ધ્રોલ તાલુકાના ખાખરા ગામે રહેતા ક્ષત્રિય અગ્રણીનું દેડકદડ ગામ પાસે અકસ્માત થયો હતો. જેમાં સારવારમાં ક્ષત્રિય અગ્રણીએ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ તાલુકાના ખાખરા ગામે રહેતા કોન્ટ્રાકટર અને હોટલ સંચાલક સહિત અનેક ઉદ્યોગો સાથે સંકળાયેલા ક્ષત્રિય અગ્રણી અનિરુદ્ધસિંહ પથુભા જાડેજા નામના 53 વર્ષીય પ્રૌઢનું અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. આ અંગે જાણ થતાં ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક સપ્તાહ પૂર્વ સામસામે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો’તો: બંનેના મોત
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગત તા.4થી માર્ચના રોજ અનિરુદ્ધસિંહ જાડેજા પોતાના બાઈક પર વાડીએથી હોટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન દેડકદડ ગામના પાટિયા પાસે ક્ષત્રિય અગ્રણી અને સામેથી આવતા બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સામેવાળા બાઈક ચાલકનું જે તે સમયે ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું અને પ્રૌઢને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાએ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક અનિરુદ્ધસિંહ જાડેજા અનેક ઉદ્યોગો સાથે સંકળાયેલા હતા. જેમાં પેટ્રોલ પંપ, હોટલ, કોન્ટ્રાક્ટના કામ પણ રાખતા હતા. અનિરુદ્ધ સિંહ જાડેજાના મોતથી ત્રણ સંતોનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.