- સુરત બાદ રાજકોટમાં યુએસડીટી કરન્સીનું ભૂત ધુણ્યું
- છેતરપિંડીનું સુરત કનેક્શન: વરાછા રહેતા મિત્ર રાજુ ભંડેરી અને પુત્ર સિધ્ધાર્થે ડબ્બામાં ઉતાર્યા
- સુરતના ચાર ઠગબાજો વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાતો ગુનો
ફક્ત એક સપ્તાહ પૂર્વે જ સુરત શહેર એસઓજી હવાલા કૌભાંડનો પર્દાફાશ કરીને સુરત અને મુંબઈના કુલ છ શખ્સોની ધરપકડ કરી છે. આ હવાલા કૌભાંડમાં સુરત અને મુંબઈના શખ્સોએ છ હજારથી વધુ સીમકાર્ડ ખરીદી દુબઇ મોકલ્યાનો ઘટસ્ફોટ થઇ ચુક્યો છે અને ત્યારબાદ યુએસડીટી કરન્સી ખરીદી રૂ. 150 કરોડનો હવાલા કૌભાંડ આચરી લેવાયાનું પણ ખુલવા પામ્યું છે. સુરતની આ ઘટનાની તપાસ હજુ પૂર્ણ થઇ નથી એ પહેલા જ યુએસડીટી કરન્સીનું ભૂત રાજકોટમાં ધુણ્યું છે. શહેરના એસ્ટેટ બ્રોકર દેવેન મહેતા પાસે સુરતના પિતા-પુત્રએ ઉંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવી રૂ. 55 લાખની ઠગાઈ આચરી લીધાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસના ચોપડે નોંધાઈ છે.
શહેરના નિલસીટી કલબમાં રહેતાં અને એસ્ટેટ બ્રોકરનું કામ કરતા દેવેન મહેતાએ બનાવ અંગે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજુ મોહન ભંડેરી, સિધ્ધાર્થ રાજુ ભંડેરી (રહે.રોયલ હિલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં, મોટા વરાછા, સુરત), અંકિત મુકેશ અજુડિયા (રહે.પ્રમુખ પાર્ક સોસાયટી, છાપરાભાઠા, અમરોલી, સુરત) અને જતીન દેવેન્દ્ર કોઠારી (રહે. કામરેજ સુરત) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરીયાદીએ આપેલી વિગતો મુજબ તેઓ જુની ગાડીઓની લે-વેચ તથા જમીન લે-વેચનો વેપાર કરે છે. તેમના મિત્ર ભાવીનભાઈ સાંગાણી જેઓને છ એક વર્ષથી મિત્રતાના દાવે ઓળખે છે. તેમની સાથે કામથી એકાદ વર્ષ પહેલા સુરત ગયેલ અને ત્યાં મિત્ર રાજુભાઇ ભંડેરીએ તેમના ઘર પાસે મળવા બોલાવેલ અને તેનુ લોકેશન વોટસએપ મારફતે મોકલી આપેલ હતું. જેથી તેઓ બંને રાજુ ભંડેરીને મળવા માટે ગયેલ હતા. જયા તેમના દિકરા સિધ્ધાર્થ ભંડેરી સાથે મુલાકાત થઇ હતી. સિધ્ધાર્થ ભંડેરીએ જણાવેલ કે, હું તથા મારો મિત્ર અંકીત અજુડીયા બન્ને ભાગીદારીમા યુ.એસ.ડી.ટી. કરન્સીનું કામ કરીએ છીએ અને તેમા રોકાણ કરવાથી સારૂ એવું વળતર મળે છે.
