અબતક-સબનમ ચૌહાણ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ડેમ તળાવ કે કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઈને મોતને ભેટવાના બનાવોની સંખ્યામાં વધારો થયો છે. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં 16 વર્ષના ક્ષત્રિય સમાજનાં તરૂણ ડૂબીને મોત નિપજવાની ઘટના સામે આવી છે.
વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના ડેમ ઉપર શક્તિ સોસાયટી વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના ખેરાળી ગામના વતની લઘધિરસિંહ ઝાલાના પુત્ર સિધ્ધરાજસિંહ લઘધિરસિંહ ઝાલા (ઉ.વ.16)વર્ષના યુવક ધોળીધજા ડેમ નજક નર્મદા કેનાલમાં પંપીંગ સ્ટેશન પાસે ઉંડા પાણીમાં ગરકાવ થઈ ને ડૂબી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઘટનાની જાણ સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિરકાને જાણ કરતાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર રાડિયાની સુચનાથી ગેરેજ વિભાગના સુપ્રીટેન્ડ મનોજભાઈ વ્યાસના નેજા હેઠળ ફાયર વિભાગના ઈન્ચાર્જ દેવાંગભાઈ દુધરેજીયા અને ફાયર વિભાગની તરવૈયા ટીમ જેમાં રાહુલભાઈ ડોડીયા, ગોપાલભાઈ બારૈયા, સંજયભાઈ ચૌહાણ, અમૃતભાઈ, રાહુલભાઈ રાવળદેવ, ભગીરથસિંહ ઝાલા સહિતની ફાયર વિભાગની તરવૈયા ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઈ ડુબેલા તરૂણની શોધખોળ હાથ ધરી હતી અને ફાયર વિભાગની તરવૈયા ટીમે 20 મિનિટમાં યુવકની ડેડબોડીને બહાર કાઢવામાં આવી હતી અને આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતાં. તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તરૂણની લાશને કબજે કરી શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને આ તરૂણનું પીએમ કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના તરૂણ ધોળીધજા ડેમમાં ડૂબી જતાં મોત નિપજતાં સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો છે.