૩૧ વર્ષની અભિનયયાત્રા પછી જ્યાં જાઉં છું ત્યાં મારા વ્હાલા પ્રેક્ષકો મળી જ જાય છે.કોઇ પ્લેનમાં, બહારગામની ટ્રેનમાં, કોઇ હોટેલમાં તો કોઇ જાહેર સમારંભમાં ઓળખી જાય પછી તો કોઇ અભિનયને વખાણે, કોઇ વળી ફોટોગ્રાફ પડાવે (વધારામાં સેલ્ફી તો ખરીજ), કેટલાક પ્રેમીજનો તો એવો પ્રતિસાદ આપે જાણે એ લોકો કોઇ પરીકથાના કાલ્પનિક પાત્રને મળી રહ્યા હોય. એક અભિનેતા તરીકે પ્રેક્ષકોનો આ પ્રેમ ખૂબ ગમે; કંઇક વધુ સારું કરવા પ્રોત્સાહિત પણ કરે….પણ…આ બધા ઑટોગ્રાફ, ફોટોગ્રાફ ,પ્રેમ અને પ્રસંશા વચ્ચે એમાથીજ કોઇ; અચાનક તમને નિર્દોષતાથી પૂછી લે કે “મેહુલભાઇ આ ઍક્ટીંગ તો સમજ્યા પણ તમે આમ મેઇન શું કરો???…..
૨૦૨૦ની સાલમાં પણ આ પ્રશ્ન સાંભળી ; હજીપણ અભિનયને વ્યવસાય તરીકે ન સ્વીકારી શકનારો એક બહુ મોટો વર્ગ છે એ જાણીને દુ:ખ પણ થાય અને આવનારી પેઢીમાં કલાને કે પછી સમાજની વ્યાખ્યાઓથી પર એવી કોઇ જુદીજ પોતાની મનગમતી કારકીર્દી બનાવવા ઇચ્છતા યુવાનોના ભવિષ્યની ચિંતા પણ થાય છે.
આજે જ્યારે મોબાઇલ ફોન આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે અને આમાંના મોટાભાગના મોબાઇલ્સ પર ઍમેઝોન પ્રાઇમ, નેટફ્લીક્સ જેવા O.T.T. પ્લેટફોર્મસ પરની ફિલ્મો અને વેબસિરીઝને આપણે આપણા જીવનના નિત્યક્રમમાં સ્થાન આપી દીધું છે; તેમ છતાંયે છતાંયે સમાજનો એક મોટો વર્ગ અભિનય કે બીજી કોઇ પરફોર્મીંગ આર્ટને કે પછી કોઇ સાવ નવા જ ક્ષેત્રને કારકીર્દિ તરીકે સ્વીકારતાં ખચકાય છે એ જાણીને બહુજ આશ્ચર્ય થાય છે.દોસ્તો; રમકડાંથી રમવું એ માત્ર મનોરંજન હોઇ શકે પણ એ રમકડાં બનાવીને વેંચવા એ તો વ્યવસાય જ છે ને? ..એજ રીતે કોઇ એક ફિલ્મ,નાટક,વેબસીરીઝ કે સિરીયલ એ ’પ્રેક્ષકો’ નામના ’ગ્રાહક’ (Consumer) માટે બનાવેલી ’મનોરંજન’ નામની એક જ પ્રોડક્ટના જૂદા જૂદા મોડેલ્સ છે ; જે તૈયાર કરવા માટે અન્ય કોઇ પણ બિઝનેસની જેમ જ અઢળક મૂડીનું એંધાણ થાય છે, એક ખૂબ જ આયોજીત રીતે, જરૂરી ક્ષેત્રમાં નિપુણ વ્યક્તિઓના સામૂહિક યોગદાનથી આ ’મનોરંજન’ નામની પ્રોડક્ટના આ જૂદા જૂદા મોડેલ્સ પોતાનું અંતિમ રૂપ ધારણ કરે છે અને ’પ્રેક્ષકો ’ સુધી સુધી પહોંચે છે. પ્રેક્ષકો પોતપોતાની રીતે મનગતા મનોરંજનની પસંદગી કરી,એનુ મૂલ્ય ચૂકવે છે અને આ રીતે અન્ય વ્યવસાય ની જેમ જ આ વ્યવસાય વર્ષોથી ચાલ્યો આવે છે.