જમ્મુ-કાશ્મીરનાં નહીં તો દિલ્હીનાં ઉપરાજયપાલ તરીકે નિમણુક થાય તેવી પ્રબળ સંભાવના
વડાપ્રધાનનાં પ્રિન્સીપલ સેક્રેટરીનું પદ છોડયા બાદ હવે નૃપેન્દ્ર મિશ્રાની આગામી નિમણુક અંગેની અટકળો તિવ્ર બની છે. ઉતરપ્રદેશ કેડરનાં ૧૯૭૭ની બેંચનાં અધિકારી મિશ્રાને જમ્મુ-કાશ્મીરનાં નવા બનેલા કેન્દ્ર શાસિત પ્રદેશોનાં લેફટનન્ટ ગર્વનર બનાવાય તેવી ચર્ચા હાલ ચાલી રહી છે. નૃપેન્દ્ર મિશ્રા વડાપ્રધાનની નજીક છે અને પાંચ વર્ષથી મહત્વપૂર્ણ પદ સંભાળી ચુકયા છે. જમ્મુ-કાશ્મીરનાં આ મહત્વપૂર્ણ પદનાં તેઓ પ્રબળ દાવેદાર છે.
કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ઉત્સુક છે અને ૫ ઓગસ્ટથી લાદવામાં આવેલા પ્રતિબંધોને સરળ બનાવવાની યોજના ચાલી રહી છે ત્યાં વિધાનસભાની ચુંટણીઓ યોજવા ઉપરાંત મત વિસ્તારોનું સીમાંકન કરવું પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જેથી નૃપેન્દ્ર મિશ્રાને જમ્મુ-કાશ્મીરનાં લેફટનન્ટ ગર્વનર બનાવાય તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ઉપરાંત જો જમ્મુ-કાશ્મીરનાં નહીં તો તેઓને દિલ્હીનાં લેફટનન્ટ ગર્વનર બનાવાય તેવી પણ પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આવતા વર્ષે દિલ્હીમાં ચુંટણી યોજાવાની છે. મુખ્યસચિવપદ છોડવાનાં તેમનાં નિર્ણય બાદ નૃપેન્દ્ર મિશ્રાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, હવે સમય આવ્યો છે કે તેઓ આગળ વધે અને જાહેર હેતુ તેમજ રાષ્ટ્રીય હિતમાં સમર્પિત રહે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ટવીટર પર નૃપેન્દ્ર મિશ્રાની નિવૃતિની પુષ્ટિ કરી છે અને તેમનાં મતે સપ્ટેમ્બરનાં બીજા અઠવાડિયામાં નૃપેન્દ્ર મિશ્રાને આ જવાબદારીમાંથી મુકિત મળશે. પીએમ મોદીએ ટવીટ કર્યું છે કે, ૨૦૧૯ની ચુંટણીનાં પરીણામો બાદ નૃપેન્દ્ર મિશ્રાજીએ મુખ્ય સચિવનાં પદ પરથી રાહતની વિનંતી કરી હતી. વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હું તેમને ઓફિસમાં જ રહેવાની વિનંતી કરું છું. પીએમએ મિશ્રાનાં કાર્યની પ્રશંસા કરતા લખ્યું હતું કે, જયારે મેં વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનપદ સંભાળ્યું ત્યારે દિલ્હી મારા માટે નવું હતું. આ સમયે નૃપેન્દ્ર મિશ્રા દિલ્હીનાં શાસનથી સારી રીતે પરિચિત હતા તે સંજોગોમાં તેમને મુખ્ય સચિવ તરીકે તેમની મુલ્યવાન સેવાઓ આપી હતા.