- પાથરણાં અને લારીવાળાઓના બેફામ ત્રાસથી વેપારીઓ ત્રાહિમામ
- સમસ્યાનો કોઇ નિવેડો નહીં આવે તો સાંગણવા ચોક ખાતે પ્રતિક ઉપવાસ પર બેસી જવાની વેપારીઓની ચીમકી
- ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ-રમેશભાઇ ટીલાળા અને સ્ટે.ચેરમેન જયમીન ઠાકરની આગેવાનીમાં પાંચ વેપારી એસોસિએશન દ્વારા મ્યુનિ.કમિશનરને રજૂઆત
શહેરની રાજાશાહી સમયની મુખ્ય બજારો એવી ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ અને સાંગણવા ચોકમાં પાથરણાં વાળા અને લારીવાળાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે આ બજારોમાં દુકાનો કે શો-રૂમ ધરાવતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. અલગ-અલગ પાંચ એસોસિએશનના હોદ્ેદારો દ્વારા આજે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરની આગેવાનીમાં મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ઉક્ત ત્રણેય માર્કેટને ‘નો-ફેરીયા’ ઝોન જાહેર કરવાની માંગ કરાઇ છે. જો સમસ્યાનો નિવેડો નહિં આવે તો સાંગણવા ચોક ખાતે ઉપવાસ આંદોલન પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી.
શ્રી રાજકોટ હોલસેલ ટેક્સ સ્ટાઇલ મર્ચન્ટ એસોસિએશન, ધી રાજકોટ રેડીમેન્ટ ગારર્મેન્ટ મર્ચન્ટ એસોસિએશન, લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન અને દિવાનપરા વેપારી એસોસિએશન ઉપરાંત ધી રાજકોટ રિટેલ રેડીમેન્ટ ગારર્મેન્ટ એસોસિએશનના હોદ્ેદારોએ આજે બે ધારાસભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સાથે રાખી મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉ બે કમિશનરને ઉક્ત બજારોમાંથી દબાણો હટાવવા માટે અવાર-નવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી. છેલ્લા ચાર વર્ષથી શહેરની મુખ્ય બજારો ગણાતી લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડ પરના વેપારીઓ રોડ પર બેસીને સામાન વેંચતા પાથરણાંવાળા અને લારીવાળાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. શો-રૂમ કે દુકાન આગળ પાથરણાં પાથરીને કે રસ્તા પર રેંકડીઓ રાખતા લોકો ખૂબ જ માથાભારે તત્વો છે. વેપારીઓ કોઇપણ જાતની દલીલ કે પ્રતિકાર કરી શકતા નથી. વારંવાર મારામારી કે ઝઘડા પર ઉતરી આવે છે. રવિવારે તો ગુજરી બજાર જેવો માહોલ સર્જાઇ જાય છે. દબાણના કારણે દુકાનદારો પોતાની દુકાન પાસે વાહનો પાર્ક કરી શકતા નથી કે દુકાનમાં ગ્રાહકો પણ પ્રવેશી શકે તેટલી જગ્યા હોતી નથી. હાલ દિવાળીના તહેવારમાં ઘરાકીની સિઝન હોય અહિંથી તાત્કાલીક અસરથી દબાણ હટાવવાની કામગીરી કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત લાખાજીરાજ રોડ પર કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેવી પણ માંગ કરાઇ છે. ત્રણેય મુખ્ય બજારોને ‘નો-ફેરીયા’ ઝોન જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.
વિવિધ વેપારી એસોસિએશનના હોદ્ેદારોએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે દબાણની સમસ્યાનો જો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં નહિં આવે તો વિવિધ એસોસિએશનના સભ્યો દ્વારા સાંગણવા ચોક ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે દિવાળીના તહેવારોમાં ધર્મેન્દ્ર રોડ સહિતની આસપાસની માર્કેટ પર પાથરણાંવાળા અને લારીવાળાના આડેધડ દબાણો ખડકાઇ જાય છે. જેના કારણે શો-રૂમ કે દુકાનદારોએ ધંધો કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે.