આખો શ્રાવણ માસ હનુમાન ચાલીસા-હનુમાન મંત્ર યજ્ઞ

અબતક, રાજકોટ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્ર્વવિખ્યાત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.02 ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવું કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા શણગાર એવં શાકભાજીઓ ધરાવવામાં આવેલ તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી રીંગણ, દૂધી, ગાજર, સુરણ, લીંબુ, ટીંડોળા, કરેલા, અડવીના પાંદ, ફુદીનો, લીલા-પીળા મરચાં, ગલકા, તુરીયા, સરગવાની શિંગ, બટાકા, કોબીજ, બીટનો કંદ, રીંગણ, વાંગી અથવા રીંગણ, કોળું, મૂળા,પાલક,ભીંડો, શક્કરીયા, ટામેટા, મશરૂમ, મેક્સીકન મકાઈ અને ટમેટા સલાડ, લેટીસ, કાકડી વિગેરે 500 કિલો શાકભાજીનો અન્નકૂટ ધરાવી આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ.

પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ થી તા.27-08-2022 સુધી વિશ્ર્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-યજ્ઞ-પૂજા પાઠ સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 દરમિયાન કરવામાં આવશે. તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે પ:30 થી 6:30 કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો પ્રૌઢ પ્રતાપ દિગંતમાં વ્યાપી રહ્યો છે, અનેક દીન દુ:ખીઓના દુ:ખ દુર કરી આધિ, વ્યાધિ, ઉપાધિથી મૂક્તિ અપાવી મહાસુખીયા કરવાનું સદાવ્રત શ્રી કષ્ટભંજન દાદા દ્વારા અવિરત ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.