સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઈકયુએસીની બેઠક મળી: ભવનોના વડાઓને પોતાના ડિપાર્ટમેન્ટને પ્રેઝન્ટેશન નેટ પર મુકવા અનુરોધ કરાયો
આગામી સપ્ટેમ્બર ૨૦૧૯માં નેકનું મુલ્યાંકન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવવાનું હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ-પ્લસ મેળવવા અત્યારથી તૈયારી આરંભી દેવાઈ છે. જેને લઈને અગાઉ પણ બે થી ત્રણ વાર આઈકયુએસીની બેઠક મળી હતી. આ બેઠકમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન કુમાર પેથાણીની અધ્યક્ષતામાં મળી હતી. સાથો સાથ સૌ.યુનિ.ના ઉપ કુલપતિ ડો.વિજય દેસાણી અને રજિસ્ટ્રાર ડો.રમેશ પરમાર પણ હાજર રહ્યાં હતા તેમજ સીન્ડીકેટ સભ્ય ગીરીશભાઈ ભીમાણી અને આઈકયુએસી સેલના વડા આલોક ચક્રવાલ સહિત તમામ ભવનોના વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
સૌ.યુનિ.ના ઉપ કુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે આઈકયુએસીની બેઠક મળી હતી. જેમાં નેટની ટીમ સૌ.યુનિ.ની મુલાકાતે આવનાર છે ત્યારે અત્યારથી જ જોરશોરથી તૈયારી ચાલી રહી છે આ તૈયારીની સમીક્ષા માટેની બેઠક આજે બોલાવાઈ હતી. જેમાં દરેક ભવનના વડાઓને ડેટા તાત્કાલીક આપવો તેમજ વિદ્યાર્થી ટીચરને લગતા સેમીનાર, વર્કશોપ યોજવા, આ ઉપરાંત જેન્ડર અવેરનેસ અંતર્ગત કાર્યક્રમો યોજવા, તાત્કાલીક ડેટા આપવો આ ઉપરાંત અમુક ભવનોમાં કલરકામ બાકી છે તેમજ દરેક ડિપાર્ટમેન્ટમાં વસ્તુઓ જલ્દી પુર્ણ થાય અને સફાઈ જળવાઈ રહે તેમજ ડિપાર્ટમેન્ટ વાઈઝ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો વૃક્ષો વાવે અને તમામ ભવનોના વડાઓ પોત પોતાના ડિપાર્ટમેન્ટનું પ્રેઝન્ટેશન તાત્કાલીક સૌ.યુનિ.ની વેબસાઈટ પર મુકે તેવી ખાસ સુચના આપવામાં આવી છે.
અંતમાં દેસાણીએ જણાવ્યું હતું કે, સૌ.યુનિ. એક માત્ર ગુજરાતની એ-ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી છે અને આ ગ્રેડ અમે જાળવી જ રાખશું તેમજ આવનારા નેકના મુલ્યાંકનમાં સૌ.યુનિ. એ-પ્લસ ગ્રેડ મેળવે તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે.