રાજસ્થાનનો પાણી મીટર પ્રોજેકટ ગુજરાતમાં લાવવા રાજય સરકારની વિચારણા
પાણી મીટર પ્રોજેકટની ચકાસણી અર્થે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અધિકારીઓ સાથે બે દિવસ રાજસ્થાનની મુલાકાત કરશે પાણીનો પુરતો જથ્થો મળતો નથી અથવા અનિયમીત પાણી વિતરણ જેવી અનેક સમસ્યાનો અંત આવશે
રાજયમાં પાણીની અછતને પહોંચી વળવા તેમજ પાણીનો કરકસર યુકત ઉપયોગ થાય તે માટે સરકાર પગલા લેશે. રાજય સરકાર દ્વારા રાજસ્થાનનો પાણી મીટર પ્રોજેકટ ગુજરાતમાં લાવવા વિચારણા થઈ રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં તમામ મહાનગરો, નગરપાલિકાઓ તથા મોટાભાગના ગામડાઓમાં પાણીના મીટર લગાવવામાં આવશે.
સરકાર પાણીનો વેડફાટ અટકાવવા પાણીની બલ્ક લાઈનમાં મીટર લગાવવા તરફ વિચારી રહી છે. જે માટે રાજસ્થાનનું મોડેલ ગુજરાતમાં અમલી બનાવાશે. રાજસ્થાનના જોધપુરમાં સરકારે પાણી બચાવ માટે પાણી મીટર લગાવી યોગ્ય પગલુ ભર્યું છે. ત્યારે જોધપુરની જેમ સમગ્ર ગુજરાતમાં પાણી મીટર લગાવવામાં આવે તો પાણીનો અનેકગણો બચાવ કરી શકાય.
પાણી મીટર પ્રોજેકટનો વિચાર સરકાર કરી રહી છે ત્યારે આ માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અધિકારીઓના કાફલા સાથે બે દિવસ રાજસ્થાનની મુલાકાત કરશે અને ત્યાંની આ સીસ્ટમનો અભ્યાસ કરશે. ત્યારબાદ ગુજરાતમાં આ પ્લાન કઈ રીતે આગળ વધારી શકાય તેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. રાજયમાં આ પધ્ધતિ અગાઉ પણ અમલી બનાવાઈ હતી જો કે અનેક પ્રશ્નોથી આ પધ્ધતિ પડતી મુકાઈ હતી. ત્યારે ફરીથી પાણી બચાવવું જ‚રી હોય તે માટે સરકાર પાણી મીટર પ્રોજેકટ માટે પગલા ભરશે.
રાજસ્થાનના જોધપુરના કેટલાક વિસ્તારમાં પાણી મીટર લગાવાયા છે ત્યાં આ સીસ્ટમ કઈ રીતે અમલી બની છે, કેટલી સફળતા મળી છે, કઈ રીતે પાણી પુરવઠો અપાઈ છે અને કઈ રીતે વસુલાત થાય છે તેનો તમામ અભ્યાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પાણી પુરવઠાના અધિકારીઓ જોધપુરનો રૂબરૂ સંપર્ક કરી સીસ્ટમ જાણશે. ત્યારબાદ જ ગુજરાતમાં પાણી મીટર મુકવા અમલીકરણ કરાશે.
પાણી મીટર લગાવવાથી અનેક ફાયદાઓ થશે જેમાં કયાંક પુરતો જથ્થો મળતો નથી અથવા અનિયમીત પાણી વિતરણનો પણ અંત આવશે. પાણી મીટર મુકવાની વિચારણા બાદ રાજયના તમામ મહાનગરો, નગરપાલિકાઓ અને મોટા ભાગના ગામડાઓને આવરી લેવામાં આવશે.