- સિંચાઇ વિભાગનું 383.75 કરોડ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડનું 801.84 કરોડ, ગુજરાત પાણી-પૂરવઠા અને વ્યવસ્થા બોર્ડનું 3.03 કરોડ અને સૌની યોજનાનું 153.53 કરોડ રૂપિયાનું માંગણું
- પાણીનું દેવું ચૂકવી શકે તેવી રાજકોટની કોઇ જ આર્થિક હૈસિયત નથી: પાણીનો ચાર્જ ચૂકવવા બેસે તો અડધું બજેટ થઇ જાય સ્વાહા
જેટ ગતિએ વિકાસ સાધી રહેલું રાજકોટ શહેર પાણી બાબતે આત્મનિર્ભર બની શકે તેવા કોઇ જ સંકેતો દૂર-દૂર સુધી દેખાતા નથી. સૌરાષ્ટ્રના પાટનગરમાં વસવાટ કરતા લોકોની તરસ છીપાવવા માટે કોર્પોરેશન દ્વારા વેંચાતુ પાણી લઇને લોકોને આપવું પડે છે. કોર્પોરેશન પર દેવાનો ડુંગર ખડકાઇ ગયો હોય તેમ રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગોને પાણીના 1342 કરોડ ચૂકવવાના હજુ બાકી છે. આ રકમમાં દિનપ્રતિદિન સતત વધારો થઇ રહ્યો છે. ખૂદ કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખા દ્વારા જનરલ બોર્ડમાં વિપક્ષી નગરસેવિકા ભાનુબેન સોરાણીએ પૂછેલા પ્રશ્ર્નમાં કબૂલાત કરવામાં આવી છે.
શહેરનો વિસ્તાર અને વસતીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેની સામે જળસ્ત્રોતમાં કોઇ જ વધારો થતો નથી. આજની તારીખે પાણી વિતરણ વ્યવસ્થા મામલે રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત છે. એવું કહેવામાં આવે તો પણ જરા પણ અતિશિયોક્તિ નથી. કારણ કે શહેરની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય બે જળાશયો આજી અને ન્યારી ડેમ ચોમાસાની સિઝનમાં સતત એક મહિના સુધી ઓવરફ્લો થતા રહે તો પણ ત્રણ મહિનામાં ડેમનું તળીયું દેખાવા માંડે છે અને જળાશયોમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવા પડે છે. આજની તારીખે પણ આજી અને ન્યારીમાં સૌનીનું પાણી ઠાલવાનું ચાલુ છે.
સિંચાઇ વિભાગનું કોર્પોરેશન પાસે રૂ.383.75 કરોડનું માંગણું નીકળે છે. જ્યારે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ (જીડબલ્યૂઆઇએલ)નું રૂ.801.84 કરોડનું માંગણું છે. ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું 3.05 કરોડનું લેણું છે. 2017થી રાજકોટને સૌની યોજનાનું પાણી આપવામાં આવી રહ્યું છે. 7 વર્ષમાં રાજકોટવાસીઓ સૌનીનું 153.53 કરોડનું પાણી ગટગટાવી ગયા છે. ચોમાસા પુરૂં થાય કે તરંત જ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજનાનું પાણી માંગવામાં આવે છે. જેની સામે સરકારી વિભાગ દ્વારા પાણીના જૂના બિલની ઉઘરાણી કરવામાં આવે ત્યારે તંત્ર અસમર્થતા બતાવે છે. આજની તારીખે કોર્પોરેશન પર પાણીનું 1342 કરોડનું તોતીંગ દેવું છે. આ દેવું કોઇ કાળે ચૂકવી શકાય તેમ નથી છતાં જો ચુકવવામાં આવે તો અડધું બજેટ પાણીના બિલમાં સ્વાહા થઇ જાય.