- જેલમાં આવેલો હદયરોગનો હુમલો જીવલેણ બન્યો : જેલમાં ધીમું ઝેર અપાયા હોવાનો પરિવારનો આક્ષેપ : જેલમાં બંધ પુત્રની જામીન માટે અરજી કરાશે
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીનું ગુરુવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. જો કે આ ઘટનાથી સમગ્ર ઉત્તરપ્રદેશમલ એલર્ટ ઉપર છે. રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચસ્તરીય બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે.
જેલની બેરેકમાં મુખ્તાર અંસારીની તબિયત બગડતાં તેમને રાની દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાયુ હતું. મેડિકલ કોલેજ તરફથી જારી કરાયેલા બુલેટિન મુજબ, મુખ્તાર અંસારીને ગુરુવારે રાત્રે 8:25 કલાકે બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. નવ ડોક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ માહિતી બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે સીઆરપીસીની કલમ 144 હેઠળ સમગ્ર યુપીમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.
મુખ્તાર અંસારીના મોતની માહિતી મળતા જ બાંદા જિલ્લા મેજિસ્ટ્રેટ દુર્ગા શક્તિ નાગપાલ, ડીએમ અંકુર અગ્રવાલ સહિત અનેક પોલીસ સ્ટેશનોના પોલીસ દળો ડિવિઝનલ જેલ પહોંચ્યા. અધિકારીઓ લગભગ 40 મિનિટ જેલની અંદર રહ્યા હતા. આ પછી મુખ્તારને ફરીથી એમ્બ્યુલન્સ દ્વારા રાની દુર્ગાવતી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો. બાંદા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સુનીલ કૌશલે જણાવ્યું કે અંસારીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. આ માહિતી બાદ સમગ્ર રાજ્યને હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્તાર અંસારીના પરિવાર પુત્ર અબ્બાસ અંસારીના પેરોલની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે. પરિવાર અબ્બાસને પેરોલ પર મુક્ત કરવાની માંગ કરશે. પુત્ર મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારમાં હાજર રહેવાની માંગ સાથે અરજી કરવામાં આવશે. બીજી તરફ પરિવારે મુખ્તાર અંસારીને જેલમાં ધીમું ઝેર અપાયા હોવાના આરોપ પણ કર્યા છે.
મુખ્તાર અંસારી 63 વર્ષના હતા. પિતાનું નામ સુભાનલ્લાહ અંસારી હતું. યોગી આદિત્યનાથ સરકારના કાર્યકાળ દરમિયાન પૂર્વાંચલના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા મુખ્તાર અંસારીના પ્રભાવનો નાશ થયો હતો. મુખ્તાર અંસારીની ગેંગ સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશનો માફિયા ડોન અત્યાર સુધીમાં આઠ કેસમાં દોષિત ઠર્યો હતો. બનાવટી હથિયાર લાયસન્સ કેસમાં મુખ્તારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બે દોષિતો પર કોર્ટ સ્ટે આપવાના કેસને બાજુ પર રાખીને પણ મુખ્તાર અંસારીને છ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. મુખ્તારનો આખો પરિવાર હાલમાં કાયદાકીય મામલામાં ફસાયેલો છે. ગાઝીપુરના બીએસપી સાંસદ અને મુખ્તારના મોટા ભાઈ અફઝલને પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સંસદ સભ્યપદ પણ છીનવી લેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી અને અફઝલનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ફરી એકવાર સમાજવાદી પાર્ટીએ તેમને ગાઝીપુરથી ઉમેદવાર બનાવ્યા છે.