જે બાદ મિત્ર રાજુ ભંડેરીએ તેમા રોકાણ કરવા માટેનો આગ્રહ કરતા તેને જણાવેલ કે, મારી પાસે હાલ રૂપિયા નથી પરંતુ હુ મારા મિત્રો પાસેથી રૂપિયા લઇ ઇન્વેસ્ટ કરીશ, બાદમાં તેઓ રાજકોટ પરત આવી ગયેલ હતાં. ત્રણ દિવસ બાદ રાજુ ભંડેરીનો ફોન આવેલ અને યુ.એસ.ડી.ટી. કરન્સીમા ઇન્વેસ્ટમેન્ટ કરવા જણાવેલ જેથી તા.22/11/2023 ના સિધ્ધાર્થ ભંડેરીને રૂ.10 લાખનું આંગડીયુ તેમના મિત્ર ભાવીનભાઈ સાંગાણીની આંગળીયા પેઢી એચ.એમ.એન્ટરપ્રાઇઝમાંથી કરેલ હતુ. જે રૂપિયાના અડધા ટકાના વળતર સાથેના રૂપિયા ત્રણેક કલાક બાદ પરત આપી દીધેલ હતા. બાદમાં દશેક વખત રૂપિયાનો વહીવટ રાજુભાઇ ભંડેરી અને તેના દિકરા સિધ્ધાર્થ ભંડેરી સાથે કરેલ હતો. તેઓ ત્રણ ચાર કલાકમા વળતર સાથેના રૂપિયા પરત આપી દેતા હતા. બાદ તા.27/12/2023 ના રાજુ ભંડેરીએ વોટ્સએપ કોલ કરી જણાવેલ કે, હું હાલ દુબઇ છુ હવે તમે પૈસાની ચીંતા ન કરો તમે મોટુ પેમેન્ટ કરો.
જેથી મારો ખર્ચો અહીથી નીકળે અને તમારો પાસપોર્ટ મને મોકલાવો આપણે અહીં દુબઇથી ધંધો કરશું તેમ વાત કરતા તેમને કહેલ કે, હાલ મારે દુબઈ નથી જાવુ ડીસેમ્બર પછી વિચારીશ, બાદ રાજુ ભંડેરીએ વધુ રૂપિયા રોકાણ કરવા માટે અવાર નવાર કહેતા બીજા દિવસે તેમના મિત્ર ભાવીનભાઈ સાંગાણી પાસેથી રૂ. 50 લાખ તેમજ તેઓના બચત કરેલ રૂ.5 લાખ કુલ રૂ.55 લાખનું રાજુના કહેવાથી તેના દિકરા સિધ્ધાર્થે સાથે વાતચીત કરી સદગૂરૂ કોમ્પલેક્ષ આમ્રપાલી ફાટક પાસે આવેલ એચ. એમ.આંગડીયા પેઢીમાંથી આંગડીયુ કરાવેલ હતુ. જે રૂપીયા સુરતથી જતીન કોઠારીએ સ્વીકારેલ હતાં.
બાદમાં સાંજ સુધી રૂપિયાની રાહ જોયેલ પરંતુ રૂપિયા પરત ન આવતા રાજુ ભંડેરીને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હોય જેથી વોટસએપ કોલ કરતા તેમણે જણાવેલ કે, હું હાલ દુબઇ છુ, જેથી સાદો કોલ નહી લાગે અને તમારા રૂપિયા સેફ છે રૂપીયા આવવામાં મોડુ થયું જેથી તમને આપી નથી શક્યા પરંતુ કાલે રૂપિયા મળી જશે તેમ જણાવી દુબઈની કરન્સી ગણતા હોય તેવો વિડીઓ તથા ફોટો મોકલેલ હતાં.
બીજા દિવસે પણ રાહ જોયેલ પરંતુ અલગ અલગ બહાના બતાવ્યા રાખતા હોય અને રૂપિયા પરત ન આપતા હોય જેથી તેના દિકરા સીધ્ધાર્થનો સંપર્ક કરતાં જણાવેલ કે, મારા પિતાજી દુબઇથી પરત આવી જશે એટલે તમોને તમારા રૂપિયા પરત આપી દઇશું તેમ વાત કરેલ હતી.બાદ તા.30/12/2023 ના રાજુ ભંડેરીને સુરત મળવા ગયેલ પરંતુ તે મળેલ નહી પરંતુ સિધ્ધાર્થ ભંડેરી મને મળેલ અને તેની સાથે તેનો મિત્ર જતીન કોઠારી સાથે ઓળખાણ કરાવેલ બાદ સિધ્ધાર્થે જતીન કોઠારીનો મોબાઇલ નંબર આપેલ અને કહેલ કે, જતીન આપણો માણસ છે કાંઇ જરૂર હોય તો તેમનો કોન્ટેક કરજો તેમ જણાવેલ હતું.
