નરેન્દ્રભાઈ મોદીને સૌરાષ્ટ્રની ધરતી પર અંતર ના ઉમળકા સાથે આવકારતા રાજુભાઇ ધ્રુવ
ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ આટકોટમાં કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે ત્યારે સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસને આવકારતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી પર નરેન્દ્રભાઈ મોદીનું અભૂતપૂર્વ સ્વાગત અને આગવું અભિવાદન કરવા માટે ભાજપના કાર્યકરો અને જનતા ઉત્સાહિત છે.
જેવી રીતે રાજકોટ-સૌરાષ્ટ્ર માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સવિશેષ પ્રેમ છે તેવી રીતે રાજકોટ-સૌરાષ્ટ્રની જનતાને પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે સવિશેષ પ્રેમ છે. સંઘ-ભાજપમાં એક સામાન્ય કાર્યકરથી રાષ્ટ્ર-ભારતના એક શ્રેષ્ઠ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ અવારનવાર નરેન્દ્રભાઈ મોદી પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ સમય કાઢીને લોકકલ્યાણના કાર્યો માટે રાજકોટ-સૌરાષ્ટ્ર આવવાનો મોકો ચૂકતા નથી.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી અને રાજકોટ-સૌરાષ્ટ્રનો નાતો દાયકાઓ જૂનો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક તરીકે તેમણે અનેક વખત રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસો ખેડ્યા છે. સૌ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ધારાસભ્ય પદની ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા હતા. રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો માટે નરેન્દ્રભાઈ મોદીની લાગણી જગજાહેર છે.
રાજકોટ-સૌરાષ્ટ્રનું નામ પૂરા રાષ્ટ્રથી લઈ વિશ્વભરમાં ગુંજતું થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક પગલાઓ ભર્યા છે અને રાજકોટ-સૌરાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય કક્ષાની ભેટ ધરી છે. જેમ કે, રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું હીરાસર એરપોર્ટ, આંતરરાષ્ટ્રીય કક્ષાની એઈમ્સ હોસ્પિટલ, આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો લાઈટહાઉસ પ્રોજેક્ટ,સોમનાથ મહાદેવ વિસ્તાર નો સર્વાંગીણ વિકાસ,પાકિસ્તાન સાથે ની દરિયાઈ સરહદે મેરિન કમાન્ડો હેડકવાટર્સ, ભાવનગર સુરત વચ્ચે રો રો ફેરી સર્વિસ,જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની આર્યુવેદીક યુનિવર્સીટી ઇન્સ્ટિટ્યૂટ વગેરેની ભેટ નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ-સૌરાષ્ટ્રને ધરી છે.
રાજકોટ-સૌરાષ્ટ્ર સાથે નરેન્દ્રભાઈ મોદીને દાયકાઓ જૂનાં સંબંધ અને સવિશેષ સ્નેહ હોવાથી આંતરરાષ્ટ્રીય ફલક પર આપણું નામ દુનિયાભરમાં રોશન થયું છે. નરેન્દ્રભાઈ વૈશ્વિક નેતા બન્યા બાદ રાજકોટ-સૌરાષ્ટ્ર પ્રત્યેના તેમના વ્હાલમાં જરા પણ ઓછપ આવી નથી. નર્મદાનું પાણી રાજકોટ-સૌરાષ્ટ્રને મળે અને પાણીની સમસ્યા દૂર થાય તે માટે પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેમણે પોતાના પ્રત્યનો ચાલુ રાખ્યા હતા એટલું જ નહીં અહીં આવેલા ઉદ્યોગોનો વિકાસ થાય, લોકોનું જીવનધોરણ સુધરે, ખેડૂતોની આવક બમણી થાય અને છેવાડાના માનવીને પણ દવાઈ, પઢાઈ, કમાઈ મળી રહે તે માટેની વિવિધ યોજનાની ભેટ આપી છે. રાજકોટ-સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ મોદીએ કરેલા લોકકલ્યાણકારી કાર્યોનું ઋણ ચૂકવી શકાય તેમ નથી.