દેશનાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકાર દ્વારા અનેકવિધ બુસ્ટર ડોઝો અર્થતંત્રને મજબુત કરવા માટે આપવામાં આવ્યા છે જેમાં રેપોરેટમાં ઘટાડો સહિત અનેકવિધ હકારાત્મક કાર્યો હાથ ધરાયા છે પરંતુ પ્રશ્ર્ન એ ઉભો થાય છે કે, શું આ બુસ્ટર ડોઝ દેશનાં અર્થતંત્ર માટે ટોનીક સાબિત થશે કે જુલાબ સાબિત થશે પરંતુ આરબીઆઈ દ્વારા જે રેપોરેટમાં ૦.૨૫ બેઈજીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો જે ટોનીક ઈન્જેકશન માનવામાં આવે છે પરંતુ મુદ્દો એ છે કે જો તે ટોનીક સાબિત થાય તો વાંધો નહીં પરંતુ જુલાબ સાબિત થશે તો આવનારો સમય ખુબ જ કપરો બની રહેશે.
દેશની ઇકોનોમીને પાટે ચડાવવા સરકારી તિજોરીમાં દોઢ લાખ કરોડનું બાકોરૂં પાડવા છતાં હજુ દેશની ઇકોનોમી તંદુરસ્ત દેખાતી નથી! કારણો કદાચ .. બેંકોના કૌભાંડો, કોર્પોરેટસની નાદારી કે NBFCનાં ગોટાળા જેવા સ્થાનિક હોય,કે પછી ટ્રેડ વોર અને ગ્લોબલ રિસેશન જેવા વૈશ્વિક હોય પણ એક વાત નક્કી છે કે સરકારની હાલત એક સાંધે ત્યાં તેર તુટે જેવી થઇ છે. તેથી જ ઇકોનોમીને પથારી માંથી બેઠી કરવા RBI ને વધુ એક ટોનિકનું ઇન્જેક્શન આપવું પડ્યું છે. રેપોરેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ અર્થાત સરળ ભાષામાં કહીએ તો ૦.૨૫ ટકાનો ઘટાડો લોન લેનારાઓની ધીમી પડી ગયેલી ગાડીને કદાચ સ્પીડ આપે એવી આશા સાથે..!
માનીએ છીએ કે સરકાર પ્રયાસ કરી રહી છે પણ હજુ નોંધનીય સફળતા મળતી નથી. અગાઉનાં અનુમાનોમાં પણ સરકારને આંકડા બદલવાની ફરજ પડી રહી છે. મતલબ, કાં તો RBIની ગણતરીઓ ખોટી પડી રહી છે, કાંતો જખમ ડોક્ટરોના નિદાન કરતાં ઘણા વધારે ઉંડા છે અને કાં તો સરકાર RBI ની અનિચ્છાએ નિર્ણયો અને જાહેરાતો કરાવી રહી છે. ઉપરોક્ત ત્રણ શક્યતાઓમાંથી કોઇ પણ હોય પણ તે સરવાળે દેશની ઇકોનોમીનું ફાઉન્ડેશન નબળું કરે છે.
RBI એ અગાઉ એપ્રિલ થી સપ્ટેમ્બર-૧૯નાં ગાળા માટે GDP ૫.૮ થી ૬.૬ ટકા રહેવાની ધારણા મુકી હતી જે આંકડો માંડ પાંચ ટકાએ પહોંચી શક્યો છે. અગાઉ વર્ષ ૨૦૧૯-૨૦ નો GDP ૬.૧ ટકા રહેવાનું અનુમાન કરાયું હતું જે હવે ઘટાડીને ૬.૧ ટકાનું કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નાણાકિય ખાધની બહુ ચિંતા કરાતી નહોતી હવે કહેવાય છે કે કદાચ તે GDP નાં ૩.૩ ટકાથી વધીને ૪.૦ ટકા સુધી જશે. જે મોંઘવારી અને ફુગાવામાં વધારો કરશે. જો આવું થાય તો ફરી એકવાર સરકારનું લક્ષ્યાંક ખોટું પડશે. આગાઉ એવા દાવા કરાયા હતા કે સરકાર પાસે આવકનાં ઘણા સંસાધનો હોય છે તેમાંથી ક્યાંકથી આ ખાડો પુરવાની જોગવાઇ થઇ જશૈ. પરંતુ હાલના સંજોગોમાં આભ ફાટ્યા જેવી હાલત છે. છઇઈં અને નાણા મંત્રાલય બન્ને હજુ નક્કી કરી શકતા નથી કે થિગડા ક્યાં અને કેટલાં મારવા પડશૈ?
અગાઉ સરકારે શેરબજારને રાહતોની લ્હાણી કરી, હવે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા એક લાખ રોડ રૂપિયા ઉભા કરવાની વેતરણમાં છે. પણ બજારની હાલત એવી છે કે શં સરકારને આ નાણા મળશે.? કદાચ સરકારને સરકારી કંપનીઓના શેર વાસ્તવિક વેલ્યુએશન કરતા નીચા ભાવે વેચવા પડે તો પણ લક્ષચ્યાંક સિધ્ધ ન થાય. હવે RBI ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું અગાઉ જાહેર કરેલું વચગાળાનું ડિવિડન્ડ આપી શકશે કે કેમ તે પણ એક સવાલ છે કારણ કે RBI પાસે પણ આવકનાં સાધનો હોવા જરૂરી છે. એટલે જ કદાચ રિઝર્વ બેંકના ગવર્નરે આ સવાલને ઉડાવી દીધો હતો. સરકાર માટે વધારાના ૫૮૦૦૦ કરોડની જોગવાઇ RBI કરી શકવાની છે તે ખરેખર રાહતના સમાચાર છૈ.
હાલમાં દેશમાં ક્રૂડતેલનાં ભાવ ૬૦ ડોલરથી નીચે ચાલે છે. જો તે ૭૦ ડોલરની સપાટી વટાવે તો શું થાય? સરકારે એક વર્ષમાં સતત પાંચમી વાર વ્યાજદરમાં ઘટાડો કરવો પડ્યો છે. હોમલોન, કાર લોન, પર્સનલ લોનનાં વ્યાજ દર અને હપ્તામાં ઘટાડો કરીને સરકાર ક્યાં સુધી રાહત આપતી રહેશે એ એક ચર્ચાનો વિષય છે. આ રાહતની અસર કેટલી પડે છે તે જોવા માટે આગામી ત્રણ મહિના રાહ જોવાની રહેશે. જો મકાનોના, વાહનોના અને ક્ધઝ્યુમર ડ્યુરેબલનાં વેચાણ વધે તો RBI એ આપેલો દવાનો ડોઝ લાગુ પડ્યો હોવાનો દાવો થઇ શકશે. નહીં તો સરકારને નવી દવાનો પ્રયોગ કરવો પડશે.નવા પ્રયોગ કરવા પડે તે ચાલશે, વ્યાજદર ઘટાડવા પડે તે પણ સહન કરી શકાશે. આમેય તે વિકસીત દેશોમાં વ્યાજદર ઓછા જ હોય છે. એ રીતે જોઇએ તો ભારત વિકાસની દિશામાં વધી રહ્યો હોય એમ પણ દાવો કરી શકાય પણ આ દાવો ત્યારે જ કરી શકાય જ્યારે ખેડૂતોને પેકેજ ઓફર ન કરવા પડતા હોય, કોર્પોરેટ નાદાર ન થતા હોય. અને બેંકોના પાટિયા ઉઠી ન જતા હોય! આશા રાખીઐ કે આવતા ક્વાટરમાં નવી દવાનો પ્રયોગ કરવો ન પડે..!