- ઉકાણી પરિવાર દ્વારા ગૌચરણ મનોરથની ઉજવણી રાજકીય-સામાજીક મહાનુભાવો વૈષ્ણવો અને રાજકોટવાસીઓ ‘વૃંદાવનધામ’ નિહાળી ધન્યતા અનુભવી
રાજકોટના દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા ઇશ્ર્વરીયા ખાતે વૃંદાવનધામમાં ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં વૈષ્ણવો તથા રાજકોટવાસીઓએ વૃંદાવનધામનો નજારો નીહાળી નાથદ્વારામાં ‘ઠાકોરજી’ ના દર્શન કરતા હોય તેવી ધન્યતા અનુભવી છે. નાથદ્વારાના પૂ.વિશાલ બાવાની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્વારા ગૌચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. વિશાલ બાવા પુષ્ટીમાર્ગીય પ્રધાનપીઠ ગણાતા શ્રી નાથજી હવેલીમાં નિયમાનુસાર ભોગ ધરાવી તત્કાલ રાજકોટ વૃંદાવનધામ પરત ફર્યા હતા.
આજથી 5 વર્ષ પૂર્વ ‘કૃષ્ણચરિત્ર કથા’ સપ્તાહમાં ભવ્ય વિશાળ સેટ સાથેનું યાદગાર આયોજનની ભેટ આપનાર બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા ત્રીદિવસીય મનોરથ માટે વૃંદાવન ધામની પાવન ભૂમીમાં મનોરથ ઉત્સવ કાર્યક્રમ સવારે 8:30 થી અને સાંજે 4:30 થી 8:30 દર્શન તથા ધ્વજાજી આરોહણના પ્રસંગો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઇ રહ્યા છે. ગઇકાલે આયોજીત ગૌચરણ મનોરથમાં રાજકોટવાસીઓની બહોળી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. આજે દિપદાન મનદરથની ભવ્ય ઉજવણી થનાર છે. દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ આયોજીત ત્રિદિવસીય મનોરથ ઉત્સવ, મહેમાનોના નામે વૃક્ષારોપણ સહીતના બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા આયોજન રાજકોટવાસીઓ માટે એક સોનેરી સંભારણું છે.
વૈષ્ણવોના પવિત્ર યાત્રાધામ શ્રી નાથદ્વારાથી ખાસ ચાર્ટર પ્લેનમાં બે દિવસ પૂર્વ તા. 6 જાન્યુઆરીના રોજ શ્રી નાથદ્વારાની ‘ધ્વજાજી’ ને લાવવામાં આવી હતી. સ્વયં ઠાકોરજી સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી’ ની વિશાળ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળી હતી. ઇશ્વરીયાના વૃંદાવનધામ ખાતે નિર્મિત મોતીમહેલમાં ‘શ્રીનાથજીની સન્મુખ ‘ધ્વજાજી’ નું પૂ.પૂ. 105 વિશાલ બાવા ગોસ્વામીજીના હસ્તે આરોહણ કરાયુ હતું. ગઇકાલે ઉકાણી પરિવારના ડો. ડાયાભાઇ ઉકાણી, નટુભાઇ ઉકાણી, શ્રીમતી અમીતાબેન નટુભાઇ ઉકાણી, મૌલેશભાઇ ઉકાણી, સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, લવ ઉકાણી, રીશા લવ ઉકાણી, જય ઉકાણી, હેમાંશી જય ઉકાણી, રાધા અને રીશી, વિધી, યુગ સહીતના પરિવારજનોએ પૂ.વિશાલ બાવાના સાનિધ્યમાં ગૌચરણ મનોરથની ઉજવણી કરી હતી.
ઉકાણી પરિવારના ઇશ્ર્વરીયા સ્થિત દ્વારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ પ્રસંગે વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ કૃષ્ણભક્તિના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વૃંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત, નાથજીના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતીના દર્શન માટે ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વૃંદાવનધામ ખાતે ‘ઠાકોરજી’ ના દર્શન માટે પધારતા ભાવિકો માટે ઉકાણી પરિવાર દ્વારા સુચારૂ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
રાજકોટની ભાગોળે ઇશ્ર્વરીયા ખાતે વૃંદાવનધામમાં ગઇકાલે ગૌચરણ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં સામાજીક રાજકીય મહાનુભાવો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, પરેશભાઇ ગજેરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, દુર્લભજીભાઇ દેથલીયા, લલીતભાઇ રાદડીયા, ડો.દર્શીતાબેન શાહ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, દંડક મનીષભાઇ રાડીયા, પૂર્વ કમિશનર રાજુ ભાર્ગવ, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા, ઉદ્યોગપતિઓ મનસુખભાઇ પાણ, નાથાભાઇ કાલરીયા, રાજનભાઇ વડાલીયા, રમણભાઇ વરમોરા, પવિત્ર યાત્રાધામના સચિવ રમેશભાઇ મેરજા, ઉમિયા પરિવાર સંગઠન પ્રમુખ કૌશીકભાઇ રાબડીયા સહીત રાજકીય સામાજીક સંસ્થાઓના અગ્રણીઓએ વૃંદાવન ધામની મુલાકાત લીધી હતી.