પ્રગતિ કરતો આવે છે અને આ સર્જનાત્મક વ્યાવસાયીક પ્રક્રિયાનું એક અભિન્ન અંગ એટલે ‘અભિનેતા ’ . અભિનેતા ઉપરાંત આ ક્ષેત્ર માં જુદા જુદા વિભાગોમાં કામ કરતાં કંઇક કેટલાય લોકો એક સધ્ધર કારકીર્દિ જીવી જ રહ્યા છે. કોઇ પણ બીઝનેસમાં હોય એજ પ્રકારનું અને એટલું જ જોખમ આ વ્યવસાયમાં છે અને વ્યક્તિગત રીતે સુરક્ષિત ભવિષ્ય કે સફળતાની વાત કરીએ તો જેમ અસંખ્ય એંજીનીયરો,કંઇ કેટલાય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, અસંખ્ય એમ.બી.એ., ડોક્ટર્સ ,શિક્ષક આ બધા પોતપોતાના ક્ષેત્રને અનુરૂપ ડિગ્રી મેળવી પોતપોતાના વ્યવસાયમાં કે નોકરીમાં ઝંપલાવે છે…છતાંયે આગળ જતાં એમાના બહુ થોડા સફળતાના શિખરો આંબી સમાજમાં પોતાનુ નોખું સ્થાન બનાવી શકે છે, બાકીના ઘણા સરેરાશ રીતે સફળ થાય છે…કેટલાક એજ ડિગ્રી હોવા છતાં મુશ્કેલીથી પોતાનું કામ સાચવી શકે છે અને બાકીના થોડાક તો સાવ નિષ્ફળ નિવડે છે. અભિનય ક્ષેત્રમાં પણ કંઇક આવું જ છે…કોઇ સુપરસ્ટારના સ્થાને બીરાજે છે, કોઇ કેરેક્ટર આર્ટીસ્ટ બની પોતાની સરસ,સફળ અને સતત ચાલતી કારકીર્દિ પામે છે..કોઇ જૂનિયર આર્ટીસ્ટ બની અટકી જાય છે….ને કોઇ થાકીને ક્ષેત્ર ત્યજી પણ દે છે. મારા મતે કાર્યક્ષેત્ર ગમે તે હોય , પણ સફળતા; વ્યક્તિગત સમજણ અને આવડત પર વધારે અવલંબે છે. મેડિકલ, એન્જીનીયરીંગ, ફાયનાન્સ , મેનેજમેન્ટ જેવા પ્રચલિત અભ્યાસની જેમ અભિનય અને એના જેવી અન્ય કળાઓમાં પણ ડિગ્રી અને ડિપ્લોમા મેળવી જ શકાય છે. ભવિષ્યમાં મોકો મળશે તો એ વિષે પણ ચોક્કસ માહિતી આપીશ .મારા અનુભવ પ્રમાણે સમાજમાં જ્યારે કોઇ વ્યક્તિ સફળ અભિનેતા બને છે ત્યારે બાકીના લોકો એને ખૂબ આદર આપે છે. પણ જ્યારે પોતાના પરિવારમાંથી કોઇ; કલાકાર બનવા માગે છે ત્યારે કોણ જાણે કેમ પણ અચાનક ઘરમાં સંઘર્ષપૂર્ણ વિદ્રોહ નું વાતાવરણ સર્જાય છે. અખબારોમાં છપાતી અને સમાચારોમાં દેખાડાતી આ ક્ષેત્રની ભ્રામક ખરાબ બાજુની આડશ પાછળ બધા સંતાઇ જાય છે..અને પછી એજ વર્ષોથી ચાલી આવતી જાણીતી ડીગ્રીઓના મેનુકાર્ડમાંથી કંઇક પસંદ કરી પરિવારની એક નવી પેઢી ; હ્રદયમાં તરફડિયાં મારતાં પેલા કલાકારને, પોતાની પસંદગીને, કે પછી કોઇ એક અધૂરા સપનાને ધરબી દઇ, પારિવારિક ભણતરની પરંપરા આગળ વધારે છે. જીવનની વ્યાવહારિક વ્યાખ્યામાં બરાબર બંધ બેસી જાય છે; તેમ છતાંયે સફળ અને સધ્ધર જેવાં છોગાંઓ મળી ગયા પછી પણ; વધતી ઉંમરે ; જીવનની શરૂઆતે ધરબી દીધેલા પોતાના મનગમતાં પેલા અધૂરા સપનાનો ભાર મનમાં વધવા માંડે છે. પોતાની જાત સાથે પ્રામાણિક થઇ વિચારશો તો પેલી અધૂરપની વેદના ચોક્કસ વર્તાશે.
