જામનગર સમાચાર
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર કાના લૂશ અને પડાણા વચ્ચેના માર્ગ પર પદયાત્રા કરીને જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓને કોઈ અજ્ઞાત વાહન ના ચાલકે કચડી નાખતાં બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે, અને પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે. જે અકસ્માત મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ગોજારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના વતની દેવેન્દ્રસિંહ ગલતુભા જાડેજા (ઉ.વ.૩૦) તેમજ તેનો પિતરાઈ ભાઈ નરવીનસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૩૦) ઉર્ફે નીતિન કે જેઓ બંને પરમદિને રાત્રિના આઠ વાગ્યા આસપાસ ચેલા ગામે ઓફિસે ગયા હતા, અને ત્યાંથી બંને પગપાળા ચાલીને મામા દેવના મંદિરે જવાની માનતા રાખી હોવાથી તેઓ રાત્રિના સમયે પદયાત્રા કરીને નીકળ્યા હતા.
દરમિયાન પડાણા અને કાનાલુસ ગામ વચ્ચેના માર્ગ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બંને પદયાત્રીઓને ઠોકર મારી કચડી નાખતાં બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.
સૌપ્રથમ બંનેની તપાસ કરતા તેઓનો મોબાઇલ ફોન નો રિપ્લાય થતો હતો, જેથી પરિવારના સભ્યો તેઓને શોધવા માટે નીકળ્યા હતા. દરમિયાન કોઈ રાહદારીની નજર પડતા બંને પિતરાઈ ભાઈઓ બાવળ ની જાળીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
૧૦૮ ની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી, અને બંને પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યા હોવાની જાહેરાત કરી હતી, જેથી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ બનાવ અંગે ધર્મેન્દ્રસિંહ ગલતુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું હતું, અને ત્યારબાદ બન્ને મૃતદેહો પરિવારજનો ને શોપી દેવાયા હતા. જે બંને મૃતકોને તેઓના વતનમાં અંતિમ વિધિ માટે લઈ જવાયા હતા, ત્યારે ભારે ગમકગીની છવાઈ હતી. મેઘપર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી અજ્ઞાત વાહન ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.