3 થી 10 સપ્ટેમ્બર કોર્પોરેશનની હદમાં આવેલા કતલખાના બંધ રાખવા, માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ કે સ્ટોરેજ કરવા પણ પ્રતિબંધ: જાહેરનામાનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરાશે: મ્યુનિ.કમિશનર
જૈન સમાજના પાવનકારી પવિત્ર પર્યુષણ પર્વનો આગામી ત્રીજી સપ્ટેમ્બરથી મંગલ આરંભ થઈ રહ્યો છે. ત્યારે પર્યુષણ પર્વના 8 દિવસ દરમિયાન શહેરમાં કતલખાના બંધ રાખવા માટે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.આગામી 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી 8 દિવસ દરમિયાન જૈન સમાજના પવિત્ર પાવનકારી પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાપાલિકાઓને કતલખાના બંધ રાખવા જાહેરનામુ પ્રસિધ્ધ કરવા કડક સુચના આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં પર્યુષણ પર્વ અંતર્ગત 8 દિવસ સુધી મહાપાલિકાના હદ વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ઉપરાંત માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ કે સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાની શહેરમાં ચુસ્ત અમલવારી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધી જીપીએમસી એક્ટ 1949 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.