આકાર કોમ્પ્લેક્સમાં ત્રણ મિલકતોની જાહેર હરાજી કોઇ લેવાલ ન થતા મોકૂફ: બપોર સુધીમાં 18 મિલકત સીલ, 22ને ટાંચ જપ્તીની નોટિસ
અબતક, રાજકોટ
કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરની અલગ-અલગ વિસ્તારોમાં 18 બાકીદારોની મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે 22 મિલકતધારકોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. બપોર સુધીમાં વેરા પેટે રૂ.65.17 વસૂલાત થવાપામી છે.
આજે શહેરના વોર્ડ નં.17માં રજપૂતપરા વિસ્તારમાં અમરદીપ કોમ્પ્લેક્સમાં બે કોમર્શિયલ મિલકત, ગાંધી ભવન કોમ્પ્લેક્સમાં એક કોમર્શિયલ મિલકત, લીમડા ચોકમાં એક કોમર્શિયલ મિલકત, યાજ્ઞિક રોડ પર પ્રમુખ સ્વામી આર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બે દુકાન અને ટાગોર રોડ પર અરિહંત એપાર્ટમેન્ટમાં એક કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી હતી. આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સાત મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 11 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂ.18 લાખની વસૂલાત થવા પામી છે. વેસ્ટ ઝોનમાં 6 મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે 7 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂ.29.20 લાખની વસૂલાત થઇ છે. ઇસ્ટ ઝોનમાં 5 મિલકતો સીલ કરવામાં આવી છે. અને 4 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂ.18 લાખની વસૂલાત થવા પામી છે.
શનિ-રવિની રજામાં વેરા વસૂલાતની કામગીરી ચાલુ રહેશે
આવતીકાલે ચોથા શનિવારની રજા છે. જ્યારે પરમદિવસે રવિવારની જાહેર રજા હોવા છતાં કોર્પોરેશન દ્વારા વેરા વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રૂ.340 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 222 કરોડની વસૂલાત થવા પામી છે. નાણાંકીય વર્ષ પૂર્ણ થવાના આડે હવે માત્ર એક જ મહિનો બાકી રહ્યો છે. ત્યારે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે હાલ હાર્ડ રિક્વરીનો દૌર ચાલી રહ્યો છે. દરમ્યાન શનિ-રવિની રજામાં તમામ ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ અને ત્રણેય ઝોનના સિવિક સેન્ટરોમાં વેરા વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે.