ભંગારની હરરાજી ગોઠવાયા બાદ કેન્સલ કરતા આશ્ર્ચર્ય: ચોરાઇ ગયેલી કીંમતી વસ્તુ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી નહી કરે તો ધારાસભ્ય અને સામાજીક કાર્યકર હાઇકોર્ટના દ્વાર ખખડાવશે
જૂનાગઢની રજવાડા વખતની જૂની સિવિલ હોસ્પિટલમાં રહેલા કાટમાળની હરરાજી કોઈ કારણોસર ન થતી હોવા સામે જૂનાગઢ શહેરના બુદ્ધિજીવીઓ અને શિક્ષિત લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. તે સાથે ચોરાઈ ગયેલી કીમતી વસ્તુ અંગે તંત્ર દ્વારા કઈ યોગ્ય કરવામાં નહીં આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચીમકી જૂનાગઢના અગ્રણી ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
જૂનાગઢ શહેરના ચિતાખાના ચોકમાં રાજાશાહી વખતથી સિવિલ હોસ્પિટલ કાર્યરત હતી પરંતુ જૂનાગઢના મજેવડી દરવાજા ખાતે સાડા ત્રણ સો કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ નું નિર્માણ થતાં જૂની સિવિલ હોસ્પિટલ ચારેક વર્ષ અગાઉ ખાલી કરવામાં આવેલ હતી અને ત્યાં હોસ્પિટલના કીમતી સાધનો જેમના તેમાં રહી જવા પામ્યા હતા. વર્ષો બાદ આ સામાનમાંથી અનેક કીમતી વસ્તુઓ ચોરાઈ ગયા હોવાની જૂનાગઢના જાગૃત નાગરિકો માંથી ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે જૂની હોસ્પિટલમાં રહેલા ભંગાર વેચવા માટે હરાજીની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું સંભળાઈ રહ્યું હતું અને લોખંડના પલંગ તથા લાકડા સહિતના ભંગારના ઢગલા કરવામાં આવ્યા હતા, પરંતુ હરરાજી કોઈ કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. જેની સામે જૂનાગઢના સિનિયર એડવોકેટ અને સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મણિયારે અનેક સવાલો ઉઠાવ્યા છે અને તંત્ર દ્વારા જો તેમનો યોગ્ય જવાબ કે નિરાકરણ કરવામાં નહી આવે તો તેમના મિત્રો દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવું પત્રકારો સમક્ષ જણાવતા તંત્રમાં હડકંપ મચી જવા પામી છે.
એક વાત મુજબ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ગેસની પિતળની પાઈપ લાઈન, પંખા, એર ક્ધડીશન, નળ, લોખંડના પાઇપ, ટેબલ સહિતના ફર્નિચર અને કીમતી સામાન સહિત હોસ્પિટલની અનેક વસ્તુઓ જેમની તેમ રહેવા પામી હતી અને આ વસ્તુઓ ચોરાઈ ગયાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. પરંતુ તંત્ર દ્વારા વર્ષો સુધી જુની હોસ્પિટલમાં રહેલ વસ્તુઓની રખેવાળી માટે કે હરાજી માટે કોઈ કાર્યવાહી સત્તાધીશો દ્વારા કરવામાં આવી ન હતી. અને માલ ચોરાઈ ગયા બાદ તેની તપાસ કે ફરિયાદ પણ કરવામાં આવી ન હોવાની ચર્ચાઓ જૂનાગઢ શહેરમાં ચાલી રહી છે.
અનેક વસ્તુઓ સારી હાલતમાં સીવીલ સર્જન ડો. પાલા
જો કે, જૂનાગઢના સિવિલ સર્જન ડો. પાલાના જણાવ્યા અનુસાર જૂની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની લાઈટ, પલંગ, ટેબલ જેવી અનેક વસ્તુઓ સારી કન્ડિશનમાં છે, અને તેને નવી સિવિલમાં લવાય છે. ભવિષ્યમાં જો જરૂર પડે તો આ સામાનનો ઉપયોગ થઇ શકે તેમ છે, ત્યારે જવાબદાર અધિકારી, સિક્યુરિટી અને ડ્રાઈવરની સહી બાદ જૂની સિવિલ હોસ્પિટલનો સામાન નવી હોસ્પિટલમાં લાવવામાં આવે છે. એટલે રસ્તામાં આ વસ્તુઓ પગ કરી જવાની કોઈ શક્યતાઓ નથી.