પુષ્ટીમાર્ગીય પ્રધાનપીઠ શ્રીનાથજી હવેલીના પૂ. વિશાલબાવાના હસ્તે ધ્વજારોહણ
ઈશ્ર્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ધ્વજાઆરોહણનો દિવ્ય પ્રસંગ ઉજવાયો પુષ્ટિમાર્ગીય પ્રભાનપીઠ શ્રીનાથજી હવેલીના યુવાચાર્ય ગો.ચી. 105 વિશાલ બાવા કે જેઓ શ્રીનાથજી હવેલીના તિલકાયતના સુપુત્ર છે. તેઓના હસ્તે ‘ધ્વજાજી’નું આરોહણ કરવામાં આવ્યું હતું. 12.5 એકરમાં નિર્મિત વૃંદાવનધામમાં શ્રીનાથજી, મોતી મહેલ, બાંકેબિહારી મંદિર, પ્રેમ મંદિરની અદ્ભૂત આકૃતિઓ બનેલ છે. વિશાલ બાવાએ આરતી પૂજન વિધિ બાદ પોતાના કર કમલોથી ભવ્ય ધ્વજ ચઢાવ્યો હતો. આ અવસરે છપ્પન ભોગ મનોરથ ઉજવાયો હતો. ઉકાણી પરિવાર દ્વારા સતત ત્રણ દિવસ સુધી છપ્નભોગ, ગૌચરણ, દિપદાન મનોરથ ઉત્સવ ઉજવાશે.
આ અવસરે ‘ધ્વજાજી’નું મહાત્મ સમજાવતા વિશાલ બાવાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યના ચરણ દ્વારા પ્રસ્તુત એવમ ‘પિતૃવેશશોદ્ધિ’ આપના પરિવાર દ્રારા શોભીત અને પલ્લવીત પુષ્ટીમાર્ગમાં ‘ધ્વજાજી’નું અલૌકીક મહત્વ છે.
‘ગોપિકા પ્રોકત ગુરુવાહ’ અર્થાત પુષ્ટિમાર્ગમાં ગોપીઓ ગુરૂ સમાન છે. અને અષ્ટ સખા આ સ્વરૂપને ‘ગોપી પ્રેમ કી ધ્વજા’ તરીકે વર્ણવે છે. સુષ્ટિને આર્શીવાદ આપવા માટે ગોવર્ધનધારી ધ્વજાજી મંદિર શિખર પર પોતાના દૈદીપ્યમાન સ્વરૂપમાં બિરાજમાન છે. એક વાર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યએ વિચાર્યુ કે કલીયુગમેં અનેક કષ્ટ ભોગવતા વૈષ્ણવજનો જો પ્રભુના દર્શન ન કરી શકે તો તેનો ઉપાય શું? ત્યારે શ્રીજી પ્રભુએ તેમને પ્રેરણા આપી કે તેઓ આવી શકે તો હું તેમને શ્રી ધ્વજાજીના સ્વરૂપમાં દર્શન આપવા માટે ધ્વજ સ્વરૂપે દરવાજે હાજર થઈશ. આ શ્રીજી ભગવાન વૈષ્ણવોને ધ્વજ સ્વરૂપે દેખાય છે કે જેઓ વૈષ્ણવો પર અપાર કૃપા કરે છે.
અષ્ટ સખા શ્રી સુરદાસજીને વૈષ્ણવોએ તેઓના અંતિમ સમયમાં પુછયુ કે તમે શ્રીજી પ્રભુના દર્શન કેવી રીતે કરો છો પછી તરજ શ્રી સુરદારજીએ ધ્વજા તરફ હાથ ઉંચો કરીને કહયુ કે તે આપણા શ્રીનાથજી છે. આજે પણ વૈષ્ણવો શ્રીજીના દર્શન તેમજ ધ્વજાજીના દર્શનને સ્વયં શ્રીજીનું સ્વરૂપ માને છે. તેથી, આજે પણ શ્રીજી પ્રભુ વૈષ્ણવો લોકો પ્રત્યે તેમની કૃતજ્ઞતા અર્પણ કરવા માટે ‘ધ્વજાજી’ સ્વરૂપે તેમના ઘેર આવે છે. અને પુષ્ટિ માર્ગીય પરંપરાઓમાં આ પરંપરા સૌથી અન્નય છે.