જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ કહે છે લોકોએ વિકાસને મત આપ્યા છે, અમારી જીત નિશ્ચિત
લોકોએ નવસર્જન કરવા મત આપ્યા છે,જુઠ્ઠો વિકાસ ભાજપને પછાડશે : લલિતભાઈ કગથરા
હવે મતગણતરીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે અને સોમવારે ગુજરાતમાં વિકાસ જીતશે કે નવસર્જન થશે તે ઇવીએમમાં કેદ છે ત્યારે મોરબી જિલ્લાની ટંકારા-પડધરી, અને વાંકાનેર- કુવાડવા મળી ત્રણે-ત્રણ બેઠકો જીતવા ભાજપ-કોંગ્રેસ દાવા પ્રતિદાવા કરી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કામાં મતદારોએ ભારે મતદાન કર્યું છે અને આગામી તા.૧૮ ને સોમવારે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે પરિણામ પહેલા જ કઈ કેટલાય એક્ઝીટ પોલ રાજ્યમાં પુન: ભાજપ સતા સ્થાને બેસશે તેવા અંદાજો આપી રહ્યા છે પરંતુ ખરેખર તો મતદારોને કળવા ભારે મુશ્કેલ છે, આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની હતી પરંતુ ખરા અર્થમાં તો મતદારો જ રાજા બની નિર્ણય કરનાર છે આથી પરિણામની ધડી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ અને કોંગ્રેસના જીવ ઉચક થઈ રહ્યા છે.
મોરબી જિલ્લામાં જોઈએ તો ગત ચૂંટણીમાં ટંકારા અને મોરબી માળીયા બેઠક ભાજપના કબજામાં હતી તો વાંકાનેર બેઠક કોંગ્રેસ પાસે હતી પરંતુ આ ચૂંટણીમાં મતદારોએ પોતાનું મન કળવા દીધું ન હોય હજુ પણ ભાજપ કે કોંગ્રેસ છાતી ઠોકીને જીત માટેના દાવા કરી શકે તેવી સ્થિતિમાં નથી, જો કે આમ છતાં ભાજપ અને કોંગ્રેસે ત્રણેય બેઠકો જીતવા દાવા-પ્રતિદાવા કર્યા છે.
ચૂંટણી પરિણામ અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કહ્યું હતું કે લોકોએ વિકાસને મત આપ્યા છે ભાજપના રાજમાં જિલ્લામાં અનેક લોકપયોગી કાર્યો થયા છે જેથી ત્રણેય બેઠકો ઉપર મતદારો ભાજપને જીત અપવશે તે વાત નિશ્ચિત છે.
બીજી બાજુ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે અને ટંકારા બેઠકમાં ભાજપના બબ્બે દાયકના શાસનમાં લોકોને શુ મળ્યું છે એ લોકો જ જાણે છે, પરિવર્તન નિશ્ચિત છે લોકોએ આ વખતે નવસર્જન કરવા કોંગ્રેસને મત આપ્યા છે અને એ ૧૮ મીએ સ્પષ્ટ બની જશે.
જો કે આ ચૂંટણીમાં સતાધારી ભાજપ માટે પાટીદાર ફેક્ટરથી લઈ, સ્કૂલોમાં ફી વધારો, પાકવિમો, અતિવૃષ્ટિની સહાયથી લઈ અનેક એવા મુદા હતા કે જેનાથી પ્રજાજનોમાં નારાજગી હતી ત્યારે ચૂંટણી પરિણામોમાં આ બાબત પણ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.
આ સંજોગોમાં હવે સોમવારે ગુજરાતમાં વિકાસ જીતે છે કે નવસર્જન થાય છે તે જોવું રહ્યું.