નવી પેસેન્જર લિફટ ઉપરાંત પ્લેટફોર્મ નં.૧ અને પ્લેટફોર્મ નં.૨ પરના કવર શેડને લંબાવાયો
પશ્ચિમ રેલ્વે મુસાફરોના હિતમાં અનેક પગલાં લઈ રહ્યું છે અને સ્ટેશનો પર સતત મુસાફરોની સુવિધામાં વધારો કરી રહ્યું છે. મુસાફરોની સુવિધાઓથી સંબંધિત વિવિધ કામગીરી રાજકોટ વિભાગ પર પણ પ્રગતિમાં છે, તે જ ક્રમમાં ભક્તિનગર સ્ટેશનની વિવિધ પેસેન્જર સુવિધાઓનું ઉદ્ઘાટન સાંસદ મોહનભાઇ કુંડારીયાએ વીડિયો લીંક દ્વારા કર્યું હતું.
રાજકોટ વિભાગીય રેલ્વે મેનેજર પરમેશ્વર ફુંકવાલે માહિતી આપી હતી કે ભક્તિનગર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર નવી પેસેન્જર લિફ્ટ આપવામાં આવી છે, જેથી મુસાફરો ખાસ કરીને દિવ્યાંગરો, વૃદ્ધો, મહિલાઓ અને બીમાર મુસાફરોને પ્લેટફોર્મ નં.૧ થી ૨ જવા માટે કોઈ અગવડતા ન પડે.
લિફ્ટ ક્ષમતા એક સમયે ૨૦ લોકોની છે અને તેની કુલ કિંમત આશરે ૬૮.૪૩ લાખ રૂપિયા છે. તે જ સમયે, ભક્તિનગર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ અને ૨ પરના કવર શેડને લંબાવવામાં આવ્યા છે જેથી મુસાફરોને તડકો કે વરસાદમાં કોઈ અગવડતા ન આવે. આ નવા વિસ્તૃત કવર શેડ્સની કિંમત આશરે રૂા.૪૫.૧૪ લાખ છે. ઉપરોક્ત તમામ પેસેન્જર સુવિધાઓની કુલ કિંમત આશરે ૧.૧૩ કરોડ રૂપિયા છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ખુશી વ્યક્ત કરતા રેલ્વેનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, આ બાંધકામના મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળશે. આ સાથે, તેમણે સ્થળાંતર કામદારોને તેમના વતન પરિવહન માટે લોકડાઉન દરમિયાન રાજકોટ વિભાગ દ્વારા સંચાલિત શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના કામની પ્રશંસા પણ કરી હતી.
કાર્યક્રમના અંતે સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અભિનવ જેફે કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા રાજકોટ વિભાગના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.