ભારત આજે દુનિયામાં આર્થિક મોરચે તીવ્ર ગતિએ આગળ વધતું અર્થતંત્ર છે.નજીકના સમયમાં જ પાંચ લાખ ડોલરનું અર્થતંત્ર બની જશે તેવા દાવા થઈ રહ્યા છે.વિદેશની અનેક કંપનીઓ તેમની વૃદ્ધિ માટે ભારત તરફ નજર દોડાવી રહી છે.કેન્દ્ર સરકાર પણ યુવા વસતિને આધાર બનાવી વૈશ્વિક કંપનીઓને દેશમાં આકર્ષી રહી છે.
આ ગુલાબી ચિત્રની સામે એક વાસ્તવિકતા એ છે કે દેશમાં બેરોજગારી વધીને વિકરાળ સ્તરે પહોંચી ગઈ છે.આ બેરોજગારી વધવાનું મૂળ કારણ દેશમાં રોજગારીનો અભાવ નહીં,પરંતુ અપૂરતા શિક્ષણ સાથે ’નકામી’ ડિગ્રીઓ છે.જે ડિગ્રીઓ યુવાનોને નોકરીની તકો પૂરી પાડવામાં ઊણી ઉતરી છે.
‘મર્યાદિત આવડત અને અધકચરા જ્ઞાનને લીધે હજારો ગ્રેજ્યુએટ યુવાનો બેકારની યાદીમાં ઉમેરાતા જાય છે’
ભારતમાં અંદાજિત 117 બિલિયન ડોલરનો ’શિક્ષણ ઉદ્યોગ’ ધમધોકાર ચાલે છે.આવનારા 2025ના વર્ષ સુધીમાં તે 225 અબજ ડોલરે પહોંચે એવા અંદાજ લગાવવામાં આવી રહ્યા છે.નવી નવી કોલેજો ઊભી થતી જાય છે.તેમ છતાં હજારો ગ્રેજ્યુએટ યુવાનો મર્યાદિત આવડત અને અધકચરા જ્ઞાનને લીધે બેકારની યાદીમાં ઉમેરાતા જાય છે. જ્યારે અર્થતંત્ર ઉત્કર્ષની તુલાએ આવીને ઊભું છે, ત્યારે આ પરિસ્થિતિ અત્યંત ગંભીર ગણી શકાય.
દેશમાં વિરોધાભાસી ચિત્ર જોવા મળી રહ્યું છે. એક બાજુ આજે દુનિયાની મોટી મોટી કંપનીઓ ગુગલથી લઈને આલ્ફાબેટના વડા – સીઈઓનું સ્થાન ભારતીય મૂળના લોકો શોભાવી રહ્યા છે.સુંદર પિચાઈથી લઈને સત્યા નાડેલા સહિતના ધૂરંધરો ભારતની યુનિવર્સિટીમાંથી જ બહાર આવ્યા છે,તો બીજી બાજુ નાની યુનિવર્સિટીમાં અને હજારો ખાનગી કોલેજોમાં પૂરતા પ્રોફેસર જ નથી હોતા અને જે હોય છે,તે પૂરતા તાલીમબધ્ધ નથી હોતા.તેમ વૈશ્વિક સંશોધન સંસ્થા બ્લૂમબર્ગનું કહેવાનું થાય છે.
વિશ્વના બીજા દેશોમાં પણ આ સ્થિતિ છે,પણ ભારતમાં તો તેણે હદ વટાવી દીધી છે.છેલ્લે બ્લૂમબર્ગે બે ડઝનથી પણ વધુ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.આ તમામ વિદ્યાર્થીઓએ અભ્યાસ પછી નોકરી મેળવવાની ચિંતા દર્શાવે હતી. તો બીજી તરફ જાણીતી બિઝનેસ કંપનીઓ જેવી કે એમ જી મોટર્સ જણાવે છે કે તેઓને સારા ગ્રેજ્યુએટ શોધવામાં પણ તકલીફ પડે છે.તેમની પાસે તેમના વિષયનું પૂરતું જ્ઞાન પણ હોતું નથી. સામાન્ય જ્ઞાન પણ મર્યાદિત હોય છે.