ફિલ્મીદુનિયાને નામે પ્રચલિત આ ક્ષેત્ર ; બીજા કાર્યક્ષેત્ર કરતાં સહેજ વધારે ઉઘાડું છે, ખુલ્લું છે અને એટલે જ પડદા પર કે રંગમંચ પર દેખાતા પાત્રને એ કલાકારના અંગત વ્યક્તિત્વ વચ્ચે ગૂંચવાઇ, છાપામાં અને સમાચારોમાં છડેચોક છપાતી અને બોલાતી ઘણી બધી ઉપજાવેલી વાતોથી એક સામાન્ય માણસ આ કાર્યક્ષેત્ર માટે પોતાનો મત બનાવી લે એ સ્વાભાવિક છે પણ સ્હેજ સમજણથી વિચારવામાં આવે તો સમજાશે કે ફિલ્મીદુનિયાને નામે ઓળખાતું આ કાર્યક્ષેત્ર બીજાં કોઇ પણ અન્ય વ્યાવસાયીક ક્ષેત્ર જેટલું જ સધ્ધર છે અને સફળ પણ છે.
“દરેક જણ અમિતાભ બચ્ચન કે આલ્બર્ટ આઇનસ્ટાઇન ન બને” એ વિચારસરણીને બદલી આવનારી પેઢીને એની મનગમતી કારકીર્દિ તરફ આગળ વધવામાં મદદ કરશું તો કદાચ દરેક નહીં તોયે ઘણા ઘરોમાં ’એક અમિતાભ બચ્ચન, એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન , બેર ગ્રીલ્ઝ કે પછી એક પંડિત ભીમસેન જોશી હશે એની મને ખાત્રી છે. મનગમતી મંઝીલ નક્કી કરી લો; પછી મારગ તો મળી જશે. ઑલ ધ બેસ્ટ
કારકિર્દી બનાવવા મન મકકમ કરી લેજો
અભિનેતા છું એટલે મારા જાણીતા કાર્યક્ષેત્ર વિષે વાત કરું છું..પણ કહેવાનું તાત્પર્ય એજ છે કે ૨૦૨૦ની સાલમાં જ્યારે દુનિયામાં નોખાંઅનોખાં કાર્યક્ષેત્ર ભવિષ્યની સુવર્ણ તક લઇને ઉભાં છે ત્યારે પોતાના સપનાંને ; પોતાનો વ્યવસાય; પોતાની કારકીર્દિ બનાવવા માટે એકવાર મન મક્કમ કરી વિચાર કરી જોજો…તમારું સપનું જો તમારું કાર્યક્ષેત્ર, તમારી કારકીર્દિ બનશે તો જીવનમાં ક્યારેય કોઇ વેકેશનની જરૂર જ નહીં પડે.