રાજકોટના સગીર અને માળીયાના વૃઘ્ધનો રિપોર્ટ પોઝીટીવ
શહેરમાં સ્વાઇનફલુના નવા ત્રણ કેસ સામે આવ્યા હતા. જેમાં જુનાગઢના ૬૦ વર્ષના વૃઘ્ધા સાથે મોરબીનો ૧૪ વર્ષનો દિવ્યાંગ તરુણ અને
રાજકોટનો ૧૭ વર્ષનો સગીરનો રીપોર્ટ પોઝીટીવી આવ્યો હતો. જેમાં વહેલી સવારે મોરબીના ૧૪ વર્ષીય દિવ્યાંગ તરુણનું સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં આ સીઝનમાં સૌથી નાની વયનાં દર્દીનું મોત નોંધાયું હતું. ૧લી સપ્ટેમ્બરથી અત્યાર સુધી કુલ ૧ર૦ જેટલા કેસો સ્વાઇનફલુમાં નોંધાયા છે. જેમાં સૌ પ્રથમ તરુણ અને સગીર વયના દર્દીઓનો સમાવેશ થયો છે. મોરબીના તરુણના મોતથી આ સીઝનમાં સ્વાઇનફલુ મૃત્યુઆંક ર૯ સુધી પહોંચી રહ્યો છે.
મોરબીના ત્રિકોણબાગ વિસ્તારમાં રહેતા ૧૩ વર્ષના દિવ્યાંગ તરુણનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ તરુણને ગંભીર હાલતમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા વહેલી સવારે તરુણે સારવાર દરમિયાન દમ તોડતા સીઝનનો સૌથી નાના વયના દર્દીનું મોત નિપજતા વૃઘ્ધ અને પ્રૌઢ બાદ તરુણ અને સગીરમાં પણ ભયનો માહોલ પ્રસરી રહ્યો છે.
રાજકોટમાં પીપળીયા હોલ પાસેના વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષનો સગીર જસદણ અભ્યાસ કરતો હોય જે નવરાત્રી દરમિયાન રજા માણવા રાજકોટ ઘરે આવ્યો હતો. નવરાત્રી દરમિયાન ગરબા જોવા અને રમવા જતાં બે દિવસ પહેલા શરદીમાં સપડાયો હતો. પ્રાથમીક સારવારમાં કોઇ ઉકેલ ન આવતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સ્વાઇનફલુનો રિપોર્ટ પોઝીટીવી આવ્યો હતો.
જે રાજકોટમાં આ સીઝનમાં સૌથી નાની વયનો દર્દી સ્વાઇનફલુ પોઝીટીવ નોંધાયો હતો. સગીરને રાજકોટ આવી ચેપ લાગ્યો કે જસદણથી જ ચેપગ્રસ્ત હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ હાલ સગીર જે વિસ્તારમાં રહે છે ત્યાંના આસપાસના ૧૦૦ ઘરોમાં ટેમીફલુ આપવામાં આવી છે. જેથી કરી ચેપને ફેલાવતા રોકી શકાય સાથે આરોગ્ય વિભાગને જાણ કરી સગીર જસદણની જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાં પ્રીવેન્ટીવ ચેક અપ કરી શકાય. સાથે જુનાગઢના માળીયા ગામનાં ૬૦ વર્ષીય વૃઘ્ધને સ્વાઇનફલુ રીપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મોરબીના ૧૩ વર્ષીય તરુણ દિવ્યાંગ હોય જેથી ઘરની બહાર નીકળતો ન હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. તરુણના પિતાનું દસ વર્ષ પહેલા અકસ્માતમાં મોત નિપજયું હતું અને હાલ બે બહેનોમાં એકના એક ભાઇનું સ્વાઇનફલુના કારણે મોત નિપજવાથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.