૨૨મીએ સવારે સાત વાગ્યે તિહાર જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવાશે
સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવનારા અને બળાત્કારીઓને અવશ્ય મૃત્યુદંડ આપવાની રાષ્ટ્રવ્યાપી લોકમાંગની સાથે-સાથે દુષ્કર્મીઓ સામેનો કેસ ત્વરીત ચલાવવાની કાયદાકિય જોગવાઈની હિમાયત ઉભી કરનાર દિલ્હીનાં નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને ૨૨મી જાન્યુઆરીએ સવારે ૭ વાગ્યે તિહાર જેલમાં ફાંસીએ લટકાવી દેવાનો ડેથ વોરંટ મંગળવારે જારી કરવામાં આવ્યો હતો.
દિલ્હી કોર્ટે મંગળવારે નિર્ભયાકાંડનાં તમામ ચાર આરોપીઓ વિરુઘ્ધ ડેથ વોરંટ ઈસ્યુ કરી સાત વર્ષથી ચાલતી કાનુની દાવપેચની આ ખેંચતાણ પર પૂર્ણવિરામ મુકીને દેશભરમાં નફરત અને રોષનું વાતાવરણ ફેલાવનાર નિર્ભયા હત્યાકાંડનાં તમામ ચાર આરોપીઓને ૨૨મી જાન્યુઆરીએ સવારે ૭ વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપી દેવાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ડેથ વોરંટને બ્લેક વોરંટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તિહાર જેલના મુખ્ય અધિક્ષક કચેરીનાં એડિશનલ સેશન્સ જજ સતિષકુમાર અરોરાએ મુકેશ ૩૨, પવન ગુપ્તા ૨૫, વિનય શર્મા ૨૬ અને અક્ષયકુમાર ૩૧ વિરુઘ્ધ ડેથ વોરંટ ઈસ્યુ કરી જેલ સતાવાળાઓને મોકલી દેતા તમામ ચાર આરોપીઓ મૃત્યુની અપેક્ષિત હરોળમાં આવી ગયા છે.
તિહાર જેલનાં સુત્રોએ જણાવ્યું હતું કે, અમને કોર્ટના હુકમ મળી જતા ચારેય આરોપીઓને ફાંસી આપી દેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્રણ આરોપીઓને જેલ નં.૨ અને ચોથાને ૪ નંબરની જેલમાં રાખવામાં આવ્યો છે. તમામને ફાંસી આપવાના સ્થળથી નજીકના વિભાગમાં રાખવામાં આવ્યા છે અને તિહાર જેલના કેદીઓના સંપર્કથી દુર કરી દેવામાં આવ્યા છે. કેદી વિભાગ દ્વારા જલ્લાદની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. મરેઠથી બોલાવી લેવામાં આવેલા જલ્લાદને એશિયાના સૌથી મોટા કેદી સંકુલ જેલ નં.૩માં રાખવામાં આવ્યો છે. ચારેય આરોપીઓને ફાંસી આપવા માટે કેટલીક નવી વ્યવસ્થા ઉભી કરવાની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. અમારા તબીબો ચારેય આરોપીઓને નિયમિત આરોગ્ય તપાસણી કરીને ચારેય શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ રહે અને તેમની સુરક્ષાની સાથે-સાથે આ સમયગાળા દરમ્યાન પરિવારના સભ્યો મળી શકે તેવી વ્યવસ્થા કરી હોવાનું જેલનાં સુત્રોવાળાએ જણાવ્યું હતું.
કોર્ટમાં થયેલી અંતિમ સુનાવણી વખતે પતીથાલા હાઉસ કોર્ટ કોમ્પ્લેક્ષમાં હાજર રહેલા નિર્ભયાની માતા આશાદેવી પત્રકારોને નિવેદન આપતી વખતે ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચારેય આરોપીઓની ફાંસી મહિલાઓને કાયદા પ્રત્યેનો વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરવા માટે નિમિત બનશે. નિર્ભયાના વતન ઉતરપ્રદેશના બાલિયાગામમાં આ ચુકાદાએ આનંદ સાથે રાહતની લાગણી ઉભી કરી હતી. નિર્ભયાના દાદા લાલજીસિંહે કહ્યું હતું કે, આજે વિલંભથી પરંતુ યોગ્ય ન્યાય થયો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુઘ્ધ ડેથ વોરંટ દિલ્હીના લોકોની એ અપેક્ષા સંતોષનારું છે કે મહિલાઓ સાથે દુર વ્યવહાર કરનાર લોકોને શિક્ષા મળવી જોઈએ તેવી ભાવનાને સંતોષનારું છે. આ હુકમ નિર્ભયાના માતા-પિતા અને ફરિયાદ પક્ષ તરફથી દિલ્હી સરકારને આરોપીઓ સામે ડેથ વોરંટ ઈશ્યુ કરવાની અરજી સંદર્ભે કરવામાં આવ્યું હતું.
