ભારત વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકઆંકમાં ગત વર્ષના 142મા સ્થાનથી લપસીને 150મા સ્થાને આવી ગયું છે. ’રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર’ના તાજેતરના અહેવાલ પ્રમાણે નેપાળને છોડીને ભારતના અન્ય પાડોશી દેશોના રેન્કિંગમાં ઘટાડો આવ્યો છે. 180 દેશોના આ રેન્કિંગમાં પાકિસ્તાન 157મા, શ્રીલંકા 146મા, બાંગ્લાદેશ 162મા અને મ્યાનમાર 176મા સ્થાને પહોંચ્યું છે.

આરએસએફ 2022 વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકઆંક પ્રમાણે વિશ્વ રેન્કિંગમાં નેપાળ 76મા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ગત વર્ષે તેને 106મા, પાકિસ્તાનને 145મા, શ્રીલંકાને 127મા, બાંગ્લાદેશને 152મા અને મ્યાનમારને 140મા સ્થાને રાખવામાં આવ્યું હતું.

આ વર્ષે નોર્વે (પ્રથમ), ડેનમાર્ક (બીજા), સ્વીડન (ત્રીજા), એસ્ટોનિયા (ચોથા) અને ફિનલેન્ડ (5મા) સ્થાને છે. જ્યારે 180 દેશો અને ક્ષેત્રોની યાદીમાં ઉત્તર કોરિયા સૌથી નીચે છે.

આ રિપોર્ટમાં રશિયાને 155મા સ્થાને રાખવામાં આવ્યું છે જે ગત વર્ષે 150મા સ્થાનથી નીચે હતું. જ્યારે ચીન 2 સ્ટેપ આગળ વધીને 175મા સ્થાને આવી ગયું છે. ગત વર્ષે ચીન 177મા સ્થાને હતું.

આંતરરાષ્ટ્રીય બિનનફાકારી સંગઠને પોતાની વેબસાઈટ પર એક નિવેદનમાં કહ્યું હતું કે, ’વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ અને અન્ય 9 માનવાધિકાર સંગઠન ભારતીય અધિકારીઓને પત્રકારો અને ઓનલાઈન ટીકાકારોને તેમના કામ બદલ ટાર્ગેટ કરવાનું બંધ કરે તેવો આગ્રહ કરે છે. ખાસ કરીને તેમના વિરૂદ્ધ આતંકવાદ અને દેશદ્રોહના કાયદા અંતર્ગત કેસ દાખલ કરવાનું બંધ કરી દેવું જોઈએ.’

રિપોર્ટર્સ સેન્સ ફ્રન્ટિયર્સએ જણાવ્યું કે, ’ભારતીય અધિકારીઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સન્માન કરવું જોઈએ તથા ટીકાત્મક રિપોર્ટિંગ બદલ રાજકારણથી પ્રેરિત આરોપોસર કસ્ટડીમાં લેવામાં આવેલા કોઈ પણ પત્રકારોને મુક્ત કરી દેવા જોઈએ તથા તેમને ટાર્ગેટ કરવાનું અને સ્વતંત્ર મીડિયાનું ગળું દબાવવાનું બંધ કરવું જોઈએ.’

’અધિકારીઓ દ્વારા પત્રકારોને ટાર્ગેટ કરવાની સાથે સાથે અસહમતિ પર વ્યાપક કાર્યવાહીએ હિંદુ રાષ્ટ્રવાદીઓને ઓનલાઈન અને ઓફલાઈન, બંને રીતે ભારત સરકારની ટીકા કરનારા પત્રકારોને ધમકાવવા, પરેશાન કરવા અને દુર્વ્યવહાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.’

ભારતના 3 પત્રકાર સંગઠનોએ આ અંગેના સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ’નોકરીની અસુરક્ષા વધી છે. પ્રેસની સ્વતંત્રતા પર હુમલામાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. આ અંગેના રેન્કિંગમાં ભારતે ખૂબ સારૂં પ્રદર્શન નથી કર્યું.’

ઈન્ડિયન વુમન્સ પ્રેસ ક્લબ, પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા તથા પ્રેસ અસોસિએશનના કહેવા પ્રમાણે ’પત્રકારોને મામૂલી કારણસર આકરા કાયદા અંતર્ગત કેદ કરવામાં આવ્યા છે અને અમુક પ્રસંગે તેમણે સોશિયલ મીડિયા પર રહેલા કાયદાના સ્વયંભૂ સંરક્ષકો તરફથી જીવના જોખમનો પણ સામનો કરવો પડે છે.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.