ગત સપ્તાહ કરતા 2પ હજાર ગુણી મગફળીની ઓછી આવક: કપાસની આવક પણ ઘટી
લગ્નગાળો અને વિધાનસભાની ચુંટણીના કારણે રાજકોટ માકેટીંગ યાર્ડમાં મગફળીની આવકમાં 10 ટકાથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. ગત સપ્તાહે મગફળીની 1 લાખ 15 હજાર ગુણીની આવક થવા પામી હતી. દરમિયાન ગઇકાલે મગફળીની 90 હજાર ગુણીની આવક થવા પામી છે. કપાસની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડો અને લગ્નની સીઝનના કારણે આવક ઘટી હોવાનું મનાય રહ્યું છે.
દિવાળી બાદ રાજકોટ માકેટીંગ યાર્ડમાં કપાસની ચિકકાર આવક થવા પામતી હતી. પખવાડીયા પૂર્વે રેકોર્ડ બ્રેક 1 લાખ 35 હજાર ગુણી મગફળીની આવક થવા પામી હતી. દરમિયાન ગત સપ્તાહે આવકમાં થોડો ઘટાડો થવા પામ્યો હતો. અને 1 લાખ 15 હજાર ગુણીની આવક થવા પામી હતી. જેનો નિકાલ થઇ જતા ગઇકાલે રાતે ફરી મગફળી ભરેલા વાહનોને યાર્ડમાં એન્ટ્રી આપવામાં આપી હતી. ગઇકાલે રાત્રે 1 હજારથી વધુ વાહનો મગફળી ભરીને આવ્યા હતા. મગફળીની 90 હજાર ગુણીની આવક થવા પામી છે. ગત સપ્તાહની સરખામણીએ રપ હજાર ગુણીની આવક ઓછી થવા પામી હતી. રોજ 1પ હજાર ગુણી મગફળીનો નિકાલ કરવામાં આવે છે. હવે એક સપ્તાહ સુધી મગફળી સ્વીકારવામાં આવશે નહી. હાલ યાર્ડમાં નબળી કવોલીટીની મગફળીના ભાવ 1000 થી 1100 રૂપિયા બોલાય રહ્યો છે. જયારે મીડિયમ કવોલીટીની મગફળીનો ભાવ 1150 થી 1200 રૂપિયા અને સારી કવોલીટી મગફળી ના ભાવ 1200 થી 1250 રૂપિયા ચાલી રહ્યો છે.
મગફળી ઉપરાંત કપાસની આવકમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે. દૈનિક 1પ થી 16 હજાર મણ કપાસની આવક થઇ રહી છે. અને ભાવ 1700 થી 1825 રૂપિયા બોલાઇ રહ્યા છે. હાલ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક ઘટી છે.