યુનિવર્સિટી અને કોલેજની આ પરિસ્થિતિના સંદર્ભે ટાઈમ્સ હાયર એજ્યુકેશન 2023ના વિશ્વની ટોપ યુનિવર્સિટીના લિસ્ટમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી.2012 પછી પહેલી વખત એવું થયું છે કે ભારતની એક પણ યુનિવર્સિટી ટોચની 300 શિક્ષણ સંસ્થાઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી.દુનિયાના ટોપ દસ મંદિરોમાં આઠ ભારતમાં છે.દુનિયાની ટોપ દસ મસ્જિદોમાં ત્રણ ભારતમાં છે,જ્યારે દુનિયાની ટોપ 300 યુનિવર્સિટીમાં એક પણ ભારતમાં નથી ! 140 કરોડથી વધુ વસતિ ધરાવતા,સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ માટે આ શરમજનક વાત કહેવાય.
આપણે ભલે આપણું હરીફ પાકિસ્તાન ગણીએ, પરંતુ હકીકતમાં આપનું હરીફ ચીન છે.ગ્લોબલ પ્લેટફોર્મ પર આર્થિક,રાજકીય,ઔદ્યોગિક અને શૈક્ષણિક સ્તરે ચીન આપણું હરીફ છે.ચીન શિક્ષણની બાબતમાં પણ આપણાથી આગળ છે.ચીનની 24 યુનિવર્સિટિ ટોપ 300માં સમાવેશ પામી છે.એશિયાના એક પણ દેશની શિક્ષણ સંસ્થા આંતરરાષ્ટ્રીય ડંકો વગાડી શકી નથી.ચીનની અમુક કોલેજોની એડમિશન લેવા માટેની એન્ટ્રન્સ ટેસ્ટ એટલી કઠિન હોય છે કે આજ સુધી એક પણ વિદ્યાર્થી કે પ્રોફેસર પુરા માર્ક્સ લાવી શકયા નથી. ચીન પોતાના શિક્ષણ ક્ષેત્રની લશ્કરી શૈલીથી કાયાપલટ કરવામાં સફળ રહ્યું છે.સિલીકોન વેલીની આઈટી કંપનીઓમાં સૌથી વધુ સંખ્યા ચીની સંશોધકોની છે.
સંશોધનકારોને ઉત્તેજન આપવું અગત્યનું બની ગયું છે.આજે સંશોધનની ડિમાન્ડ છે,ડિગ્રીની નહીં.એક્સપર્ટાઈઝને મૂલવવામાં આવે છે,ડિગ્રી કે પર્સન્ટને નહીં ! ભારતીય શિક્ષણ સંસ્થાઓ અહીં જ ગોથા ખાતી રહી છે.