૨૩ વર્ષની તબીબી વિદ્યાર્થી નિર્ભયાને ૧૬-૧૭ ડિસેમ્બર-૨૦૧૨ના રોજ દક્ષિણ દિલ્હીમાં ચાલુ બસમાં છ વ્યકિતઓએ સામુહિક દુષ્કર્મનો ભોગ બનાવી ચાલુ બસે રોડ પર ફેંકી દેવાના આ કાંડમાં નિર્ભયાનું સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨૯/૧૨/૨૦૧૨ના રોજ મૃત્યુ નિપજયું હતું. રામસિંગ નામના છઠ્ઠા આરોપીએ તિહાર જેલમાં આપઘાત કરી લીધો હતો જયારે એકની ઉંમર સગીર હોવાથી ત્રણ વર્ષ બાલ સુધાર ગૃહમાં રાખીને છોડી મુકવામાં આવ્યો હતો. હવે આરોપીઓ પાસે આ સજાના બચાવ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનો એક અવકાશ બાકી રહ્યો છે. આ ઉપરાંત આરોપીઓ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે છે. બચાવપક્ષના વકિલે કહ્યું હતું કે, તેઓ ટુંક સમયમાં જ એપેક્ષ કોર્ટમાં અરજી કરશે અને આ અરજીના નિકાલ સુધી ડેથ વોરંટના અમલ સામે સ્ટેની માંગણી કરશે. બચાવપક્ષની સજા મુલવતી રાખવાની અરજી આવી મોટી સજાઓને કાનુની પ્રક્રિયામાં એક ભાગ હોય છે અને આરોપીને બચવાની એક છેલ્લી તક તરીકે માન્ય રાખવામાં આવે છે.
નિર્ભયાકાંડના કેસની સુનાવણી દરમિયાન બચાવપક્ષે કહ્યું હતું કે, હવે કોઈપણ અરજીઓ બાકી નથી. સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓનો નિકાલ કરી દીધો છે. હવે રાષ્ટ્રપતિ પાસે આ મામલે જઈ શકે છે. કોર્ટના ડેથ વોરંટ ઈસ્યુ કરતા હવે આ આરોપીઓ પાસે દયાની અરજી કરવાનો માર્ગ રહ્યો છે જો તે ધારે તો દયા અરજી કરી શકે છે. અદાલતમાં ડેથ વોરંટ ઈસ્યુ કરવાની સુનાવણી વખતે આરોપી મુકેશની માતા રડતા-રડતા આવી હતી અને તેણે અદાલત સમક્ષ દયા રાખવા કાકલુદી કરી હતી. તે વખતે અદાલતે મુકેશની માતાની વિનંતી સ્વીકારવાની ના પાડી હતી. અદાલતની બહાર મિડીયા સમક્ષ મુકેશની માતાએ આક્ષેપ કર્યો હતો કે, પોતાના પુત્રને આ કેસમાં એટલા માટે ફીટ કરવામાં આવ્યો છે કે અમે ગરીબ છીએ.
ન્યાયમુર્તિ અરોરાએ તમામ આરોપીઓનું વિડીયો કોન્ફરન્સથી નિદર્શન કરી આરોપીઓની અસ્વસ્થતાની દલીલોની ચકાસણી કરીને સજાના અમલની તારીખમાં કોઈપણ ફેરફાર ન કરવાની તાકીદ કરી હતી. જોકે વિડીયો કોન્ફરન્સરૂમમાં પત્રકારોને પ્રવેશ અપાયો ન હતો. ફાંસીની તારીખ નકકી થયા બાદ વકિલો અને પરિવારજનોએ બહાર આવીને પત્રકારોને ફાંસીની તારીખની વિગતો આપી હતી. નિર્ભયાના પિતાએ જણાવ્યું હતું કે, આ ચુકાદાથી તેમને સંતોષ છે. ટ્રાયલ કોર્ટે અગાઉ જ તિહાર જેલને ચારેય આરોપીઓની સજા માટેની તૈયારીના નિર્દેશ આપી દીધા હતા. સાથે-સાથે આરોપીઓને એક અઠવાડિયામાં સજાના અમલ સામે ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી સહિતની પ્રક્રિયાની વિગતો ધ્યાનમાં રાખીને તૈયારી કરવાનું કહ્યું હતું. જેલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સાત દિવસના સમયગાળામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
સુપ્રીમ કોર્ટે ૧૮મી ડિસેમ્બરે આરોપી અક્ષયે કરેલી રિવ્યુ પીટીશનની સુનાવણીનો ઈન્કાર કરી દીધો હતો. આરોપીએ ફરી ફરીને સુનાવણીની માંગ કરી હતી અને કાયદાની પ્રક્રિયા ચાલુ રાખીને મૃત્યુદંડને નિવારવાનો પ્રયાસ કર્યો હોવાનું ટાંકીને અપેક્ષ કોર્ટે અગાઉ પણ ત્રણ આરોપીઓની અરજી ખારીજ કરી દીધી હતી. દેશની વડી અદાલતે ૨૦૧૭માં દિલ્હી હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટે ચારેય આરોપીઓને મૃત્યુદંડની મહાસજા આપવાનો ચુકાદો માન્ય રાખયો હતો.