ચારધામ પૈકીનું એક જગતમંદિર જયાં રોજ હજારો, લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. સોનાની દ્વારીકા ગણાતા મંદિરે શ્રધ્ધાળુઓ દેશ-દુનિયામાંથી ભગવાન ઠાકોરને અનમોલ આભૂષણો, વસ્ત્રો ચડાવે છે.
શ્રધ્ધાથી કરેલા કાર્યો ભગવાન સુધી અવશ્ય પહોચે છે. આવા જ એક ભાવિક દંપતીએ કાળિયા ઠાકુરને સોનાનો હાર અર્પણ કરી ધન્યતા અનુભવી છે.
કચ્છ જિલ્લાના માધાપર ગામના દ્વારકાધીશજીના પરમ ભકત પ્રજ્ઞાબેન નાનાલાલ ચૌહાણે શ્રીજી ભગવાનને ૬૧.૪૦૦ ગ્રામનો સોનાનો હારર્પણ કર્યો હતો. દેખાવમાં અતિ સુંદર સોનાનો હાર ભગવાનને અર્પણ કરી ધન્યતા પ્રાપ્ત કરી છે. હાલ સોનાના ભાવ આસમાને ગયા છે. ત્યારે એક તોલુ સોનાની ખરીદી પણ લોકોના ખિસ્સા ખંખેરી લે છે ત્યારે ૬૧ ગ્રામનો ભગવાન દ્વારકાધીશજીને હાર અર્પણ કરવું એ જગતના નાથ પ્રત્યેના ભાવની સાક્ષી પૂરે છે.