દાયકાઓ જૂની પરંપરા ફરી જીવંત
અબતક,નટવરલાલ ભાતીયા, દામનગર
દાયકાઓ પહેલા શણગારેલા બળદગાડામાં વરરાજા એક ગામથી બીજા ગામે જાન લઈ પરણવા જતા હતા. આજે બળદ ગાડા વિસરાયા છે અને હેલીકોપ્ટરમાં વરરાજા પરણવા આવી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના દિતલા ગામના ડોબરિયા પરિવારે દાયકાઓ જૂની પરંપરા ફરી જીવંત કરી છે.શણગારેલા બળદગાડામાં જાન પરણવા આવી હતી.
સાદુ બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે દીતલા ગામના ડોબરિયા પરિવાર ત્રણ મહિનાની સખત મહેનત કરી બળદ અને ગાડા ને શણગારવા માટે ના દેશી ભરત અને ઝુલો શોધી આજથી 50 વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટે નો પ્રયત્ન લલિતભાઇ ડોબરિયા પરિવાર સફળ કરી બતાવ્યું પોતાના પુત્રના લગ્ન ની જાન બળદગાડામાં જોડી શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશીભરત કામ થી બળદોને શણગાર્યા તેમજ અવનવી સાડીઓથી પણ બળદગાડાની શણગારવામાં આવ્યા અને 9 જેટલા બળદગાડાની જાડેરી જાન દિતલાથી નેસડી આવી પહોંચી..નાનપણમાં દાદાજીની વાતો માં એવું સાંભળવા મળતું કે અમારા લગ્ન બળદગાડામાં થયા હતા ત્યારે નાની ઉંમરના બાળકને બળદગાડામાં લગ્ન કેવી રીતે થતાં હશે કેવી રીતે બળદગાડામાં જાન જાતી હશે એ વાતોમાં રસ પડ્યો અને એક તમન્ના જાગી કે મારે પણ મારા લગ્ન બળદગાડામાં જાન જોડીને કરવા છે આખરે આ ડોબરીયા પરિવારના પુત્ર ને આ સપનું સાકાર કરવાનો અવસર મળ્યો અને બળદગાડામાં બેસીને પરણવા જવાનું એક અનોખો રોમાંચ અને અનુભવ થયો તેમજ પ્રકૃતિના દર્શન કરતા કરતા દેશી લગ્ન ગીત અને બળદના રણકતા ઘૂઘરા નો અવાજ એ મુસાફરી કંઈક અનોખી જ અનુભવવા મળી.
સામાન્ય રીતે અત્યારે લગ્નગાળાની સીઝન માં વિવિધ પ્રકારના વાહનો મારફતે આપણે લગ્નમાં જતા હોઈએ છીએ જાનમાં જતા હોઈએ છીએ પરંતુ ગાડામાં બેસીને જાનમાં જવું એ એક અનોખો જ અનુભવ હોય છે ખાસ કરીને અત્યારના સમયમાં અને નવી પેઢીને આ અનુભવ ખૂબ જ ગમ્યો અને નવી પેઢી પણ ગાડામાં બેસીને જાનમાં જવાની સલાહ પણ આપે છે..
પોતાની જાન બળદગાડામાં આવી રહી છે તેનું ગૌરવ અને આનંદ પરણિતાને છે જ.
નવી પેઢીને બળદગાડાની પરંપરાથી અવગત કરાવવા માટેના સસુર પક્ષના પ્રયાસને માત્ર ક્ધયાપક્ષ નહીં પરંતુ સમગ્ર ગામે એનો અનુભવ કર્યો આનંદ માણ્યો અને ગામ હિલોળે ચડ્યું ત્યારે બળદગાડાની પરંપરા અને એ જાન ખરેખર જોવા જેવી અને માણવા જેવી હોય છે.
હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે કોઈ હેલિકોપ્ટરમાં તો કોઈ લક્ઝરી બસમાં અને ફોરવીલ માં પોતાના પુત્રને પરણાવવા જઈ રહ્યા છે ત્યારે આ સમયમાં આજથી 50 વર્ષ પહેલાની શણગારેલા બળદ ગાડા માં જાન લઈ જવાની પરંપરાને જાળવી નવી પેઢીને એક અનોખો અને રોમાંચિત કરનારો અનુભવ કરાવ્યો છે જે ખુબ જ સરાહનીય છે.