મુંબઈ,દિલ્હી અને ખડકપુરની આઈ આઈ ટી સંસ્થાઓમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.ટાઈમ્સ હાયર એજ્યુકેશનની યાદીમાં આ બધી આઈ આઈ ટી 401 – 500ના સ્લોટમાં પહોંચી ગઈ છે.છેલ્લા વર્ષમાં આ સંસ્થાઓ ટોપ 500માં પણ નહોતી.આઈ આઈ ટી ગાંધીનગર પહેલી વખત ટોપ 600માં સ્થાન મેળવી શકી છે.જ્યારે વગોવવામાં આવતી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી,પહેલી વખત ટાઈમ્સની યાદીમાં આવી.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રેગ્યુલેશન્સ – 2022 મુજબ યુનિવર્સિટી અને કોલેજ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે નેશનલ એસેસમેન્ટ ઍન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ(નેક)ની માન્યતા ફરજિયાત કરી દેવામાં આવી છે.એટલું જ નહીં પણ નવી શિક્ષણનીતિ – 2020 માં ઉચ્ચ શિક્ષણ અને છાત્રાભ્યાસની ગુણવત્તા સુધારવાના હેતુસર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુ.જી.સી.)એ 2022ના વર્ષથી નેકમાં કુલ 10 માંથી ઓછામાં ઓછા 2.5 ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ લેવા દરેક યુનિવર્સિટી અને કોલેજ માટે ફરજિયાત કરી દીધેલ છે.સામાન્યત: દર પાંચ વર્ષે નેક દ્વારા કોલેજ અને યુનિવર્સિટીના શિક્ષણની ગુણવત્તા,શૈક્ષણિક માળખું, શૈક્ષણિક સુવિધાઓ, પાઠ્યક્રમ પસંદગી,રોજગારી નિયોજન અને સ્થાપન, શોધ અને સંશોધન તેમજ પ્રકાશન વગેરે બાબતોનું નિરીક્ષણ કે તપાસ થાય છે અને તેના આધારે ગ્રેડ આપવામાં આવે છે.તેમજ ગ્રેડના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેને ગ્રાન્ટ ફાળવે છે.
ભારત વર્ષની સંસ્કૃતિના ગૌરવ રૂપ વિશ્વવિદ્યાલયો તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠની વાત મેં મારા ગત આર્ટિકલમાં વિગતે વર્ણવી છે. સદીઓ પૂર્વે આ વિદ્યાપીઠો નામશેષ બની.દુ:ખદ હકીકત એ છે કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને સ્તર એવાં કથળી ગયાં છે કે,વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પ્રથમ 300 યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટીને સ્થાન નથી.
વિશ્વની પ્રથમ એક હજાર યુનિવર્સિટીઓમાં યુરોપ ખંડની 400થી વધારે યુનિવર્સિટીઓ સ્થાન પામી છે. આ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં સૌથી વધારે ગ્રેટ બ્રિટનની તથા જર્મનીની યુનિવર્સિટીઓ છે.કેમ્બ્રિજ, ઓક્સફર્ડ,યુ સી એલ યુનિવર્સિટી કોલેજ લંડન,આઈ સી એલ ઈમ્પીરીયલ કોલેજ લંડન અને સ્વીત્ઝરલેન્ડની ઈ ટી એચ ઝુરિચ પ્રથમ ક્રમની યુનિવર્સિટીઓ છે.હાર્વર્ડના ડિગ્રી ધારકોમાંથી 49 જેટલા નોબલ પારિતોષિક વિજેતા બન્યા છે.એમ આઈ ટીએ 90 જેટલા નોબલ પારિતોષિક વિજેતા અને 15 ટ્યુરિંગ પ્રાઈઝ વિજેતા આપ્યાં છે.
શિક્ષણ અને આરોગ્ય એ રાષ્ટ્ર માટે પાયો છે.કથળતું શિક્ષણ એ રાષ્ટ્ર અને સમાજના પતનની શરૂઆત છે.ભારતની ભાવિ પેઢી મેધાવી તથા પ્રભાવી શિક્ષણથી વંચિત રહેશે,તો દેશને જબરું નુકસાન થશે.ભારતે સ્વ અધ્યાય અને સ્વ મૂલ્યાંકન કરવાનો સમય પાકી ગયો છે.ક્યા કારણથી આજની તારીખે ઓક્સફર્ડ યુનિવર્સિટી ટોચ ઉપર છે ? કયા કારણથી ચીનની સિંધુઆ(સાઈન ધુઆ)યુનિવર્સિટીમાં 35,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસરત્ છે ? શા માટે સિંગાપુરની નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરએ વર્ષોથી એશિયાની પ્રથમ અને શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકેનું સ્થાન ટકાવી રાખ્યું છે ? વિક્રમી સફળતા મેળવવા કાઢવામાં આવતી પ્રચાર રેલીઓ અને દેખાવો શિક્ષણને ગ્લોબલ સ્તરે પહોંચાડવા સક્ષમ બની શકશે ? !