કોરોના મૃતકોના આંકડા છૂપાવી ભાજપ સરકારે ફરી એકવાર ભારતને વિશ્ર્વ મંચ પર નીચે ઉતાર્યું: ચાવડા-મેવાણી

સરકારી આંકડા મુજબ ભારતમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં માત્ર 5.24 લાખ મૃત્યુ થયા છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દેશમાં કોરોનાના કારણે 5.24 લાખ નહીં પરંતુ 47 લાખ મૃત્યુ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોવિડના કારણે વિશ્વમાં ત્રણમાંથી એક મૃત્યુ ભારતમાં થયું છે. કોરોના મૃતકોના આંકડા છુપાવીને ભાજપ સરકારે ફરી એકવાર ભારતને વિશ્વ મંચ પર નીચે ઉતાર્યું છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડો. સી. જે. ચાવડા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, whoએ કરેલ દાવાથી ભાજપ સરકાર કોરોનાને અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવાનું સાબિત થાય છે. કોરોનાની લહેરમાં ભાજપ સરકાર નાગરિકોને ઓક્સીજન, દવાઓ, ઈન્જેકશન તથા અન્ય જરૂરી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડી શકી નહોતી અને પ્રજા તેના માટે વલખાં મારતી હતી.

ગંગા જેવી પવિત્ર નદીમાં હજારો મૃતદેહો તરતા હતા જેના કારણે દુનિયામાં ભારતની નામોશી થઈ હતી. કેન્દ્ર સરકારે તેના સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટમાં પણ સ્વીકાર્યું છે કે, 2020માં મૃત્યુ પામેલ 45% લોકોને મૃત્યુ સમયે કોઈ તબીબી સહાય મળી ન હતી. ‘હુ’ દ્વારા કોવિડના કારણે ભારતમાં 5.24 લાખ નહીં પરંતુ 47 લાખ મૃત્યુ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે શું રાષ્ટ્રીય એજન્સીઓ WHOની ઓફિસો પર દરોડા પાડશે ?

રાજ્યમાં એકતરફ લોકો ‘રેમડેસીવીર’ જેવા ઈન્જેકશન મેળવવા દિવસ-રાત લાઈનોમાં ઉભા રહેતા હતા, છતાં ઈન્જેકશન મેળવવામાં નિષ્ફળ જતા હતા. પોતાના પરિવારજનો, સ્નેહીજનોને બચાવવા માટે ઈન્જેકશનની મૂળ કિંમત કરતાં અનેક ગણી કિંમતે ખરીદવા લોકો મજબુર બન્યા હતા અને બીજી બાજુ ભાજપ પ્રમુખ હજારોની સંખ્યામાં ઈન્જેકશનનો સ્ટોક કરતા હતા.

રાજ્યમાં નાગરિકોને ઈન્જેકશન મળતા ન હતા તેવા સમયે ભાજપ પ્રમુખ પાસે હજારોની સંખ્યામાં ઈન્જેકશન ક્યાંથી આવ્યા ? રાજ્ય સરકારે ડોક્ટરના પ્રિસ્કીપ્શન અને અન્ય પુરાવા વગર કોઈ નાગરિક પાસે ઈન્જેકશન મળે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હતી જ્યારે ભાજપ પ્રમુખ સામે રાજ્ય સરકારે આવી કોઈ કાર્યવાહી કરી નથી.

કોવિડ-19ની મહામારીએ દેશ અને રાજ્યમાં વિશાળ પાયા ઉપર મોટાપાયે લોકોને અસર પહોંચાડી હતી. કોવિડના કારણે અનેક લોકોના અકાળે અવસાન થયા, ધંધા-રોજગાર બંધ થયા, લોકોને હિજરત કરવાની ફરજ પડી, અનેક કુટુંબોએ તેમના કમાતા સભ્યોને અકાળે ગુમાવવા પડયા, ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ગજા બહારના ખર્ચા કરવા પડયા, જેના કારણે કુટુંબોની બચત ખાલી થઈ ગઈ અને લોકો દેવાદાર બની ગયા. કોરોના મહામારીના કારણે અનેક લોકો અને પરિવારો રસ્તા ઉપર આવી ગયા હતા.

આવા કપરા કાળમાં કોરોના મૃતકોના પરિવારજનોને રૂ. 50 હજાર જેટલી મામુલી રકમની સહાય ખૂબ જ અપૂરતી છે. ગુજરાતમાં કોવિડના કારણે મૃત્યુ પામેલ નાગરિકોના સાચા આંકડા જાહેર કરવામાં આવે અને કોરોનામાં મૃત્યુ પામેલ નાગરિકોના પરિવારજનોને સરકાર રૂ. 4.00 લાખની સહાય ચૂકવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષ વતી ડો. સી. જે. ચાવડા તથા જીજ્ઞેશ મેવાણીએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.