સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બાકીની પરીક્ષાનો નિર્ણય ફરી એક વાર પાછળ ધકેલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 25 જૂન સુધી મોકૂફ રાખી છે. હવે બાકી રહેલી પરીક્ષાઓ યોજવા માટે 25મી જૂને નિર્ણય લેવામાં આવશે. ત્યારે પરીક્ષાર્થીઓને ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. ઉલેખનીય છે કે પરીક્ષાઓ 1 થી 15 જુલાઇની વચ્ચે લેવાની હતી. પરંતુ આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ છેલ્લી ઘડી સુધી મૂંઝવણમાં મુકાયા છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પરીક્ષાઓના સંચાલન અંગે સુપ્રીમ કોર્ટને પોતાનો જવાબ મોકલી આપ્યો છે અને પરીક્ષાઓને સ્થગિત રાખવા સહિતના તમામ અન્ય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. સુપ્રીમ કોર્ટે કેટલાક વાલીઓ દ્વારા જુલાઇમાં પરીક્ષાઓ લેવાના વિરોધમાં કરેલી અપીલની સુનાવણી કરતા મંત્રાલય પાસેથી જવાબ માંગ્યા હતા.
અગાઉ, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સીબીએસઇ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ના દેશભરના અલગ પરીક્ષા કેંદ્રો ઉપર ધોરણ ૧૨ની અને ઉત્તર-પૂર્વ દિલ્હી કેન્દ્રો પર ધોરણ ૧૦ની બાકીની પરીક્ષાઓ માટે પહેલેથી જાહેર કરાયેલ તારીખો (1 જુલાઈથી જુલાઇ 15) પર લેવાનો નિર્ણય લઈ શકાય છે. કોવિડ -19 રોગચાળાની અનિયંત્રિત સ્થિતિ અને સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાઓને મુલતવી રાખવા અથવા રદ કરવા માટે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયને સતત અપીલ કરી રહ્યા છે.