વોર્ડ નં.૧૩માં ૬ આંગણવાડીઓમાં જીવાતયુકત નાસ્તો પકડાયા બાદ મ્યુનિ.કમિશનરને ત્રીજુ નેત્ર ખોલ્યું: કાર્યવાહી બદલ કોંગી કોર્પોરેટરે આપ્યા અભિનંદન
શહેરના વોર્ડ નં.૧૩ના જાગૃત કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર દ્વારા ગઈકાલે આંબેડકરનગર અને નવલનગર વિસ્તારમાં આવેલી ૬ આંગણવાડીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જે અંતર્ગત માસુમ ભુલકાઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનું પકડાયું હતું.
આંગણવાડીઓમાં બાળકોને અપાતા નાસ્તામાં ધનેડા સહિતની જીવાતો મળી આવી હતી. નાસ્તો બનાવતી એજન્સી સામે આકરી કાર્યવાહી કરવાની રજુઆત બાદ આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ ત્રીજુ નેત્ર ખોલ્યું હતું અને આંગણવાડી માટે નાસ્તો બનાવતી શ્રી શકિત એજન્સીને ડિસમીસ કરી દેવામાં આવી છે અને આંગણવાડી માટે નવી એજન્સીની નિમણુક કરી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આંગણવાડીઓમાં બાળકોને અપાતા નાસ્તા અને ખોરાકમાં ધનેડા સહિતની જીવાતો મળી આવ્યાની ગંભીર ક્ષતિ ગઈકાલે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન પકડાઈ હતી.
ચેકિંગ બાદ કોંગી કોર્પોરેટરે સંબંધિત અધિકારીઓ અને એજન્સી સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ આંગણવાડીમાં ફુડ સર્વિસની કામગીરી બજાવતી શ્રી શકિત એજન્સીને તાત્કાલિક અસરથી ડિસમીસ કરી દીધી છે અને તેના સ્થાને નવી એજન્સીની પણ નિમણુક કરી દેવામાં આવી છે. તત્કાલ કામગીરી બદલ આજે વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુનિ.કમિશનરને અભિનંદન આપ્યા હતા.