તા.06/01/2024 ના તેઓ સુરત હતાં ત્યારે રાજુ ભંડેરીને સુરત વરછા રીંગ રોડ પર ભગતની ચા પાસે મળેલ ત્યારે જણાવેલ કે, મારા દિકરા સિધ્ધાર્થનો પાર્ટનર અંકીત અજુડીયાએ અમારી સાથે ખોટુ કરેલ છે, જેથી તમારા રૂપિયા હાલ ફસાઇ ગયેલ છે, પરંતુ હુ તમારા રૂપિયા એક મહિનામા પરત આપી દઇશ તેમ વાત કરી અંકિત અજુડીયાનો મોબાઈલ નંબર આપતાં તેની સાથે વોટ્સએપ પર વાત કરતા અંકિતે જણાવેલ કે, કાકા તમારા રૂપિયા હું તમને પાંચ દશ દિવસમાં પરત મોકલી આપીશ, તેમ વાત કરતા તેઓ વિસેક દિવસ સુધી સુરતમાં અલગ અલગ હોટલમાં રોકાયેલ પરંતુ રૂપિયા પરત ન આપતા તેઓ રાજકોટ પરત આવી ગયેલ હતાં.
બાદમાં રાજુ ભંડેરી અને તેના દિકરા સિધ્ધાર્થનો અવાર નવાર ટેલીફોનીક સંપર્ક કરી રોકાણ કરેલ રકમ પરત મેળવવા માટે માંગણી કરેલ પરંતુ તેઓ અલગ અલગ બહાના બતાવ્યા રાખતા હોય જેથી આરોપીઓએ વિશ્વાસઘાત કરી રકમ પરત ન કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એસ.બી.જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ઝડપાયેલા હવાલા કૌભાંડના તાર છેક પાકિસ્તાન, ચીન, દુબઇ, અફધાનિસ્તાન સુધી
સુરત એસઓજીએ શહેરમાંથી રૂપિયા 150 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ ઝડપી પાડ્યું હતું. છે. સુરત શહેર એસઓજીએ હાથ ધરેલ તપાસમાં, સમગ્ર કૌંભાડ દુબઇ ખાતેથી ચલાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે. મૂળ અમદાવાદનો પરંતુ દુબઈ સ્થિત મહેશ દેસાઈ નામનો વ્યક્તિ આ કૌંભાડ ચલાવતો હોવાનું ખુલ્યું છે. પાકિસ્તાન, ચીન, દુબઇ, અફધાનિસ્તાન દેશો મારફતે રૂપિયાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. બે વર્ષમાં બેક ખાતામાંથી 100 કરોડનું ટ્રાન્જેક્શન મળી આવ્યું હતું.
હવાલાકાંડમાં મુંબઇથી એક અને ભેસ્તાનથી બે આરોપીઓ ઝડપાયા
અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા 150 કરોડના હવાલા કૌભાંડમાં એસઓજીએ વધુ 2 આરોપીઓની ભેસ્તાન અને એક આરોપીની મુંબઇથી ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 73 પ્રિ-એક્ટિવ સીમકાર્ડ કબજે કર્યા છે. ત્રણેય 500 રૂપિયાના કમિશન લઈ બીજાના નામના પ્રિ-એક્ટિવ સીમકાર્ડ વેચાણ કરતા હતા. પ્રિ-એક્ટિવ સીમકાર્ડ સપ્લાય કરનાર 24 વર્ષીય અલી બિલાલ ઝવેરી (રહે. હલીમા રેસીડન્સી, ગભેણી રોડ, ભેસ્તાન) અને 25 વર્ષીય પીર મુહમ્મદ અશરફ મેમણ (રહે.રાહત સોસા, ગભેણી, ભેસ્તાન)ને પકડી પાડ્યા હતા. બંને પાસેથી વધુ 73 પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મળ્યા હતા. પૂછપરછમાં પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મહારાષ્ટ્રમાં સત્યમ પાસેથી લાવતા હતા. આથી એસઓજીએ મુંબઈમાં નાલાસોપારા ખાતેથી આરોપી સત્યમ કિશનલાલ ગુપ્તા (20) (રહે. હરિઓમનગર શર્મા વાડી, નાલાસોપારા, મુંબઈ, મૂળ-ચંદેલપુર, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ)ને પકડી પાડ્યો હતો.