આકાશમાં વિપુલ ‘અવકાશ’ જોતા વડાપ્રધાન
વડાપ્રધાન વિદેશથી આવી સીધા ઈસરો સેન્ટરે પહોંચ્યા, વૈજ્ઞાનિકોની ટીમને મળી વડાપ્રધાને પીઠ થબથબાવી અભિનંદન પાઠવ્યા: બેંગલુરૂ એરપોર્ટ બહાર વિશાળ જનમેદનીએ વડાપ્રધાનને આવકાર્યા
ભારતની આધ્યાત્મિક શક્તિએ સદીઓ પુરાણી દેન છે. તે સમયે આપણા ઋષિમુનિઓ ખગોળ વિજ્ઞાનમાં પારંગત હતા. હવે એ સમય પાછો આવી રહ્યો હોય તેમ ભારતના ખગોળ વિજ્ઞાનની તાકાતનો પરચો સમગ્ર વિશ્વ મેળવી રહ્યું છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે જાહેર કર્યો છે. આમ વડાપ્રધાને આકાશમાં વિપુલ અવકાશ હોવાનું દર્શાવી તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના બે દેશોના પ્રવાસને સમાપ્ત કર્યા પછી બેંગલુરુના એરપોર્ટ પર પહોંચ્યા. જ્યાંથી તેઓ ઇસરોના ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે ગયા હતા. આ વેળાએ રોડ શો જેવો માહોલ છવાયો હતો.
વડાપ્રધાન મોદીએ બેંગલુરુમાં એચએએલ એરપોર્ટની બહાર એકઠા થયેલા લોકોનું સ્વાગત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે દેશના વૈજ્ઞાનિકો દેશને આટલી મોટી ભેટ આપે છે, આટલી મોટી સિદ્ધિ હાંસલ કરે છે, ત્યારે આ દ્રશ્ય જે હું બેંગ્લોરમાં જોઈ રહ્યો છું, તે જ દ્રશ્ય મેં ગ્રીસની સાથે જોહાનિસબર્ગમાં પણ જોયું. વિશ્વના દરેક ખૂણામાં, માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખનારા, ભવિષ્યને જોનારા, માનવતા માટે સમર્પિત એવા લોકો આવા જોશ અને ઉત્સાહથી ભરેલા છે.
વડાપ્રધાને કહ્યું કે 23 ઓગસ્ટે જ્યારે ભારતે ચંદ્ર પર ત્રિરંગો ફરકાવ્યો હતો, તે દિવસ હવે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અવકાશ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ચોક્કસપણે વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવશે. સંશોધનની આ શક્તિ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને 2047માં ભારતને વિકસિત દેશ બનાવશે. ભારતના શાસ્ત્રોમાં મળેલા ખગોળશાસ્ત્રના સૂત્રોને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે, નવી પેઢીઓ તેનો નવેસરથી અભ્યાસ કરવા આગળ આવી. આ આપણા વારસાની સાથે સાથે વિજ્ઞાન માટે પણ મહત્વપૂર્ણ છે.
વડાપ્રધાનના કહેવા પ્રમાણે, ’એક સમય એવો હતો જ્યારે અમારી ગણતરી ત્રીજી હરોળમાં થતી હતી. આજે વેપારથી લઈને ટેકનોલોજી સુધી ભારતની ગણતરી પ્રથમ હરોળમાં ઊભેલા દેશોમાં થઈ રહી છે. ત્રીજી લાઇનથી પ્રથમ લાઇન સુધીની આ સફરમાં આપણી ’ઇસરો’ જેવી સંસ્થાઓની મોટી ભૂમિકા છે. આજે સમગ્ર વિશ્વ ભારતની વૈજ્ઞાનિક શક્તિને ઓળખે છે. ચંદ્રયાન મહાભિયાન માત્ર ભારતની જ સફળતા નથી પરંતુ સમગ્ર માનવતાની સફળતા છે.
વૈજ્ઞાનિકોને બિરદાવતી વખતે વડાપ્રધાન ભાવુક થઈ ગયા
ચંદ્રયાન-3ની સફળતા બાદ પીએમ મોદી બેંગ્લોરમાં ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી વૈજ્ઞાનિકોના વખાણ કરતા થોડીવાર માટે મૌન બની ગયા અને પોતાની ભાવનાઓને કાબૂમાં રાખીને પોતાની વાત આગળ રાખી. વૈજ્ઞાનિકોના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારી મહેનત, તમારી ધીરજને સલામ. પીએમ મોદીએ કહ્યું કે આ આજનું ભારત છે, લડતું ભારત.
ચંદ્રયાન-3 જ્યાં ઊતર્યું તે જગ્યાનું નામ ‘શિવ શક્તિ’ પોઇન્ટ
વડાપ્રધાને ચંદ્રયાન-3 મિશનના લેન્ડર વિક્રમે જે સ્થાનને સ્પર્શ કર્યો તે હવેથી ’શિવ-શક્તિ પોઇન્ટ’ તરીકે ઓળખાશે તેવી જાહેરાત કરી. આ નામકરણનું કારણ સમજાવતા વડાપ્રધાને કહ્યું કે સ્પેસ મિશનના ટચ ડાઉન પોઈન્ટને નામ આપવાની પરંપરા છે. ભારતે ચંદ્રના તે ભાગનું નામ પણ નક્કી કર્યું છે કે જેના પર આપણું ચંદ્રયાન ઉતર્યું છે. ચંદ્રયાન-3નું લેન્ડર જે જગ્યાએ લેન્ડ થયું હતું, હવે તે બિંદુ ’શિવ-શક્તિ’ તરીકે ઓળખાશે. શિવમાં માનવતાના કલ્યાણનો સંકલ્પ છે અને શક્તિ આપણને તે સંકલ્પોને પૂર્ણ કરવાની ક્ષમતા આપે છે. ચંદ્રનું શિવ શક્તિ બિંદુ હિમાલયની ક્ધયાકુમારી સાથેના તેના જોડાણની અનુભૂતિ આપે છે.
ચંદ્રયાન-2ના પદચિહનોવાળી જગ્યાને ‘તિરંગો’ નામ અપાયું
પીએમ મોદી ચંદ્રયાન-3ની સફળતામાં ચંદ્રયાન-2ના પ્રયાસોને ભૂલ્યા ન હતા અને તેમણે જાહેરાત કરી હતી કે ચંદ્ર પર જે બિંદુએ ચંદ્રયાન-2એ તેના નિશાન છોડ્યા હતા તેને હવે તિરંગા કહેવામાં આવશે. આ ત્રિરંગા બિંદુ ભારતના દરેક પ્રયાસ માટે પ્રેરણા બનશે. આ ત્રિરંગા બિંદુ આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા અંતિમ નથી. ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ વર્ષ 2019માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન અસફળ રહ્યું અને ચંદ્રયાન-2નું લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ
કરી શક્યું નહીં. જો કે, ચંદ્રયાન-2ની નિષ્ફળતાથી શીખીને ભારતીય વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3 મિશનમાં સફળતા હાંસલ કરી હતી. આ જ કારણ છે કે પીએમ મોદીએ તિરંગા પોઈન્ટને ભારતીયો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું.