કાલે આસોવદ અગિયારસ, દિપોત્સવ મહાપર્વનો પ્રારંભ: અગિયારશથી ભાઇબીજ સુધી ઝગમગશે દિવાળીના રંગો: ઠેર ઠેર જોવા મળશે આતશબાજી, દિવડા,મીઠાઇઓ અને રોશની સાથે આનંદતણા ઉત્સવનો માહોલ: ફટાકડા, ભેટ, નવા કપડાં અને પરિવાર સંગ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે વિવિધ સમુદાય વધાવશે દિવાળી: શાળા–કોલેજોમાં આજથી મીની વેકેશન
દિપોન્સવ એટલે રોશનીનો મહાપર્વ હિન્દુધર્મનો સૌથી મહત્વનો અને આખા વર્ષ દરમિયાનનો સૌથી મોટો પર્વ આવતીકાલે આસોવદ અગિયારસથી જ દિવાળીનો મહાપર્વ શરુ થઇ જશે. અગિયારશથી ભાઇબીજ સુધી મહાપર્વની હર્ષોલ્લાભેર ઉજવણી કરવામાં આવશે.
દિવાળીનો શુભ અને મંગલકારી અવસર નજીક આવતાની સાથે જ ચારેકોર કુદરતી રોનક છવાઇ જાય છે. દિવાળીના દિવસોને નવ દિવસો તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળી બધાને દોડતા અને ગણતા કરી દે છે.
શાળા-કોલેજોમાં પણ દીપોત્સવ દરમિયાન મીની વેકેશન પડી જાય છે. ઉપરાંત સરકારી કાર્યાલયો અને પ્રાયવેટ કંપનીઓમાં પણ દિવાળી નીમીતે રજાઓ રાખવામાં આવે છે જયારે લાભપાંચમથી લોકો નવા કાર્યનો પ્રારંભ કરે છે.
ઘરથી માંડીને ઓફીસો, સંસ્થાઓ આશ્રમો અને મંદીરોમાં દિવાળીને વધાવવા સફાઇ, જુના નવા હિસાબો, રંગરોગાન તેમજ સુશોભનને લગતા કામો થવા લાગે છે.
બજારોમાં પણ અવનવી ખરીદી માટે લોકોની ભીડ જામે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય દીપાવલીના મહાપર્વના રાજાથી લઇને રંક સુધીના તમામ લોકો ખુબ જ ઉલ્લાસભેર દિવાળીને મનાવે છે.
દિવાળીના પર્વમાં સૃષ્ટિએ જાણે નવુરુપ ધારણ કર્યુ હોય તેવો માહોલ છવાય જાય છે. સર્વત્ર રોશનીનો ઝગમગાટ જોઇ એવું લાગે છે કે જાણે નવોઢાએ સોળ શણગાર સજયા હોય.
ઠેર ઠેર બસ આનંદ અને ઉલ્લાસનો માહોલ જ જોવા મળે છે મહાપર્વને ઉજવવા આનંદ ઉત્સાહ અને ઉમંગના લીલેરા આસો પાલવના તોરણે પોખવા સહુ થનગની રહ્યા છે.
કાલથી પાંચ છ દિવસ સુધી રોશનીના ઝગમગાટ અને મેવા મીઠાઇની ચમક દમકમાં દિવાળી રુપી તહેવારોની મહારાણી ચોમેર જોવા મળશે. દિવાળીનો તહેવાર મનુષ્ય જીવનના સઘળા દુ:ખો ભૂલાવી દે છે નોટબંધી, જીએસટી કે તેનાઓની લોભામણી લાલચો દિવાળીને નડતી નથી. પ્રકાશના પર્વને યર્થાય રીતે ઉજવવા સમાજમાં વ્યાપેલી ખરાબ પ્રવૃતિઓ રૂઢીઓ અન પરંપરાઓને વિવેકરુપી દીવડાના અજવાળાથી દૂર કરી સ્વસ્થ સમાજ અને પરંપરાની સ્થાપના કરવી જોઇએ.
કાલે અગિયારશથી જ લોકો દીવડા, રંગોળી, ફટાકડા અને અવનવી મીઠાઇ અને રોશનીના ઝગમગાટ સાથે દીપોત્સવની ઉજવણી શરુ કરશે. ત્યારબાદ વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઇબીજ સુધી દિવાળીનો રંગ રહેશે. ઉજાશ, મીઠાશ અને મધુરતા સાથે સહ કોઇ પ્રકાશના પર્વની ઉજવણી કરશે.