શનિવારે શહેરના વોર્ડ નં.4,5,6,15 અને 16માં યોજાશે 7માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી શનિવારથી શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારોમાં 45 સ્થળોએ દીનદયાલ ઔષધાલયનો શુભારંભ કરવામાં આવશે. 7માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી 30મીએ વોર્ડ નં.4,5,6,15 અને 16માં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉક્ત વોર્ડના લોકો પોતાના પ્રશ્ર્નો એક જ સ્થળે નિરાકરણ લાવી શકશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આરોગ્ય કમિટીનાં ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડિયાએ જણાવ્યું હતું કે, પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ સાતમાં પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરાયું છે.
જેમાં શનિવારે સવારે 9:00 વાગ્યાથી વિધાનસભા-68 (વોર્ડ નં. 4, 5, 6, 15 અને 16)માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શ્રી અટલ બિહારી વાજપેયી કોમ્યુનિટી હોલ, પેડક રોડ, રાજકોટ ખાતે યોજાશે. તેમજ દિનદયાળ ઔષધાલયનો શુભારંભ રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીનાં વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.શહેરના વિવિધ સ્લમ વિસ્તાર સહિતના 45 સ્થળોએ “દીનદયાલ ઔષધાલય” શુભારંભ કરવામાં આવશે. આ અગાઉ મુખ્યમંત્રીએ રાજ્યમાં “દીનદયાલ ઔષધાલય” શુભારંભ કરાવેલ તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ સ્લમનાં જરૂરિયાતમંદ નાગરિકોને તબીબી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવા આ પ્રકલ્પ અમલમાં મુકવામાં આવી રહયો છે.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તેમજ શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષનાં નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષનાં દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે.
લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. સાથોસાથ સ્લમ્સમાં શરૂ થઇ રહેલ “દીનદયાલ ઔષધાલ” તબીબી સેવાઓનો લાભ લ્યે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય કમિટીનાં ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડિયાએ અનુરોધ કર્યો છે.