રાજકોટ ડેરી ૧૧ સપ્ટેમ્બરથી દુધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂ . ૭૦૦ ચુકવશે
રૂ . ર૦ ભાવ વધવાથી સંઘ મહિને દૂધ ઉત્૫ાદકોને રૂ . ૧.૫૦ કરોડ વધુ ચુકવશે
અબતક, રાજકોટ
રાજકોટ દૂધ સંઘ રાજયના યુવા કેબીનેટ મંત્રી અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ અને દુધ સંઘના અઘ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયાની અઘ્યક્ષતામાં સંઘ સાથે જોડાયેલા પ૦ હજાર દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજીક હિતોને પ્રાધાન્ય આપીને દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો સરાહનીય નિર્ણય કરેલ છે. હાલ ચોમાસાની મોસમમાં વરસાદ ખેંચતા ખેડુતો અને પશુપાલકો પાક નિષ્ફળ જવાની ચિંતા કરી રહ્યા છે તેમજ કપાસીયા ખોળના આસમાને પહોચેલ ભાવોથી પશુપાલકો દુધાળા પશુઓના નિભાવ માટે આથિક ખેંચ અનુભવી રહ્યા છે. ત્યારે સંઘ સાથે જોડાયેલા હજારો પશુપાલકોને આર્થિક મદદરુપ થવા દૂધના ખીરદ ભાવમાં કિલો ફેટે રૂ . ૨૦ નો વધારો કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે પશુપાલકોને મુશ્કેલીના સમયે આર્થિક સહયોગ મળી રહેશે.
હાલ સૌરાષ્ટ્રના દૂધ સંઘોના દુધના ભાવની તુલનાએ રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્૫ાદકોને સારો ભાવ મળી રહ્યો છે દૂધ સંઘ દ્વારા તા. ૧/૪/૨૦૨૧ થી કિલો ફેટના ૬૫૦/- આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી પરંતુ હાલની ચોમાસાની પરિસ્થિતિ અને કપાસીયા ખોળના ભાવોને ઘ્યાનમાં રાખીને પ માસના ગાળામાં ક્રમસહ રૂ . ૫૦/- નો ભાવ વધરો કરી ઉત્પાદકોના હિતમાં સંઘના મેનેજરમેન્ટે નિર્ણય કરેલો છે. સંઘ દ્વારા છેલ્લા પ૦ દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો કરેલ છે. સંઘ હર હંમેશ દૂધ ઉત્૫ાદકોને દુધનો સરેરાશ કિલો ફેટનો ભાવ વધુ મળે તે માટેના પ્રયાસો કરે છે. દૂધ સંઘ દ્વારા રૂ . ર૦/- નો ભાવ વધારો કરી તા. ૧૧-૯-૨૧ થી દુધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂ . ૭૦૦/- ચૂકવવાનો નિર્ણય કરેલ છે. દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂ . ૬૯૫/- લેખે ચુકવશે તેવી જાહેરાત દુધ સંઘના અઘ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયા તરફથી કરવામાં આવેલ છે.