- ગતરોજ 11મી ચિંતન શિબિર બીજો દિવસ યોજાયો
સમગ્ર દિવસ દરમિયાન ચાર જેટલા ગૃપ ડિસ્કશનમાં મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સહભાગી થયાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચા સત્રોમાં ઉપસ્થિત રહ્યાં
* રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી કરવી
* ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધારવી
* સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન
* પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન – વિષયો પર સર્વગ્રાહી ચિંતન-મંથન થયું
Somnath News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સોમનાથ ખાતે યોજાઈ રહેલી 11મી ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાને વધુ ગતિ આપવાના હેતુથી વિવિધ વિષયો પર ગૃપ ડિસ્કશન કરીને પરિણામદાયી ચિંતન-મંથન કર્યું હતું.
ગતરોજ શિબિરના બીજા દિવસે જે વિષયો પર જૂથ ચર્ચા કરવામાં આવી હતી તેમાં રોજગારીની નવી તકો ઊભી કરવી, તેમજ કૃષિ અને પશુપાલના સર્વાંગી વિકાસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધારવી જેવા વિષયે મંત્રીઓ, સચિવો સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિચાર-વિમર્શ કર્યા હતાં.
આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓનો લાભ 100 ટકા લાભાર્થી સુધી પહોંચાડવા સેચ્યુરેશન એપ્રોચથી સાથે મળીને આગળ વધવા અને જરૂરિયાતમંદ પ્રત્યેક લાભાર્થીને આવરી લેવા સંદર્ભે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા પ્રવાસન વિકાસના યોગદાન અંગે જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા વિષયે પણ સામૂહિક ચર્ચા કરવામાં આવી હતી.
નાણામંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, પ્રવાસન મંત્રી મૂળુ બેરા અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પંચાયત મંત્રી બચુ ખાબડ સહિતના મંત્રીઓએ પણ પોતાના મનનીય વિચારો વ્યક્ત કર્યા હતા. તેમજ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવઓ, અગ્ર સચિવઓ આ ચર્ચામાં જોડાઈને પોતાના વિભાગોના કાર્યઆયોજનના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ ચર્ચા સત્રો પૂર્વે, મંત્રીઓ અને વરિષ્ઠ સચિવઓ સહિત શિબિરાર્થીઓએ ભગવાન સોમનાથ મહાદેવના સમૂહમાં દર્શન કર્યા હતા. આ પ્રસંગે શિબિરની સ્મૃતિરૂપે સોમનાથ મંદિરના પ્રાંગણમાં ગૃપ ફોટોમાં સહભાગી થયા હતા.
અહેવાલ : અતુલ કૉટૅચા