ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામ માટે જે વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. લેઇટ ફી સાથે આ વિદ્યાર્થીઓ આજથી 3 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાવમાં આવ્યું છે કે, બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી અને લેઇટ ફી સાથે ભરવાનો સમય પૂર્ણ થઇ ગયો છે
પરંતુ હજુ ઘણા એવા વિધાર્થીઓ છે કે જે પરીક્ષા ફોર્મ ભરી શક્યા નથી તો આવા વિધાર્થીઓ 3 ફેબ્રુઆરી સુધી કચેરી ખાતે ઓફલાઈન ફોર્મ ભરી શકશે. આવેદનપત્રના નિયત નમૂના બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યા છે. જે ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી શાળાના આચાર્યના સહી- સિક્કા તથા જરૂરી આધારો સહ ઉક્ત તારીખ દરમિયાન બોર્ડની જે તે શાખામાં રૂબરૂ રજૂ કરવાનું રહેશે. આવેદનપત્ર સાથે નીચે મુજબની ફી નો ડિમાન્ડ ડ્રાફટ સચિવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નામજોગ રજૂ કરવાનો રહેશે. જેમાં કન્યાઓ અને દિવ્યાંગોને પરીક્ષા ફી માંથી મુક્તિ રહેશે પરંતુ લેઇટ ફી ચૂકવવાની રહેશે.