ગત સપ્તાહે સંક્રમિતની સંખ્યા ૨૪ હજારને પાર હતો: ગઈ કાલે વધુ ૧૪,૭૮૧ કેસ નોંધાયા
મૃત્યુદરમાં વધારો થતાં વધુ ૨૧ દર્દીઓએ દમ તોડ્યા: એક્ટિવ કેસમાં પણ વધારો
અબતક-રાજકોટ
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાતા હાશકારો અનુભવ્યો છે. ગઈ કાલે રાજ્યમાં ૧૪,૭૮૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી એક સપ્તાહમાં જ કુલ ૯૭૦૪ કેસનો ઘટાડો થતા લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ એક્ટિવ કેસ અને મૃત્યુદરમાં વધારો થયો છે. એક સપ્તાહમાં ૨૩,૩૦૪ એક્ટિવ કેસમાં વધારો થયો છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા ૨૧ દર્દીઓએ દમ તોડ્યો હતો.
ગુજરાતમાં હવે કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. ત્રીજી લહેરની પીક પણ આવી ગઈ હોવાની શક્યતા છે. રાજ્યમાં 24 કલાકમાં ૧૪,૭૮૧ નવા કેસ નોંધાયા છે અને ૨૧ના મોત થયા છે. જ્યારે ૨૦,૮૨૯ દર્દી સાજા થયા છે. આમ નવા દર્દી કરતા ૬૦૪૮ દર્દી વધુ સાજા થયા છે. જેને પગલે રાજ્યનો રિકવરી રેટ વધીને ૮૭.૫૦ ટકા થઈ ગયો છે. છેલ્લા ૪ દિવસમાં ૯૩ દર્દીના મોત થઈ ચૂક્યા છે. તેમજ વેન્ટીલેટર પરના દર્દી વધીને ૩૦૯ થઈ ગયા છે.
રાજકોટ જિલ્લામાં પણ કોરોના ચિંતાનો વ્યાપ વધારી રહ્યો હોય તેમ ગઈ કાલે સુરત કરતા પણ વધુ કેસ રાજકોટમાં નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૫૩૨૫ કેસ, વડોદરામાં ૩૦૧૬ કેસ, રાજકોટમાં ૧૨૩૫ કેસ, સુરતમાં ૧૨૨૮ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં ૯ મોત, સુરતમાં ૫ મોત, વડોદરામાં ૨ મોત, વલસાડમાં ૨ મોત, જામનગરમાં ૨ મોત અને રાજકોટમાં ૧ નું મોત થયું છે.
રાજ્યમાં એક સપ્તાહની સરખામણી કરીએ તો પોઝિટિવ કેસનો આંક ઘટ્યો છે. પરંતુ મૃત્યુદર અને એક્ટિવ કેસમાં વધારો થયો છે. ગત તા.૨૦મીએ એક્ટિવ કેસની સંખ્યા ૧,૦૪,૮૮૮ એક્ટિવ કેસ હતા જે વધીને ગઈ કાલે ૧,૨૮,૧૯૨ પર પહોંચ્યો છે. તો બીજી તરફ ગત સપ્તાહે વેન્ટિલેટર પર ૧૫૬ દર્દીઓ હતા જ્યારે ગઈ કાલે આ આંક ૩૦૦ને પાર પહોંચ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૧,૭૭,૦૪૯ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦,૩૨૩ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૯,૬૯,૨૩૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કેસની સંખ્યા ઘટી છે તો એક્ટિવ કેસ અને મૃત્યુદરમાં વધારો થયો છે.