કોર કમિટીની બેઠકમાં રાત્રી કરફયુ ચાલુ રાખવો કે હટાવવો તે અંગે સત્તાવાર નિર્ણય લેવાશે: નાયબ મુખ્યમંત્રી
રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફયુની મુદત ગઈકાલે પૂર્ણ થઈ જવા પામી છે. દરમિયાન રાત્રી કરફયુ યથાવત રાખવો કે હટાવી લેવો તે અંગે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે સવારે એવું જણાવ્યું હતું કે, ચાર મહાનગરોમાં રાત્રી કરફયુ અંગે આજે સાંજ સુધીમાં નિર્ણય લઈ લેવામાં આવશે અને તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ રાત્રી કરફયુ અમલમાં મુક્યો છે. જેમાં સમયાંતરે ટાઈમીંગમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હાલ ચાર મહાનગરોમાં રાત્રીના 12 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી કરફયુ અમલમાં છે જેની મુદત ગઈકાલે એટલે કે, 15મી માર્ચના રોજ પૂર્ણ થઈ જવા પામી છે. આજે કરફયુ ચાલુ રહેશે કે કેમ તે અંગે રાજ્યના ચાર મહાનગરોમાં વસવાટ કરતા લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યાં છે. આજે સવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચાર મહાનગરોમાં રાત્રી કરફયુ અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય લઈ લેવામાં આવશે. કોર કમીટીની બેઠકમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મહાનગરોમાં કોરોનાનો સકંજો ફરી મજબૂત બન્યો છે. આવામાં રાજ્ય સરકાર આગામી 31મી માર્ચ સુધી ચાર મહાનગરોમાં રાત્રી કરફયુ યથાવત રાખે તેવી સંભાવના જણાય રહી છે. આ ઉપરાંત મહાનગરોમાં હોળી અને ધુળેટીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે હાલ રાત્રી કરફયુમાં કોઈપણ પ્રકારની છુટછાટ આપવાની વિચારણા સરકારની નથી. બીજી તરફ અધિકારીઓ દ્વારા રાત્રી કરફયુની મુદત હજુ એક પખવાડીયુ લંબાવવામાં આવે તેવો રિપોર્ટ રાજ્ય સરકારમાં આપવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. આજ સાંજ સુધીમાં રાત્રી કરફયુ અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે.