાઓથી વિશાળ દિપક રચવામાં આવ્યો હતો.
મેમનગર ગુરુકુલ ખાતે પુ.બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે દિવડાઓથી ઝળહળતો ભારતવર્ષનો નકશો બનાવી પ્રકાશ પર્વ ઉજવવામાં આવ્યું. આ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, કોરાના મહામારીના ઘોર અંધકાર વચ્ચે પણ કોઇની આયુષ્ય જ્યોત બુજાઇ ન જાય તેવી શ્રી હરિને પ્રાર્થના છે. દિપકની જ્યોત એટલે આપણી શ્રદ્ધાની જ્યોત. કોરાના મહામારીનો અંધકાર ગમે તેવો ભયંકર હશે, તોપણ આપણી શ્રદ્ધાની જ્યોત સદૈવ પ્રજ્વલિત રહેશે.
પ્રકાશના દિવડાઓ સત્કાર માટેના દિવડાઓ છે. આ ભયંકર સંકટના કાળમાં સુરક્ષા કર્મીઓ, આરોગ્ય કર્મચારીઓ, ડોક્ટરો, નર્સો તથા વિવિધ વિભાગોના કર્મચારીઓએ રાત દિવસ જોયા વિના પોતાના જાનના જોખમે સેવાઓ કરી રહ્યા છે એને આપણે આ પ્રકાશના દિવડાઓથી સત્કારીએ.
આ દિવાની જ્યોત એટલે જ્ઞાનની જ્યોત. આજે કોરાનાના વાયરસના નિવારણ માટે મેડિકલ ક્ષેત્રના અનેક મિત્રો સંશોધન કરી રહ્યા છે. એના દિમાગમાં ભગવાન એવી જ્ઞાનની જ્યોત પ્રગટાવો કે આ કોરાના રુપી મહામારીનું મારણ મળી જાય.